પાંચમા તબક્કામાં ઓડિશા ને પશ્ચિમ બંગમાં બમ્પર મતદાન

સોળમી લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં ૧૨ રાજ્યોની ૧૨૧ બેઠકો માટે ગઈ કાલે યોજાયેલા મતદાનમાં પણ અગાઉની માફક ઊંચી ટકાવારી જોવા મળી હતી. ઓડિશા અને પશ્ચિમ બંગમાં બમ્પર પ્રમાણમાં મતદાન થયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં મતદાનની ગતિ ધીમી રહી હતી. બિહાર, ઓડિશા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં હિંસાની કેટલીક ઘટનાઓને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. છત્તીસગઢમાં નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ત્રણ સલામતી રક્ષકો સહિત ચાર લોકો ઘવાયા હતા.


પશ્ચિમ બંગની કુલ ૪૨ પૈકીની ચાર બેઠકો માટે ૭૯ ટકા મતદાન થયું હતું. કુલ ૬૦,૩૩,૩૧૦ પૈકીના સરેરાશ ૭૮.૮૯ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. આખરી આંક ૮૩ ટકાનો રહેવાની આશા છે. અલીપુરદૌર બેઠક પર સૌથી વધુ ૮૦.૧૩ ટકા મતદાન નોંધાયું હતું.

ઓડિશાની કુલ ૨૧ બેઠકો પૈકીની ૧૧ માટે ૭૦ ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ ૭૫ ટકા મતદાન ધેનકનાલ તથા અંગુલ જિલ્લામાં નોંધાયું હતું.

કર્ણાટકની તમામ ૨૮ બેઠકો માટે કુલ ૬૮ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં આ પ્રમાણ ૫૯ ટકા હતું. આ વખતે નવેક ટકા મતદાન વધારે નોંધાયું છે.

રાજસ્થાનની કુલ ૨૫ પૈકીની ૨૦ બેઠકો માટે ૩.૪૮ કરોડ મતદાતાઓ પૈકીના ૬૩.૪૩ ટકાએ મતદાન કર્યું હતું. ૨૦૦૯ની સરખામણીએ આ વખતે પંદર ટકા વધુ મતદાન થયું છે. રાજ્યની ગંગાનગર બેઠક પર સૌથી વધુ ૬૮ ટકા મતદાન નોંધાયું હતું.

મધ્ય પ્રદેશની ૨૯ પૈકીની દસ બેઠકો માટે ૫૧.૨ ટકા મતદાન નોંધાયું હતું. ગુનાની બેઠક પર સૌથી વધુ ૬૧.૧ ટકા મતદાન નોંધાયું હતું. મધ્ય પ્રદેશમાં મતદાનની ટકાવારીનો આખરી આંક વધવાની આશા છે.

ઉત્તર પ્રદેશની ૮૦ પૈકીની ૧૧ બેઠકો માટે ૬૨.૬૨ ટકા મતદાન નોંધાયું હોવાના સમાચાર છે. નગીના મતવિસ્તારમાં સૌથી વધુ ૬૪.૮૦ ટકા મતદાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ મતદાનની અંતિમ ટકાવારીનો આંક ઉપર જઈ શકે છે.

ઝારખંડની ૧૪ પૈકીની છ બેઠકો માટે આશરે ૬૨ ટકા મતદાન નોંધાયું હતું અને એમાં ૧૦૬ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયું હતું.

જમ્મુ અને કાશ્મીરની છ પૈકીની એક ઉધમપુર બેઠક માટે ૬૯.૦૮ ટકા મતદાન નોંધાયું હતું. રેઆસી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ ૭૪ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૦૯માં અહીં માત્ર ૪૫ ટકા મતદાન નોંધાયું હતું.

બિહારની ૪૦ પૈકીની સાત બેઠકો માટે ૫૪.૪ ટકા મતદાન નોંધાયું હતું જે આગલી ચૂંટણી કરતાં પંદર ટકા વધારે છે. બક્સરની બેઠક પર સૌથી વધુ ૫૭ ટકા મતદાન નોંધાયું હતું.

મણિપુરની બે પૈકીની એક મણિપુર ઇનર બેઠક પર ૭૮.૮૯ ટકા મતદાન નોંધાયું હતું. આખરી ટકાવારીનો આંક ઊંચો જવાની સંભાવના છે. આ વેળાની ટકાવારી ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના ૮૦.૮૫ ટકા મતદાન કરતાં ઓછી છે.

છત્તીસગઢની ૧૧ પૈકીની ત્રણ બેઠકો માટે ૬૩.૪૪ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં આ ત્રણ મતવિસ્તારમાં ૫૭.૬૦ ટકા મતદાન નોંધાયું હતું.

મહારાષ્ટ્રમાં ૧૯ સીટો પર સરેરાશ ૬૧.૭ ટકા વોટિંગ

મહારાષ્ટ્રમાં ૪૮ પૈકી ૧૯ સીટો પર ગઈ કાલે બીજા તબક્કામાં આશરે ૬૧.૭ ટકા મતદાન થયું હતું. ૨૦૦૯માં મહારાષ્ટ્રમાં ૫૦.૭૧ ટકા મતદાન થયું હતું જે નૅશનલ ઍવરેજ ૬૦ ટકા કરતાં ઓછું હતું, પણ આ વખતે ૨૦૦૯ની સરખામણીમાં વોટિંગ આશરે ૧૦થી ૧૨ ટકા વધુ હતું. પહેલા તબક્કામાં વિદર્ભની ૧૦ સીટો પર ૬૨.૩૬ ટકા મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં ૨૪ એપ્રિલે મુંબઈની ૬ સહિત બાકી રહેલી ૧૯ બેઠકો પર મતદાન થશે.

મતદાનના આંકડા (ટકાવારીમાં)

મરાઠવાડા : નાંદેડ : ૬૩, હિંગોલી : ૬૩, બીડ : ૬૪, પરભણી : ૬૨, લાતુર : ૬૨, ઉસ્માનાબાદ : ૬૫. વેસ્ટર્ન મહારાષ્ટ્ર : પુણે : ૫૮.૭૫, બારામતી : ૫૮.૨૦, શિરુર : ૫૯.૫૦, માઢા : ૬૨, માવળ : ૬૩.૧૦, સોલાપુર : ૫૭, સાંગલી : ૬૨, સાતારા : ૫૭, કોલ્હાપુર : ૬૮, હાતકણંગલે : ૬૯. નૉર્થ મહારાષ્ટ્ર : અહમદનગર : ૬૦, શિર્ડી : ૬૧. કોંકણ : રત્નાગિરિ-સિંધુદુર્ગ : ૬૦

ઉત્તર પ્રદેશના પોલિંગ-સેન્ટરમાં મતદારનું અગ્નિસ્નાન

ઉત્તર પ્રદેશના આંવલા મતવિસ્તારના એક મતદાન કેન્દ્રમાં એક પુરુષ મતદારે ગઈ કાલે જાતે અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી હતી. ૨૫ વર્ષની વયના મૃતક હરિ સિંહે નશો કર્યો હતો અને દેવચારાની રામભરોસે લાલ ઇન્ટર કૉલેજના પોલિંગ-સેન્ટરમાં અગ્નિસ્નાન કર્યું હતું. તેને તત્કાળ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હરિ સિંહ પાસે મતદાર ઓળખપત્ર હતું, પરંતુ મતદારયાદીમાં તેનું નામ નહોતું. સ્થાનિક અધિકારીઓએ તેને મતદાન કરતાં રોક્યો હતો એટલે તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK