કેજરીવાલના ટ્વીટે 1 કરોડથી વધુ રૂપિયા રળી આપ્યા

મિનિમમ દાન ૧ રૂપિયાનું મળ્યું, પણ દિલ્હીની નતાશા નામની વ્યક્તિએ પચાસ લાખ આપી દીધાવારાણસી અને અમેઠીમાં ચૂંટણીપ્રચાર માટે AAPને ‘સ્વચ્છ નાણાં’ની જરૂર છે એથી ફાળો આપો એવું ટ્વીટ પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલે કર્યું એના પહેલા ૨૪ કલાકમાં AAPને દુનિયાભરમાંથી ૮૦ લાખ રૂપિયા દાનપેટે મળ્યા હતા, જ્યારે ગઈ કાલે વધુ ૩૫ લાખ રૂપિયા મળ્યા હતા. એ પૈકીના ૧૬ લાખ રૂપિયા ઉત્તર પ્રદેશના લોકોએ આપ્યા હતા. અમેઠીમાંથી મળેલા ૨.૧૦ લાખ રૂપિયા અને વારાણસી માટે મળેલા ૨.૫૦ લાખ રૂપિયાનો એમાં સમાવેશ છે.

લોકસભાની આ ચૂંટણીમાં AAP નાણાકીય તંગી ભોગવી રહી છે એ જાણીતી વાત છે. મંગળવારે રાત્રે ૭.૩૮ મિનિટે કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે ‘વારાણસી પહોંચ્યો. વીસમીએ અમેઠી જઈશ. મોદી અને રાહુલ સામે લડવા માટે ક્લીન મની જોઈએ છે. તમે દાન આપવા ઇચ્છતા હો તો મને SMS કરો.’

કેજરીવાલના ૨૦૦૦થી વધુ સમર્થકોએ થોડા જ કલાકોમાં આ સંદેશાને રીટ્વીટ કર્યો હતો. પછી દાનનો પ્રવાહ આવવો શરૂ થયો હતો. બુધવારે રાત્રે ૭.૩૮ વાગ્યા સુધીમાં ૬૦૦ લોકોએ ૮૧.૧૦ લાખ રૂપિયાનું દાન AAPને આપ્યું હતું. દાનની ઓછામાં ઓછી રકમ એક રૂપિયો હતી. સૌથી વધુ ૫૦ લાખ રૂપિયાનું દાન નતાશા નામની દિલ્હીની એક રહેવાસીએ કર્યું હતું. ભારતમાં દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી તથા વિદેશમાં સંયુક્ત આરબ અમીરાત, અમેરિકા, બ્રિટન તથા કૅનેડામાંથી દાન મળ્યું હતું.

AAPના પ્રવક્તા સુધીર ભારદ્વાજે કહ્યું હતું કે કેજરીવાલની અપીલ ઉપરાંત પક્ષના સ્વયંસેવકોએ દાન મેળવવા માટે સોશ્યલ મિડિયા પર જોશભેર ઝુંબેશ ચલાવી હતી.

પૈસાના અભાવે વારાણસીમાં સંઘર્ષ કરી રહેલા કેજરીવાલ માટે આ દાન રાહતરૂપ પુરવાર થયું છે. અમેઠીમાં રાહુલ ગાંધીની સામે પક્ષના કુમાર વિશ્વાસ ચૂંટણી લડી રહ્યા છે. વિશ્વાસે ચાર મહિના પહેલાંથી કૅમ્પેન શરૂ કરી દીધું હતું જ્યારે કેજરીવાલે ૧૬મી એપ્રિલથી પ્રચાર શરૂ કર્યો હતો. વારાણસીમાં બારમી મેના રોજ અને અમેઠીમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK