વારાણસીમાં રાજકીય પક્ષોના કાર્યકરોનાં ધાડેધાડાં ઊતર્યા

મતદાન આડે ૪ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ત્રણેય મુખ્ય ઉમેદવારોના કૅમ્પેન-મૅનેજરો પ્રચારમાં કોઈ કચાશ રાખવાના મૂડમાં જણાતા નથી


બ્લૉકબસ્ટર રાજકીય યુદ્ધ માટે વારાણસીમાં રાજકીય વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું છે ત્યારે કૉન્ગ્રેસ, BJP અને AAPના કાર્યકરોનાં ધાડેધાડાં આ પુરાતન મંદિરોની નગરીમાં ઊમટી પડ્યાં છે.

ચૂંટણીપ્રચાર પૂરો થવાને છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આવા કાર્યકરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વારાણસીમાં સોમવારે મતદાન થવાનું છે.

AAPના ઢગલાબંધ કાર્યકરો છેલ્લા એક મહિનાથી ઘરે-ઘરે જઈને અરવિંદ કેજરીવાલનો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે ત્યારે BJPના નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસના અજય રાયના પ્રચારમાં તેમના કૅમ્પેન મૅનેજરોએ કોઈ કસર રાખી નથી.

અજય રાયના પ્રચાર માટે રાજકોટથી વારાણસી આવેલા ૬૦ વર્ષની વયના ઇમામ છાયાણી કહે છે કે ‘અમે તો દાયકાઓથી કૉન્ગ્રેસના ટેકેદાર છીએ. લોકોની અપેક્ષા સંતોષવામાં કૉન્ગ્રેસ અક્ષમ રહી છે એ અમે જાણીએ છીએ, એમ છતાં કૉન્ગ્રેસે ધર્મના આધારે દેશના ભાગલા પડાવવાનો પ્રયાસ ક્યારેય કર્યો નથી.’

છાયાણી વારાણસીના છેવાડે આવેલા મુસ્લિમ બાહુલ્યવાળા વિસ્તારોમાં પ્રચાર કરે છે. વારાણસીમાં ત્રણેક લાખ મુસ્લિમો વસે છે એટલે તેમની અવગણના કરવી કોઈ રાજકીય પક્ષને પોસાય નહીં.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી આવેલા કૉન્ગ્રેસી કાર્યકરો વારાણસીના સિગ્રા વિસ્તારમાં આવેલા પક્ષના બે માળના મકાનના મોટા મીટિંગ હૉલમાં રાતવાસો કરે છે. છેલ્લા એક મહિનાથી અહીં પ્રચાર કરતા કૉન્ગ્રેસનાં સ્ટાર કૅમ્પેનર અને ફિલ્મ-અભિનેત્રી નગ્મા કહે છે કે ‘અમે જીતવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ. વિભાજનવાદી પરિબળોને હરાવવા અમારા કાર્યકરો આકરી મહેનત કરી રહ્યા છે.’

ગુજરાત, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશથી પણ BJPના કેટલાય કાર્યકરો અહીં ઊમટી પડ્યા છે. ભોપાલથી આવેલા BJPના કાર્યકર રમેશ શ્રીવાસ્તવ કહે છે કે ‘હું મારા ખર્ચે અહીં આવ્યો છું અને છેલ્લા ચાર દિવસથી મોદીજીનો પ્રચાર કરી રહ્યો છું. મોદીજીના પ્રચાર માટે મેં ઑફિસમાંથી પખવાડિયાની રજા લીધી છે.’

વારાણસીમાં ઇન્ટરનૅશનલ મીડિયાનો જમાવડો

હાઈ-પ્રોફાઇલ ચૂંટણીજંગ એના છેલ્લા ચરણમાં આગળ ધપી રહ્યો છે ત્યારે વિશ્વના સૌથી વધુ વગદાર ૧૦૦ લોકોના ‘ટાઇમ’ મૅગેઝિનના લિસ્ટમાં ચમકી ચૂકેલા નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ વચ્ચેની આ ચૂંટણીની પળેપળની માહિતી કવર કરવા ઇન્ટરનૅશનલ મીડિયાનો જમાવડો વારાણસીમાં થયો છે.

છેલ્લા કેટલાક દિવસથી વારાણસીને કવર કરતા ખ્જ્ભ્ના સાઉથ એશિયા બ્યુરોના વડા ક્રિસ ઓટ્ટોન કહે છે કે ‘વિદેશી મીડિયા માટે વારાણસીનો જંગ સૌથી વધારે આર્યચકિત કરનારો છે, કારણ કે સૌથી વધુ ચર્ચાતા બે રાજકારણીઓની ટક્કર અહીં થઈ રહી છે. આવું કાયમ બનતું નથી.’

વિદેશી મીડિયાને ભારતની ચૂંટણીમાં શા માટે રસ પડ્યો છે એનું કારણ જણાવતાં ઓટ્ટોન કહે છે કે ‘આખી પ્રક્રિયા નવ તબક્કામાં ફેલાયેલી છે અને એ લંબાઈ વિદેશી મીડિયાના રસનું કારણ છે. વારાણસીમાં એનું ગ્રૅન્ડ ફિનાલે થવાનું છે.’

‘ટાઇમ’ મૅગેઝિનનાં સાઉથ એશિયાના કૉરસ્પૉન્ડન્ટ નીલાંજના ભૌમિક માને છે કે ‘વારાણસી ભારતીય ચૂંટણીનું સેન્ટિમેન્ટ સેન્ટર છે. અહીં વૈચારિક જંગ લડાઈ રહ્યો છે અને એમાંથી ભારતના ભવિષ્યની દિશાના સંકેત મળી રહ્યા છે.’

કેજરીવાલે વારાણસીમાં જાહેર ચર્ચાનો પડકાર મોદીને ફેંક્યો

વારાણસીમાં નરેન્દ્ર મોદીની જાહેર સભાની પરવાનગીના ઇનકારના વિવાદ વચ્ચે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે BJPના વડા પ્રધાનપદના ઉમેદવારને બનારસમાં જાહેર ચર્ચાનું આમંત્રણ ગઈ કાલે  આપ્યું હતું.

કેજરીવાલે ગઈ કાલે સવારે એવી ટ્વિટ કરી હતી કે ‘હું મોદીને જાહેર મંચ પર ચર્ચાનું આમંત્રણ આપું છું. કાશીની જનતા ભલે અમને સીધા પ્રશ્નો પૂછે. મોદી ઇચ્છે એ સમયે અને સ્થળે આ ચર્ચા માટે હું તૈયાર છું.’

વારાણસીની બેઠક પરથી ચૂંટણી લડતા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ‘મોદીજીને ગંગા આરતીની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ આરતી કરવાને બદલે તેઓ આ કિસ્સામાંથી રાજકીય લાભ ખાટવાના પ્રયાસ કરી રહ્યા છે એ દુખદ છે.’

BJP અને AAPના કાર્યકરો વચ્ચે વારાણસીમાં મારામારી

બનારસ હિન્દુ યુનિવર્સિટી બહારના લંકા ચોક ખાતે BJP અને AAPના કાર્યકરો વચ્ચે ગઈ કાલે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. નરેન્દ્ર મોદીને વારાણસીમાં જાહેર સભા યોજવાની પરવાનગી નહીં આપવાના નિર્ણય સામે BJPના કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે AAPના કેટલાક કાર્યકરો ઝાડુ લઈને પ્રદર્શન સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે અરવિંદ કેજરીવાલતરફી સૂત્રોચ્ચાર કર્યો હતો. BJPના અનેક ટેકેદારોએ તેમને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો એમાં ઝપાઝપી થઈ હતી અને પછી મારામારી થઈ હતી. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK