ઇલેક્શન-ડ્યુટી કરતા લોકોને પીવાના પાણી, પંખા અને વૉશ-રૂમની સમસ્યા

ઘાટકોપરના એક પોલિંગ બૂથમાં બે મહિલા કર્મચારીઓને કાલે ચક્કર આવી ગયા


રોહિત પરીખ

ઘાટકોપર અને ચેમ્બુરના પોલિંગ બૂથમાં સેવા આપી રહેલા કર્મચારીઓને ગઈ કાલે પહેલે દિવસે અનેક સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું. જે કર્મચારીઓ કોઈ સ્કૂલમાં કે ઇમારતના પોલિંગ બૂથમાં કામ કરી રહ્યા છે એ ઇમારતોમાં પીવાના પાણી અને વૉશ-રૂમ જવા માટે પ્રૉપર વ્યવસ્થા નથી. આનાથી પણ બૂરી હાલત જે બૂથો મેદાનમાં બાંધવામાં આવ્યાં છે ત્યાંના કર્મચારીઓની છે. તેઓ ગઈ કાલે પંખા વગર બૂથમાં તપી ગયા હતા. અધૂરામાં પૂરું તેમના માટે સરકાર તરફથી પાણીની વ્યવસ્થા તો છે જ નહીં. આટલું ઓછું હોય એમ મહિલા કર્મચારીઓએ પણ મેદાનમાં બાંધેલા ટૉઇલેટ જવું પડે છે. આ પરિસ્થિતિમાં ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં બે મહિલાઓને ચક્કર આવી ગયાં હતાં અને તે ત્યાં જ પડી ગઈ હતી. આવી જ હાલત ત્યાં ડ્યુટી કરી રહેલી મહિલા-પોલીસની પણ છે.

ગારોડિયાનગરની સમસ્યાની વાત કરતાં એક મહિલા કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વષોર્થી અહીંનાં પોલિંગ બૂથ સ્કૂલના ક્લાસમાં હોય છે, પણ આ વખતે ગારોડિયા સ્કૂલના મૅનેજમેન્ટ દ્વારા ક્લાસ આપવામાં ન આવતાં પોલિંગ બૂથ મેદાનમાં બાંધવામાં આવ્યાં છે, જ્યાં ટૉઇલેટ જવાની વ્યવસ્થા છેક ત્રીજા માળે રાખવામાં આવી છે અને પીવાના પાણી માટે અમને સ્કૂલના એક નળમાંથી પાણી પીવાનું કહેવામાં આવ્યું છે, જે અમારા માટે સમસ્યાજનક છે. ગઈ કાલે અમે સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ડ્યુટી પર હતા. આજે પણ અમારે સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી પોલિંગ બૂથ પર કામ કરવાનું છે. આ જ પરિસ્થિતિ રહી તો અમે કામ કેવી રીતે કરી શકીશું એ મોટો સવાલ છે.’

આ બાબતમાં એક મહિલા પોલીસ-કર્મચારીએ કહ્યું હતું કે ‘જ્યારે હવે ચારેબાજુ મોબાઇલ ટૉઇલેટ ઉપલબ્ધ કરવામાં આવે છે તો અત્યારે ચૂંટણીના સમયે મોબાઇલ ટૉઇલેટને બદલે તંબુમાં મહિલા માટે વ્યવસ્થા કરવાથી તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.’

ઇલેક્શન રિટર્નિંગ ઑફિસર શું કહે છે?

ઘાટકોપર અને ચેમ્બુરના વિસ્તારો જે રિટર્નિંગ ઑફિસરની હેઠળ આવે છે એ દૌલત દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે હજી સુધી આવી કોઈ જ ફરિયાદ આવી નથી. આમ છતાં ‘મિડ-ડે’ની ફરિયાદના આધારે હું આ સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK