ગિરિરાજ સિંહની સામે FIR

મોદીનો વિરોધ કરનારા પાકિસ્તાન ચાલ્યા જાય એવો બફાટ કર્યો હતો


નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓએ પાકિસ્તાનભેગા થઈ જવું જોઈએ એવા ભડકામણા બયાન બદલ ગઈ કાલે બિહારના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગિરિરાજ સિંહ વિરુદ્ધ ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો છે. પાર્ટીએ પણ આ બયાન બાબતે નારાજગી દર્શાવી હતી છતાં ગિરિરાજ સિંહે ગઈ કાલે ફરીથી કહ્યું હતું કે હું મારા બયાનને વળગી રહું છું કે જે લોકો મોદીને દેશના વડા પ્રધાન બનતાં અટકાવવા માટે મહેનત કરી રહ્યા છે તેમનું ભારતમાં કોઈ સ્થાન નથી અને તેમણે પાકિસ્તાનભેગા થઈ જવું જોઈએ.

તેમણે આ બયાનના બચાવમાં એવો દાવો પણ કર્યો હતો કે દુનિયાના કેટલાય દેશો મોદીને સત્તામાં ન આવવા દેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે જેમાં પાકિસ્તાન ટોચ પર છે. ભારતમાં પણ કેટલાય નેતાઓ મોદીના રથને રોકવા પાકિસ્તાન વતી ઝનૂનથી ઝેરીલો પ્રચાર કરી રહ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે મેં આવા મોદીવિરોધીઓને પાકિસ્તાનના સપોર્ટરો કહીને તેમનું ભારતમાં કોઈ સ્થાન નથી એથી પાકિસ્તાન ચાલ્યા જવાનું કહ્યું હતું.

ગિરિરાજ સિંહના આ ભડકામણા વિધાનની ટીકા કરતાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના સેક્રેટરી અને રાજ્યસભાના સભ્ય માજિદ મેમણે કહ્યું હતું કે ‘આ બયાન માત્ર ચૂંટણીની આચારસંહિતાનો ભંગ જ નથી, પરંતુ એ દેશના બંધારણથી પણ વિપરીત હોવાથી ગિરિરાજ સિંહ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે પણ ગંભીર ગુનાહિત કાર્યવાહી થઈ શકે છે. આવાં ખતરનાક વિધાનો દેશભરનાં અખબારોમાં હેડલાઇન પણ બન્યા હોવાથી ઇલેક્શન કમિશને કાર્યવાહી કરીને ગિરિરાજ સિંહની ઉમેદવારી રદ કરવી જોઈએ.’

માજિદ મેમણે BJPના પ્રમુખ રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદીની આ મામલે જાહેર માફીની માગણી પણ કરી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK