મતગણતરીની પ્રક્રિયામાં ફેરફાર : રિઝલ્ટ એક-બે કલાક મોડાં પડશે

ઝડપી જમાનામાં દેશમાં લોકસભાની ચૂંટણીનું મૅરથૉન મતદાન થયું એમ મતગણતરીની મેથડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાથી પરિણામો આ પહેલાંની ચૂંટણીઓની જેમ ઝડપથી નહીં આવે, એકાદ-બે કલાક મોડાં થઈ શકે છે. કાઉન્ટિંગમાં વધુ ચોકસાઈ માટે સિસ્ટમમાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે. કાઉન્ટિંગની પ્રોસીજર સમજવા માટે ગઈ કાલે યોજાયેલા સેશનમાં ઇલેક્શન કમિશને કાઉન્ટિંગ એજન્ટ્સને કહ્યું હતું કે આ વખતે મતગણતરી દર વખત કરતાં લાંબો સમય ચાલવાની છે.
કાઉન્ટિંગ સિસ્ટમમાં ફેરફાર

આનું કારણ કાઉન્ટિંગ સિસ્ટમમાં કરવામાં આવેલો ફેરફાર છે. લોકસભાની એક સીટના મતવિસ્તાર અંતર્ગતના તમામ છ વિધાનસભા મતવિસ્તારોની અલગ-અલગ ગણતરીમાં એક વિધાનસભા મતવિસ્તારના એક રાઉન્ડની ગણતરી થઈ ગયા બાદ તરત જ બીજા રાઉન્ડની ગણતરી શરૂ થઈ જતી હતી એનાથી વિપરીત હવે લોકસભાની એક સીટ અંતર્ગતના તમામ વિધાનસભા મતવિસ્તારની મતગણતરી એકસાથે તો થશે જ, પરંતુ દરેક  વિધાનસભા વિસ્તારની ગણતરીનો એક રાઉન્ડ પૂરો થયા બાદ જ બીજા રાઉન્ડની ગણતરી હાથ ધરવામાં આવશે. પ્રથમ રાઉન્ડની ગણતરી થઈ ગયા બાદ એ સીટના તમામ વિધાનસભા વિસ્તારના આંકડા કમ્પ્યુટરમાં એન્ટર કરવામાં આવશે અને રિટર્નિંગ ઑફિસર પહેલા રાઉન્ડનું પરિણામ જાહેર કરશે એ પછી જ કાઉન્ટિંગ એજન્ટો એ સીટના બીજા રાઉન્ડ માટે વોટિંગ મશીનો લાવી શકશે અને તમામ વિધાનસભા વિસ્તારના સેકન્ડ રાઉન્ડની ગણતરી શરૂ થશે.

સિસ્ટમ સમજો

ધારો કે કોઈ એક લોકસભા સીટના છ વિધાનસભા વિસ્તારમાંથી એક વિસ્તારની એક રાઉન્ડની ગણતરીમાં વાર લાગશે ત્યાં સુધી અન્ય પાંચ વિધાનસભા વિસ્તારની નવા રાઉન્ડની ગણતરી હાથ નહીં ધરી શકાય. આ રીતે એક સીટના તમામ છ વિધાનસભા વિસ્તારની ગણતરી રાઉન્ડ પ્રમાણે એકસાથે થશે અને આખરી પરિણામ આવતાં વાર લાગશે. અગાઉ એવી પદ્ધતિ હતી કે લોકસભા સીટના તમામ છ વિધાનસભા વિસ્તારની ગણતરી શરૂ થતી અને એક વિસ્તારનો એક રાઉન્ડ પૂરો થાય એટલે બીજા વિસ્તારના રાઉન્ડની ચિંતા કર્યા વગર નવો રાઉન્ડ શરૂ કરી શકાતો. ટૂંકમાં હવે એક સીટના તમામ વિધાનસભા વિસ્તારના તમામ રાઉન્ડની ગણતરી છેલ્લા રાઉન્ડ સુધી એકસાથે ચાલશે.

એક વિધાનસભા વિસ્તારમાં સામાન્ય રીતે ૧૯ રાઉન્ડ અને કેટલાકમાં ૨૦-૨૧ રાઉન્ડની ગણતરી કરવાની રહે છે અને લોકસભાની એક સીટ અંતર્ગત છ વિધાનસભા મતવિસ્તાર હોય છે.

આ પ્રોસીજર સમજવા ગઈ કાલે સેશનમાં હાજર રહેલા એક એજન્ટે કહ્યું હતું કે ‘રિટર્નિંગ ઑફિસરે તમામ કાઉન્ટિંગ ઑફિસરોને સૂચના આપી હતી કે કાઉન્ટિંગમાં કોઈ ગરબડ ન થાય એ માટે આ વખતે અગાઉ કરતાં સૌને વધુ સમય રોકાવું પડશે. આના કારણે રિઝલ્ટ્સ પણ એક-બે કલાક મોડાં આવશે.’

મુંબઈમાં કઈ બેઠકની મતગણતરી ક્યાં?

મુંબઈ નૉર્થ - બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર હૉલ નંબર ૭,  ગોરેગામ (ઈસ્ટ)

મુંબઈ નૉર્થ-વેસ્ટ  - બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર, ગોરેગામ (ઈસ્ટ)

મુંબઈ નૉર્થ-સેન્ટ્રલ - બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર, ગોરેગામ (ઈસ્ટ)

મુંબઈ નૉર્થ-ઈસ્ટ - ઉદયાંચલ પ્રાઇમરી સ્કૂલ, પીરોજશા નગર, વિક્રોલી (ઈસ્ટ)

મુંબઈ સાઉથ-સેન્ટ્રલ - રૂપારેલ કૉલેજ, માટુંગા

મુંબઈ સાઉથ - એલ્ફિન્સ્ટન કૉલેજ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK