જશોદાબહેને એક મહિનામાં 7 વાર નંબર બદલ્યા

નરેન્દ્ર મોદી પાસેથી વર્ષો પછી વાઇફનો દરજ્જો મળ્યો ત્યારથી જશોદાબહેનની પરેશાનીની પણ શરૂઆત થઈ ગઈ છે.
રશ્મિન શાહ

તેમને મળવા દેશભરમાંથી પત્રકારો વડનગર આવી રહ્યા છે તો તેમની સાથે ફોન પર વાત કરનારા અને ટેલિફોનિક ઇન્ટરવ્યુ કરવા માગતા લોકોની સંખ્યા પણ બહુ મોટી થઈ ગઈ છે. આ જ કારણે જશોદાબહેને પોતાનો મોબાઇલ નંબર સતત બદલતા રહેવું પડે છે. અફકોર્સ, આ કામ જશોદાબહેન પોતે નથી કરતાં, પણ BJP સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક કાર્યકરો દ્વારા કરવામાં આવે છે અને તેમને નવો નંબર આપી દેવામાં આવી રહ્યો છે. જાણીને નવાઈ લાગશે કે જશોદાબહેન છેલ્લાં સાત વર્ષથી એક જ નંબર વાપરતાં હતાં, પણ છેલ્લા એક મહિનામાં તેમણે સાત વખત નંબર બદલ્યા છે.

આજે જ્યારે લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ છે અને નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બને એવી શક્યતાઓ વધી છે ત્યારે સ્વાભાવિક રીતે દેશભરના મીડિયાની નજર નરેન્દ્ર મોદી ઉપરાંત જશોદાબહેન પર પણ છે. જશોદાબહેનનો ઇન્ટરવ્યુ કરવા માટે ગઈ કાલથી જ નૅશનલ ન્યુઝ-ચૅનલોની વૅન વડનગર પહોંચવા માંડી હતી. આ ચૅનલો અને બીજાં પ્રિન્ટ-મીડિયાના જર્નલિસ્ટ જશોદાબહેન સુધી ન પહોંચે એ માટે BJPની સૂચનાથી અંદાજે એક હજાર જેટલા કાર્યકરો સવાર સુધીમાં વડનગર પહોંચી ગયા છે જે કોઈ પણ ભોગે જશોદાબહેનને મીડિયાની સામે કવચ આપવાનું કામ કરશે અને મીડિયાને જશોદાબહેનથી દૂર રાખશે. વોટિંગ સમયે પણ વડનગરમાં ત્રણસોથી ચારસો જેટલા કાર્યકરો મોકલી આપવામાં આવ્યા હતા જેમણે જશોદાબહેન અને મીડિયા વચ્ચે અંતર બનાવી રાખવાનું કામ સફળતાપૂર્વક કર્યું હતું.

મોદીની ફૅમિલી માટે SPGનું કવચ તૈયાર

જો આજે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બનતા દેખાયા તો નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હીરાબા અને જશોદાબહેનને તાત્કાલિક સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ (SPG) દ્વારા પ્રોટેક્શન આપવામાં આવશે. નરેન્દ્ર મોદી આતંકવાદીઓની નજરમાં હોવાથી તેમને ઑલરેડી ઝેડ કૅટેગરીની સિક્યૉરિટી આપવામાં આવી છે. આવા સમયે મોદી વડા પ્રધાન બને ત્યારે સંભવિતપણે તેમના ફૅમિલી-મેમ્બરો પણ ટેરરિસ્ટના રડારમાં આવી જવાની શક્યતા હોવાથી ગુજરાત સરકારે રાષ્ટ્રપતિના સરકાર બનાવવાના આમંત્રણની રાહ જોયા વિના જ મોદીની ફૅમિલીને સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપનું કવચ આપી દેવાનું નક્કી ગઈ કાલે સાંજે કરી લીધું છે. આ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન ઘોષિત થાય કે તરત જ જશોદાબહેનને પણ સુરક્ષાના હેતુથી અજાણી જગ્યાએ શિફ્ટ કરી દેવાં.

સ્વિચ્ડ-ઑફ

ગઈ કાલ સાંજથી નરેન્દ્ર મોદીનાં રિલેટિવ્સના સેલફોન સ્વિચ્ડ-ઑફ થઈ ગયા હતા જેમાં નરેન્દ્ર મોદીના તમામ ભાઈઓ, સાળાઓનો પણ સમાવેશ છે.

મોદીના વતન વડનગરમાં જીતની ઉજવણીની તૈયારી

ગામના વતનીની જીતના આશાવાદ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને મોદીની જીતમાં સામેલ થવા માટે વડનગરવાસીઓ થનગની રહ્યા છે

નરેન્દ્ર મોદીની જીતને ઊજવવા માટે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં ભરવૈશાખમાં દિવાળી જેવો માહોલ છવાઈ જશે. મોદીની જીતમાં વડનગરવાસીઓ કોઈ કચાશ રાખવા માગતા નથી અને એટલે ગામમાં રોશની, આતશબાજી, વિજય સરઘસની તૈયારીઓ થઈ ચૂકી છે અને નરેન્દ્ર મોદીની જીતની ખુશીમાં મીઠાઈની રેલમછેલ ઊડશે. ગામના નાગરિકો પોતાના ઘરે સ્વયંભૂ દીવા કરશે. કેટલાક યંગસ્ટર્સે એકઠા થઈને ૧૫૦૦ કિલોની મીઠાઈનો ઑર્ડર આપ્યો છે, એટલું જ નહીં, પરંતુ વડનગરમાં આવેલા અંદાજે બે હજાર વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં ગઈ કાલે સ્થાનિક રહીશો દ્વારા નરેન્દ્ર મોદી માટે કમળપૂજા, જળપૂજા કરીને ભગવાનને નરેન્દ્ર મોદીના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK