અફવાઓથી સાવધાન : ફૉર્મ-નંબર ૭ ભરીને મતદાતા નહીં બની શકો તમે

આ ફૉર્મ તો ઊલટાનું વોટર-લિસ્ટમાંથી નામ કઢાવવા માટેનું છેફૉર્મ-નંબર સાત ભરીને તમે વોટર તરીકેનું રજિસ્ટ્રેશન કરાવી શકો છે એવો મેસેજ મળે તો ચોક્કસ તમને કોઈ મૂર્ખ બનાવી રહ્યું છે. આવા મેસેજોથી સાવધ રહેવાની ચેતવણી ખુદ કલેક્ટરે આપી હતી, કેમ કે ફૉર્મ-નંબર સાત વોટર-લિસ્ટમાં રજિસ્ટ્રેશન માટેનું નથી પણ નામ રદ કરવા માટેનું છે. કલેક્ટરે તો આનાથીયે આગળ વધીને ચૂંટણીના સમયમાં આવી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરતા મેસેજો ફરી રહ્યાની ગંભીર નોંધ લઈને પોલીસને એની તપાસ કરીને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.

સોશ્યલ મીડિયા પર ફરી રહેલા આવા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ‘શું તમારી પાસે વોટિંગ કાર્ડ નથી? છતાંય તમે વોટ કરી શકો છો. ફોટોવાળા આઇડેન્ટિટી પ્રૂફ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટો લઈને પોલિંગ-બૂથ પર જઈને ફૉર્મ-નંબર સાત ભરી દો એટલે તમને મતદાન કરવા મળશે. તમે જેટલા લોકોને આ મેસેજ પહોંચાડી શકો એટલાને પહોંચાડો અને તમારી નાગરિક તરીકેની ફરજ બજાવો. વોટ ફૉર ઇન્ડિયા... વોટ ફૉર ચેન્જ.’

કલેક્ટર એ. શૈલાએ દાવો કર્યો હતો કે ‘મને પણ આવો મેસેજ મળ્યા બાદ આની પાછળ કોઈક અસામાજિક તત્વો હોવાં જોઈએ એવી શંકાથી પોલીસને જાણ કરી હતી. હું સ્પષ્ટ કરવા માગું છું કે ફૉર્મ-નંબર સાત વોટર રજિસ્ટ્રેશન માટેનું નથી, મતદારયાદીમાંથી નામ ડિલીટ કરવા માટેનું છે.’

ઉપરાંત પાંચ એપ્રિલથી મતદારયાદીમાં નામનોંધણીની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી અને હવે લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી ૧૬ મેથી ફરીથી આ પ્રક્રિયા થશે એમ પણ તેમણે કહ્યું હતું.

મતદારયાદીમાં નામ હોય, પરંતુ વોટર આઇડેન્ટિટી કાર્ડ ન હોય તો?

મતદારયાદીમાં નામ હોય તો જ વોટિંગ કરવા મળશે. જોકે મતદારયાદીમાં નામ હોય પરંતુ ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવતું વોટર આઇડેન્ટિટી કાર્ડ ન હોય તો આવા મતદારો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પૅન કાર્ડ, બૅન્ક પાસબુક, આધાર કાર્ડ સહિતના ચૂંટણીપંચ દ્વારા માન્ય ફોટો આઇડેન્ટિટી કાર્ડ રજૂ કરીને મતદાન કરી શકે છે એમ ચૂંટણીપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે આ રીતે મતદાન માટે રૅશનકાર્ડ પ્રૂફ તરીકે નહીં ચાલે.

ભૂતિયા વોટર્સનું શું?

ઍબ્સન્ટ, શિફ્ટેડ કે મૃત વ્યક્તિના નામે કોઈ બોગસ વોટિંગ ન કરી જાય એની પણ ચૂંટણીની ફરજ પરના કર્મચારીઓ તકેદારી લેશે. કલેક્ટર ઑફિસ દ્વારા આ કૅટેગરીના ૨.૩ લાખ વોટર્સનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. મુંબઈનાં કલેક્ટર એ. શૈલાએ કહ્યું હતું કે વોટરના ઍડ્રેસ પર ગયા પછી પણ વોટર ન મળે તો આવા વોટરને ગેરહાજર, અન્યત્ર રહેતા હોવાનું અથવા તો મૃત માની લઈને તેમનાં નામ અલગ યાદીમાં લખવામાં આવે છે.

૧૨.૫૬ લાખ મતદારોનાં નામ ગાયબ

મુંબઈની છ અને થાણે જિલ્લાની ચાર મળીને કુલ ૧૦ સીટના આશરે ૧૨.૫૬ લાખ મતદારોનાં નામ મતદાર-યાદીમાંથી નીકળી ગયાં છે. આ મતદારોમાંથી મુંબઈ સિટીની બે સીટના ૩.૩૨ લાખ, મુંબઈ ઉપનગર જિલ્લાની ચાર સીટના ૨.૬૯ લાખ અને થાણે જિલ્લાની ચાર સીટના ૬.૫૫ લાખ મતદારોનો સમાવેશ છે. પુણેમાં પણ આ રીતે મતદારોનાં નામ નીકળી ગયાં હતાં. આજે જેમનાં નામ નીકળી ગયાં છે એવા મતદારો હંગામો કરે એવી શક્યતા છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK