અદી ગોદરેજ, દીપક પારેખ અને ઉદય કોટકે મિલિંદ દેવરાને ટેકો જાહેર કર્યો

સાઉથ મુંબઈ સીટ પરના કૉન્ગ્રેસના ઉમેદવાર અને કેન્દ્રના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને શિપિંગ ખાતાના રાજ્ય પ્રધાન મિલિંદ દેવરાને ભારતના ત્રણ સન્માનિત અને પીઢ ઉદ્યોગપતિઓ ગોદરેજ ગ્રુપના અદી ગોદરેજ, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (HDFC)ના ચૅરમૅન દીપક પારેખ અને કોટક મહિન્દ્ર બૅન્કના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકે ટેકો આપ્યો છે. આ સિવાય બુલિયન, જ્વેલરી, ડાયમન્ડ, રીટેલ, મેટલ અને ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલાં અસોસિએશનોએ પણ મિલિંદ દેવરાને ટેકો જાહેર કર્યો છે.અદી ગોદરેજ, દીપક પારેખ અને ઉદય કોટકે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ‘મિલિંદ દેવરાની સંસદસભ્ય તરીકે અને બે મંત્રાલયોના પ્રધાન તરીકે કામગીરી અમે જોઈ છે. તેઓ મિનિસ્ટર અને સંસદસભ્ય તરીકે સારું કામ કરી રહ્યા છે. તેઓ સખત પરિશ્રમ કરે છે અને પોતાનું કામ ધગશ અને એકાગ્રતાથી કરે છે. એક વ્યક્તિ તરીકે અમે તેમને સાઉથ મુંબઈની સીટ પર ટેકો આપી રહ્યા છીએ.’

આ ત્રણ ઉદ્યોગપતિઓનો ટેકો મળતાં મિલિંદ દેવરાએ કહ્યું હતું કે ‘અદી ગોદરેજ, દીપક પારેખ અને ઉદય કોટક એવી વ્યક્તિઓ છે જેમને હું રોલ-મૉડલ અને મેન્ટર માનું છું.  તેમણે મારા પ્રતિ આટલી લાગણી બતાવી છે અને મને ટેકો જાહેર કર્યો છે એ માટે હું તેમનો આભારી છું અને મને ખુશી થઈ છે. સાઉથ મુંબઈના પ્રતિનિધિ તરીકે બિઝનેસ કમ્યુનિટીની અપેક્ષા પૂર્ણ કરવાનો હુ પ્રયાસ જારી રાખીશ.’

વેપારી આગેવાનો, ટ્રેડ અસોસિએશનોએ પણ આપ્યું સમર્થન

ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલરી અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું હતું કે ‘અમારી ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો માટે તમે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ મધ્યસ્થી કરી છે અને તમે પ્રગતિશીલ છો. તમે ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓને સારી રીતે જાણો છો અને એથી અમારી કામગીરીમાં ઘણો ફરક પડે છે. એથી તમને અમારો ટેકો છે.’

નૅશનલ સ્પૉટ એક્સચેન્જ (NSEL)માં ૫૫૦૦ કરોડ રૂપિયા ગુમાવનારા ૧૩,૦૦૦ રોકાણકારોને ન્યાય અપાવવા માટે પ્રતિનિધિત્વ કરતા NSEL ઇન્વેસ્ટર્સ ફોરમના ચૅરમૅન શરદ કુમાર સરાફે કહ્યું હતું કે ‘આજે રાજકારણ અને રાજકારણીઓમાં લોકોને વિશ્વાસ નથી ત્યારે તમારા જેવા નવા યુગના નેતા કોઈ પણ પૂર્વગ્રહ વિના સિદ્ધાંતોના આધારે મુદ્દા હાથમાં લે છે. આવા ઉમેદવારને મારો ટેકો છે.’

મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશનના માનદ સેક્રેટરી જેઠમલ એસ. બોથરાએ કહ્યું હતું કે ‘મિલિંદ દેવરા દીર્ઘદ્રષ્ટા છે અને મુશ્કેલીના સમયમાં અમારો હાથ ઝાલ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીમાં અમે તેમની પડખે ઊભા રહીશું.’

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘મુંબઈમાં લોકલ બૉડી ટૅક્સ (LBT) નહીં લાવવા માટે તેમને સારો સહકાર મળ્યો હતો અને મહારાષ્ટ્રમાંથી LBT હટાવવા માટે તેઓ તમામ પ્રયાસ કરશે એવી તેમણે ખાતરી આપી છે.’

ડાયમન્ડ બુર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ ભરત શાહે કહ્યું હતું કે ૧૯૮૮-’૮૯માં અસોસિએશનની સ્થાપના થઈ ત્યારથી મિલિંદ દેવરાના પિતા મુરલી દેવરા એને ટેકો આપતા રહ્યા છે અને દિલ્હીમાં તેઓ અમારા મદદગાર અને માર્ગદર્શક રહ્યા છે.

ભારત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ ભરત શાહે કહ્યું હતું કે ‘દેવરાપરિવારમાંથી કોઈ પણ આ સીટ પરથી ચૂંટણી લડે તો તેમને અમારો ટેકો રહેશે. મિલિંદ દેવરા ત્રીજી વાર ઊભા છે અને તેમને અમારો ટેકો છે.’

મુંબઈ ટેક્સટાઇલ ટ્રેડર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ સુરેન્દ્ર સવાઈએ કહ્યું હતું કે ‘વેપારીઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મિલિંદ દેવરા બેધડક આગળ આવ્યા છે. અમારો તેમને સંપૂર્ણ ટેકો છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK