ગુજરાતમાં ચૂંટણીમાં મતદાન વધારવા ડૉક્ટરો આપશે 25% ડિસ્કાઉન્ટ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા ડૉક્ટરોના અસોસિએશને નવો નુસખો અજમાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી આવેલા નાગરિકો કે દરદીઓનાં રિલેટિવ્સને એક સપ્તાહ સુધી કન્સલ્ટેશન ફીમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાની આવકારદાયક જાહેરાત કરી છે.ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જિતેન્દ્ર પટેલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં અમારી ૧૧૬ બ્રાન્ચ છે અને કુલ ૨૪ હજાર ડૉક્ટર મેમ્બર્સ છે. આ ઉપરાંત અમદાવાદમાં કુલ ૮ હજાર ડૉક્ટર મેમ્બર્સ છે. દેશના જવાબદાર નાગરિક તરીકે મૅક્સિમમ વોટિંગ થાય એ માટે અમે શું કરી શકીએ એ વિચારીને આ પહેલ કરી છે એ મુજબ મતદાનના દિવસે પેશન્ટ અથવા પેશન્ટના રિલેટિવ વોટિંગ કરીને અમારા ડૉક્ટરોને બતાવશે તો મતદાન પછીના એક અઠવાડિયા સુધી કન્સલ્ટેશન ફીમાં મિનિમમ ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદાનના દિવસે કદાચ પેશન્ટ મતદાન કરવા ગયા ન હોય, પરંતુ તેમના રિલેટિવ મતદાન કરવા ગયા હોય તો તે પેશન્ટને કન્સલ્ટેશનમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગુજરાતમાં આવેલી તમામ ૧૧૬ બ્રાન્ચમાં તમામ ડૉક્ટરોને આ બાબતે જાણ કરી છે. એટલે તમામ ડૉક્ટરો કન્સલ્ટેશન ફીમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપશે જ, પરંતુ જો ૮૦ ટકા જેટલા ડૉક્ટરો પણ એનો અમલ કરે તો પણ બહુ કહેવાશે.’

ચૂંટણીને કારણે મુંબઈના મચ્છરો બચી ગયા

ચૂંટણીની આચારસંહિતાને કારણે સરકારી કર્મચારી, અધિકારીઓ તથા લોકપ્રતિનિધિઓ તમામના હાથ બંધાયેલા હોવાથી મુંબઈના મચ્છરોને મોકળું મેદાન મળ્યુંછે. કીટનાશક દવાઓના છંટકાવ માટે કૉન્ટ્રૅક્ટ પર માણસો રાખવાના પ્રસ્તાવને આચારસંહિતાને કારણે પાછળ ઠેલવાનું પગલું સુધરાઈના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યું છે. જૂનો કૉન્ટ્રૅક્ટ ૩૧ માર્ચે પૂરો થયો હતો, પરંતુ નવા કૉન્ટ્રૅક્ટના પ્રસ્તાવને ચૂંટણીને કારણે પાછો ખેંચવામાં આવ્યો હતો. સત્તાધારી પક્ષે વહીવટીતંત્રના આ નિર્ણયની આકરી ટીકા પણ કરી હતી.

કન્સલ્ટિંગ કંપનીઓ ચૂંટણીપ્રચારને મૅનેજ કરીને ૮૦૦ કરોડ કમાશે

રાજકીય પક્ષોના ચૂંટણીપ્રચારની વ્યૂહરચનાને મૅનેજ કરવાનું કામ સંભાળતી કન્સલ્ટિંગ ફમ્ર્સ ઇલેક્શનની આ સીઝનમાં ૭૦૦થી ૮૦૦ કરોડ રૂપિયા કમાશે એવો ઍસોચેમના એક અભ્યાસનો અંદાજ છે.

મતદારો સુધી પહોંચવા માટે સોશ્યલ મીડિયા જેવાં નવાં ટૂલ્સ વિકસ્યાં હોવાને કારણે રાજકીય પક્ષો તેમના પ્રચારને મૅનેજ કરવા સ્પેશ્યલાઇઝ્ડ ફમ્ર્સની સેવા લઈ રહ્યા છે. મુંબઈ, દિલ્હી અને કલકત્તા જેવાં મોટાં શહેરોમાં જ નહીં, દ્વિતીય અને તૃતીય શ્રેણીનાં શહેરોમાં પણ રાજકીય પક્ષો આવી ફમ્ર્સની સેવા લઈ રહ્યા છે.

ઍસોચેમના સેક્રેટરી જનરલ ડી. એસ. રાવતે કહ્યું હતું કે ‘વોટ-શૅર, વિનિંગ માર્જિન, વોટ કૉન્સન્ટ્રેશન અને મતવિસ્તારની પ્રોફાઇલની માહિતીનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી ચૂંટણી સંબંધી ડેટાનું વિશ્લેષણ મહત્વનું બની રહ્યું છે. વિજેતાઓ તેમની જીતને જાળવી રાખવા માટે અને હારેલાઓ ભાવિ વિજયની વ્યૂહરચના માટે આ માહિતીનું વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ મેળવી રહ્યા છે.’

દેશમાં નાની-મોટી આશરે ૧૫૦ કન્સલ્ટિંગ ફમ્ર્સ છે અને આ ફમ્ર્સ મતવિસ્તારદીઠ એકથી દોઢ લાખ રૂપિયાની ફી લઈ રહી છે. દેશમાં લોકસભાની કુલ ૫૪૩ બેઠકો છે. આ ફમ્ર્સ મીડિયા-પ્લાનિંગથી માંડીને માર્કેટિંગ, પ્રચાર-સાહિત્યનું ડિઝાઇનિંગ, વેબસાઇટ્સ, સોશ્યલ મીડિયા જપેજ અને પ્રતિસ્પર્ધી ઉમેદવારની જીતની સંભાવનાના વિશ્લેષણ સહિતની સેવા આપી રહી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK