મારી સામે ઇલેક્શન પંચ બીજી ફરિયાદ કરીને બતાવે : મોદી

પશ્ચિમ બંગમાં નરેન્દ્ર મોદીનો ઇલેક્શન કમિશનને પડકાર, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગમાં વોટિંગમાં ગરબડ થઈ રહ્યાનો આરોપ


પશ્ચિમ બંગ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં વોટિંગ સમયે મોટા પાયે ગરબડ થઈ રહી હોવાનો આરોપ મૂકીને ચૂંટણીપંચની કામગીરી નિષ્પક્ષ નથી એમ જણાવીને નરેન્દ્ર મોદીએ પડકાર ફેંક્યો હતો કે ચૂંટણીપંચ તેમની સામે બીજી ફરિયાદ નોંધી બતાવે.

ગુજરાતમાં મતદાનના દિવસે મતદાનકેન્દ્રની બહાર કમળનું નિશાન હાથમાં લઈને એને બતાવવા માટે નરેન્દ્ર મોદી સામે એક કેસ નોંધાયો હતો.

ગઈ કાલે આસનસોલમાં BJPના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની એક પ્રચારસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં ચૂંટણીની પ્રક્રિયા બરાબર થતી નથી, આમ છતાં ચૂંટણીપંચ કોઈ કાર્યવાહી કરતું નથી. તમારો ઇરાદો શું છે? જો આપને એમ લાગતું હોય કે હું ખોટો છું તો મારી સામે હજી બીજો એક કેસ નોંધી શકો છો. તમે મતદાન સમયે ધાંધલ-ધમાલ અને હિંસાને રોકવામાં નિષ્ફળ રહ્યા છો. તમારું કામ લોકોની રક્ષા કરવાનું છે. હું આપને આગ્રહ કરું છું કે તમે તમારી જવાબદારી સારી રીતે પૂર્ણ કરો.’

મમતા બૅનરજી પર હુમલો

મમતા બૅનરજીએ નરેન્દ્ર મોદીને કાગળના ટાઇગર કહ્યા હતા એ ટિપ્પણનો ઉત્તર આપતાં નરેન્દ્ર મોદીએ મમતા બૅનરજીને પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘બંગાલનો સાચો ટાઇગર બંગાલી યુવાન છે. હું તો હેરાન છું કે દીદી એક પેપરના ટાઇગરથી ડરે છે. જો સાચો

ટાઇગર સામે આવશો તો તમે શું કરશો. તમે ટાઇગરની વાત કરો છો તો ટાઇગર એ કહેવાય જે શારદા ચીટ ફંડમાં લોકોના પૈસા લઈને ભાગી ગયેલા આરોપીઓને જેલમાં પૂરે. તમે તો એવા આરોપીઓને બચાવી રહ્યાં છો. કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે દીદી સામે બદલાની ભાવનાથી કામ નહીં કરીએ એની ખાતરી આપું છું.’

ઘૂસણખોરોએ જવું પડશે

બંગલા દેશી ઘૂસણખોરોની વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘BJPની નીતિ સ્પષ્ટ છે. વોટબૅન્કની રાજનીતિ હેઠળ જે બંગલા દેશીઓને ભારતમાં ઘૂસવા દેવામાં આવે છે તેમણે પાછું જવું જ પડશે. ધર્મના નામે જેમને બંગલા દેશમાંથી કાઢી મૂકવામાં આવે છે તેમને ખુલ્લા હાથે આવકારવામાં આવશે.’

વારાણસીમાં કબીરના હારનો મુદ્દો

નરેન્દ્ર મોદી વારાણસીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે અને બીજા ઉમેદવાર અરવિંદ કેજરીવાલે ગંગા નદીની સફાઈનું વચન આપ્યું છે, પણ ગયા વર્ષે સંત કબીરના જન્મસ્થાનેથી ચોરાઈ ગયેલા સુખડના ૬૦૦ વર્ષ જૂના હારની કોઈએ વાત નહીં કરતાં વારાણસીના ધાર્મિક ગુરુઓમાં રોષ ફેલાયો છે. સંત કબીરના અનુયાયીઓ માટે આ મહત્વનો મુદ્દો છે. આ સુખડનો હાર કબીરજીને તેમના ગુરુ સ્વામી રામાનંદાચાર્યે આપ્યો હતો અને ગયા ડિસેમ્બર મહિનામાં થાઇલૅન્ડની એક વ્યક્તિએ કબીરમઠમાંથી એ ચોરી લીધો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK