મમતા અને માયાવતીએ મોદીને ટેકો આપવાની ઘસીને ના

કેન્દ્રમાં સરકાર રચવા અન્ય પક્ષોનો ટેકો લેવામાં BJPને વાંધો નથી, સામેવાળાને છેલોકસભાની ચૂંટણીનાં પરિણામ આડે હવે માંડ અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે BJPએ ગઈ કાલે કહ્યું હતું કે અમે રાજકીય અસ્પૃશ્યતામાં નથી માનતા અને સરકાર રચવા કોઈ પણ પક્ષનો ટેકો લેવા તૈયાર છીએ.

બીજી તરફ BSPનાં માયાવતી અને TMCનાં મમતા બૅનરજીએ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની BJPની સંભવિત કેન્દ્ર સરકારને ટેકો આપવાની ઘસીને ના પાડી દીધી હતી.

BJP અને એના NDAના વર્તમાન ઘટકપક્ષોને ૩૦૦થી વધુ બેઠકો મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે કોઈ પણ પક્ષ અમારી સાથે આવવા માગતો હોય તો અમે એનો ટેકો આવકારીશું.

રાજકીય અસ્પૃશ્યતા નહીં

અમારો પક્ષ BJPને ટેકો આપશે નહીં એવા માયાવતીના નિવેદન બાબતે પ્રતિભાવ આપતાં શાહે કહ્યું હતું કે BJP રાજકીય અસ્પૃશ્યતામાં નથી માનતી.

લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં BJPની સરકારને ટેકો આપવાની શક્યતાને નકારી કાઢતાં TMCએ ગઈ કાલે જણાવ્યું હતું કે એ સરકાર મોદીના વડપણ હેઠળની હશે તો અમારા દરવાજા બંધ હશે અને એની ચાવી દૂર ફેંકી દેવામાં આવશે.

TMC ત્રીજો મોટો પક્ષ બનશે

TMCના પ્રવક્તા ડેરેક ઓબ્રાયને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી તૃણમૂલ કૉન્ગ્રેસ ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે એ નક્કી છે.

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ એમ પણ જણાવ્યું હતું કે પોતે ખુદના બળે કેન્દ્રમાં સરકાર રચી શકે એમ નથી એ વાતનું ભાન BJPને થઈ ગયું છે અને મીડિયામાં દાવો કરવામાં આવે છે એમ મોદીતરફી વાતાવરણ દેશમાં જોવા નથી મળતું.

ગૂંચવણ સરજવાનું કાવતરું

સંપૂર્ણ વિજયની ખાતરી ન હોય ત્યારે જ કોઈ પણ પક્ષ અન્ય પક્ષનો ટેકો લેવાની વાત કરતો હોય છે એમ જણાવતાં માયાવતીએ ઉમેર્યું હતું કે ‘લઘુમતી કોમના લોકો અમારા માટે મતદાન કરી રહ્યા છે અને મોદીનો ઇન્ટરવ્યુ લઘુમતી કોમના મનમાં ગૂંચવણ પેદા કરવાનું કાવતરું છે.’

BJP ડર્ટી ટ્રિક્સનો આશરો લઈ રહી હોવાનો આક્ષેપ કરતાં માયાવતીએ કહ્યું હતું કે ‘BSPની ચળવળને નુકસાન પહોંચાડવાના પ્રયાસ BJP હંમેશાં કરતી રહી છે. અગાઉની NDA સરકારના શાસનકાળમાં એણે મારા પર આવકના પ્રમાણમાં વધુ સંપત્તિનો કેસ આ હેતુસર કર્યો હતો. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં સરકાર રચી ત્યારે પણ અમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.’

મોદીએ શું કહ્યું હતું?

જરૂર પડ્યે પોતે AIDMKનાં વડાં જયલલિતા, TMCનાં વડાં મમતા બૅનરજી અને BSPનાં રાષ્ટ્રીય પ્રમુખ માયાવતી સાથે વાત કરશે એવું નરેન્દ્ર મોદીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. પોતાની વાત સ્પષ્ટ કરતાં માયાવતીએ પત્રકારોને કહ્યું હતું કે NDAને કોઈ પણ કિંમતે BSP ટેકો નહીં આપે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK