સમગ્ર વિશ્વની મંડાયેલી મીટ વચ્ચે વારાણસીમાં મતદાન શરૂ

લોકસભાની ગઈ ચૂંટણીમાં અહીં માત્ર ૪૨ ટકા મતદાન થયેલું : મુરલી મનોહર જોશી ફક્ત ૧૭,૨૧૧ વોટથી જીતેલા, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને અજય રાય સહિત ૪૨ ઉમેદવારો: ૧૫,૬૧,૮૫૪ મતદારો : સિક્યૉરિટી માટે ૪૫,૦૦૦ જવાનો તહેનાત


આશરે ૧૫.૬૧ લાખ મતદારો આજે વારાણસીના એક મહિલા અને એક વ્યંડળ સહિત ૪૨ ઉમેદવાર પૈકી એકને ચૂંટવા માટે મતદાન કરવાના છે ત્યારે માત્ર ભારતની જ નહીં પણ દુનિયાભરની નજર આ સીટ પર છે, કારણ કે આ સીટ પર BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે AAPના અરવિંદ કેજરીવાલ અને કૉન્ગ્રેસના અજય રાય ઊભા છે. અહીં કોની જીત થાય છે એના પર દુનિયાની નજર છે. જોકે ઓપિનિયન પોલ્સને માનવામાં આવે તો અહીં નરેન્દ્ર મોદીની જીત પાકી છે. અરવિંદ કેજરીવાલ બીજા અને અજય રાય ત્રીજા સ્થાને આવશે.

નરેન્દ્ર મોદીનું આ સીટ પરથી નામ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલે તેમને હરાવવા માટે આ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. મોદીને હરાવવા માટે સર્વસંમતિથી એક ઉમેદવાર ઊભો રાખવાની વાત થઈ રહી હતી જેથી મુકાબલો દિલચસ્પ બને, પણ એવું થયું નથી અને એથી મુખ્ય પાર્ટીઓના ઉમેદવારો સહિત આશરે ૧૬ વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો સાથે ૨૦ જેટલા અપક્ષો પણ મેદાનમાં છે.

અજય રાય પોતાને સ્થાનિક ગણાવે છે. તેઓ વારાણસી જિલ્લાના છે, પણ તેઓ જે પિન્ડરા વિધાનસભા સીટના કૉન્ગ્રેસના વિધાનસભ્ય છે એ વારાણસી લોકસભા સીટનો મતવિસ્તાર નથી. નરેન્દ્ર મોદી ગુજરાતના છે જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવ્યા છે. આમ વારાણસીના મતદારો બહારના ઉમેદવારને ચૂંટી કાઢવાના છે.

બનારસ કહો કે કાશી કે પછી વારાણસી કહો, આ સીટ પર ૧૯૯૧થી BJPના ઉમેદવાર જ જીતે છે, માત્ર ૨૦૦૪માં કૉન્ગ્રેસે આ સીટ BJP પાસેથી છીનવી હતી.

વારાણસી પોલીસછાવણીમાં ફેરવાયું : ૪૫,૦૦૦ સુરક્ષા-જવાનો તહેનાત

વારાણસીમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે એના તમામ ૧૫૬૨ મતદાન-કેન્દ્રો પર સેન્ટ્રલ પૅરામિલિટરી ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આ મતદાન-કેન્દ્રો પર ઘ્ઘ્વ્સ્ કૅમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે. કુલ ૪૫,૦૦૦ જેટલા જવાનો સુરક્ષાવ્યવસ્થા સંભાળી રહ્યા છે, કારણ કે આ સીટ દેશની સૌથી હૉટ સીટ બની ગઈ છે.

સ્ટેટ પોલીસ સિવાય બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ, રૅપિડ ઍક્શન ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની મદદથી અહીં નિષ્પક્ષ અને શાંતિપૂર્વક મતદાન કરાવવાની ચૂંટણીપંચની નેમ છે.

ઉત્તર પ્રદેશના ટોચના તમામ પોલીસ-અધિકારીઓ વારાણસી પહોંચી ગયા છે. વારાણસીની તમામ નુક્કડો પર બંદૂકધારી પોલીસો જોવા મળી રહ્યા છે. આ સીટ પર પ્રતિષ્ઠાનો મુકાબલો થઈ રહ્યો હોવાથી ચૂંટણીપંચે વારાણસીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને રિટર્નિંગ ઑફિસર પ્રાંજલ યાદવ ઉપરાંત તામિલનાડુના ચીફ ઇલેક્ટોરલ ઑફિસર પ્રવીણ કુમારને સ્પેશ્યલ ઑબ્ઝર્વર તરીકે મોકલ્યા છે.

વારાણસીમાં માત્ર મતદારો સિવાય બહારના વિવિધ પાર્ટીના કાર્યકરોને વારાણસીની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ હોટેલ્સ, ગેસ્ટહાઉસો અને ધર્મશાળાઓમાં પણ તપાસ કરીને બહારના લોકોને વારાણસીની બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

વારાણસીમાં ૪૨ ઉમેદવારો

BJPના નરેન્દ્ર મોદી, AAPના અરવિંદ કેજરીવાલ, કૉન્ગ્રેસના અજય રાય, BSPના વિજય પ્રકાશ જયસ્વાલ, તૃણમૂલ કૉન્ગ્રેસનાં ઇન્દિરા ત્રિપાઠી, CPMના હીરાલાલ યાદવ, સમાજવાદી પાર્ટીના કૈલાસનાથ ચૌરસિયા, આગર જન પાર્ટીના એ. કે. અગરવાલ, ભારતીય શક્તિ ચેતના પાર્ટીના અરુણ, સનાતન સંસ્કૃતિ રક્ષા દળના ઓમ ગુરુ ચરણ દાસ ઉર્ફે વિમલકુમાર સિંહ, જન શક્તિ એકતા પાર્ટીના નરેન્દ્રનાથ દુબે, જનતંત્ર પાર્ટીના રામ લખન ગુપ્તા, ભારત નિર્માણ પાર્ટીના શિવહરિ અગરવાલ, રાષ્ટ્રીય વિકાસ મંચના સંતોષકુમાર, ઇન્ડિયન નૅશનલ લીગના હેમંતકુમાર યાદવ, BMPના અભિમન્યુસિંહ પટેલ, RAPDના ઉસ્માન, MADPના દેવીપ્રસાદ નંદ, LPSPના બચ્ચેલાલ, RaADના રાજેશ સૂર્યા, MaJPના લલ્લન, RAIPના હરિલાલ અને ૨૦ અપક્ષો - અહમદ સિદ્દીકી, ઇફ્તેખાર કુરેશી, ઘનશ્યામ, જૉન્સન થૉમસ, નરેન્દ્ર બહાદુર સિંહ, પ્રકાશ આનંદ, પ્રભાતકુમાર, પ્રમોદકુમાર, બચ્ચનપ્રસાદ યાદવ, મનોજકુમાર ચૌબે, મહેન્દ્ર મિશ્રા, રવીન્દ્રકુમાર, રાજીવકુમાર મિશ્રા, રાજેન્દ્રપ્રસાદ (ગરીબ દાસ), રામપ્યારે સિંહ, શિવકુમાર શાહ, સતીશકુમાર જયસ્વાલ, સત્યપ્રકાશ શ્રીવાસ્તવ, સર્વેશકુમાર ગુપ્તા અને વ્યંડળ બશીર કિન્નર.

પ્રચારસામગ્રીના મુદ્દે BJP ઑફિસમાં હંગામો

વારાણસીમાં BJPની એક ઑફિસમાંથી ચૂંટણીપંચ દ્વારા પ્રચારસામગ્રી જપ્ત કરવામાં આવી છે એવા અહેવાલો ગઈ કાલે ફરી વળતાં BJPના કાર્યકરોએ હંગામો શરૂ કરી દીધો હતો. જોકે થોડી તપાસના અંતે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ પ્રાંજલ યાદવે સ્પષ્ટતા કરવી પડી હતી કે આવી કોઈ વાત નથી અને જે સામગ્રી પકડવામાં આવી છે એ પાછી આપી દેવામાં આવી છે. અમે આ કેસ બંધ કરી દીધો છે.

મોદીએ કર્યો ત્રણ લાખ કિલોમીટરનો પ્રવાસ

નરેન્દ્ર મોદીએ આ લોકસભાની ચૂંટણી વખતે આશરે ૩,૦૦,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. તેમણે કુલ ૫૮૨૭ પબ્લિક મીટિંગોને સંબોધિત કરી હતી. મોદીએ ૨૫ રાજ્યોમાં ૪૩૭ સ્થળે જાહેર રૅલીઓને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત થþી-ડી ટેકનૉલૉજીની મદદથી ૧૩૫૦ રૅલીઓને સંબોધી હતી. આ ઉપરાંત ‘ચાય પે ચર્ચા’ના માધ્યમથી ૪૦૦૦ સ્થળે રહેલા લોકો સાથે ચર્ચા કરી હતી.

વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા બાદ તેમણે ૨૦૧૩માં ૧૫ સપ્ટેમ્બરે હરિયાણાના રેવારીમાં પહેલી જાહેર સભાને સંબોધી હતી. ચૂંટણી જાહેર થતાં પહેલાં તેમણે ૨૧ રાજ્યોમાં ૩૮ રૅલીઓને સંબોધન કર્યું હતું.

વારાણસીમાં શક્તિપ્રદર્શનથી સ્થાનિક વેપારીઓને ફાયદોવારાણસીમાં નરેન્દ્ર મોદી ઉમેદવારીપત્ર ભરવા આવ્યા ત્યારે તેમણે વિશાળ રોડ-શો દ્વારા શક્તિપ્રદર્શન કર્યું હતું. આ પછી નરેન્દ્ર મોદીને વારાણસીના બેનિયા બાગમાં રૅલી યોજવા મંજૂરી આપવામાં નહીં આવતાં તેમણે રોહનિયામાં રૅલી યોજી હતી અને આઠ મેએ ફરી રોડ-શો કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. એના પગલે  ૯ મેએ અરવિંદ કેજરીવાલ અને ૧૦ મેએ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ રોડ-શો કર્યો હતો. તમામ રોડ-શોમાં ભારે પ્રમાણમાં શક્તિપ્રદર્શન થયું હતું એથી આ સીટ પર કોણ જીતશે એના પર સૌની મીટ છે. જોકે આ રૅલીઓના કારણે અને પ્રચાર માટે બહારથી લોકો આવતાં સ્થાનિક બિઝનેસમેનોને તડાકો પડ્યો હતો અને તેમણે સારો બિઝનેસ મેળવ્યો હતો.

વારાણસી હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મમાં આસ્થાના પ્રતીકસમાન હોવાથી અહીં વર્ષમાં ૩૦ લાખ દેશના અને બે લાખ વિદેશના મળીને ૩૨ લાખ ટૂરિસ્ટો આવતા હોય છે. અહીં ગંગા નદી પર ૧૦૦થી વધારે ઘાટ છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK