આજે ત્રણ રાજ્યમાં ૪૧ સીટો પરના ૬૦૬ કૅન્ડિડેટનું ભાવિ નવ કરોડ વોટરો નક્કી કરશે

તમામ ૫૪૩ સીટોની મતગણતરી ૧૬ મેના રોજ થશે : આજે સાંજે આવનારા એક્ઝિટ પોલ્સના આંકડા પર બધાની નજર


આજે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નવમા અને છેલ્લા તબક્કાનું મતદાન થશે જેમાં ત્રણ રાજ્યોમાં ૪૧ સીટો પર વોટિંગ થશે. ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૧૮, પશ્ચિમ બંગમાં ૪૨માંથી ૧૭ અને બિહારમાં ૪૦માંથી ૬ સીટો પર મતદાન થશે. આ ૪૧ સીટો પર ૬૦૬ ઉમેદવારો ઊભા છે અને તેમનું ભાવિ આશરે નવ કરોડ મતદારો નક્કી કરશે.

૭ એપ્રિલે પહેલા તબક્કાના મતદાન સાથે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનો આરંભ થયો હતો અને આજે મતદાન પૂરું થતાં જ સૌની નજર ૧૬ મેના રોજ થનારી મતગણતરી પર રહેશે. જોકે એ પહેલાં આજે સાંજે મતદાન પૂરું થયા બાદ આવનારા એક્ઝિટ પોલ્સના આંકડા પર પણ સૌની નજર રહેશે.

ઉત્તર પ્રદેશની ૧૮ સીટોમાંથી ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીએ ૬ સીટો પર, BSPએ પાંચ સીટો પર, BJPએ ૪ સીટો પર અને કૉન્ગ્રેસે ત્રણ સીટો પર વિજય મેળવ્યો હતો. પશ્ચિમ બંગની ૧૭ પૈકી ૧૪ સીટો પર ૨૦૦૯માં તૃણમૂલ કૉન્ગ્રેસે વિજય મેળવ્યો હતો. એક સીટ પર કૉન્ગ્રેસ, એક સીટ પર CPI અને એક સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. બિહારમાં ૬ પૈકી ૨-૨ સીટો પર BJP અને JD(U) નો વિજય થયો હતો જ્યારે એક સીટ RJD  પાસે અને એક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.

કોણ છે મહત્વના ઉમેદવાર?

નરેન્દ્ર મોદી અને તેમના હરિફો અરવિંદ કેજરીવાલ તથા અજય રાય (વારાણસી), સમાજવાદી પાર્ટીના પ્રેસિડન્ટ મુલાયમસિંહ યાદવ (આઝમગઢ-ઉત્તર પ્રદેશ), જગદમ્બિકા પાલ (ડોમરિયાગંજ-ઉત્તર પ્રદેશ), કેન્દ્રીય પ્રધાન અધિર રંજન ચૌધરી (બહેરામપુર-પશ્ચિમ બંગ), કેન્દ્રીય પ્રધાન આર. પી. એન. સિંહ (કુશી નગર-ઉત્તર પ્રદેશ), આર. પી. સિંહ (વૈશાલી-બિહાર) મુખ્તાર અન્સારી (ઘોસી-ઉત્તર પ્રદેશ), યોગી આદિત્યનાથ (ગોરખપુર-ઉત્તર પ્રદેશ), રવિ કિશન (જૌનપુર-ઉત્તર પ્રદેશ), પ્રકાશ ઝા (વેસ્ટ ચંપારણ-બિહાર), અને દિનેશ ત્રિવેદી (બરાકપોર-પશ્ચિમ બંગ)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK