મતદારોને ધમકી આપવાના પ્રકરણમાં અજિત પવારને ક્લીન ચિટ

સુપ્રિયા સુળેને મત આપો નહીંતર ગામને પાણીપુરવઠો નહીં મળે એવી ધમકી આપવાના પ્રકરણમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે વડગાવ નિમ્બાળકર પોલીસ-સ્ટેશનમાં નૉન-કૉગ્નિઝેબલ કમ્પ્લેઇન્ટ (NC) નોંધવામાં આવી છે.


ત્યાર બાદ જિલ્લાઅધિકારીને એનો અહેવાલ મોકલવામાં આવ્યો છે. જોકે ૧૭ એપ્રિલના મતદાનના એક દિવસ પહેલાં બારામતીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કોઈ જાહેર રૅલી કરી નહોતી એમ જણાવીને પોલીસે તેમને ક્લીન ચિટ આપી દીધી છે. પુણે રૂરલના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ મનોજ લોહિયાએ કહ્યું હતું કે ‘અમારી પાસે બે પ્રકારની બે ફરિયાદ હતી. પહેલી ફરિયાદ ધમકીની તો બીજી મતદાનના ૧૨ કલાક પહેલાં પબ્લિક મીટિંગની. અમારી તપાસ મુજબ માસાળવાડી ગામમાં કોઈ પબ્લિક મીટિંગ થઈ નહોતી. એથી અમે અજિત પવાર વિરુદ્ધ માત્ર નૉન-કૉગ્નિઝેબલ કમ્પ્લેઇન્ટ (NC) નોંધી છે.

બારામતી તાલુકાનાં કેટલાંક ગામોમાં પાણીની અછતની સમસ્યા છે. મતદાનના એક દિવસ પહેલાં ૧૬ એપ્રિલે રાત્રે અજિત પવાર સમક્ષ માસાળવાડી ગામના મતદારોએ પાણીની અછતનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘કોઈ એક ગામ મારી બહેન (સુપ્રિયા સુળે)ની વિરુદ્ધમાં મતદાન કરવાથી તે કંઈ હારી નથી જવાની, પરંતુ જો મને ખબર પડી કે માસાળવાડી ગામે પક્ષની વિરુદ્ધમાં મતદાન કર્યું તો ગામને પાણી નહીં મળે એ વાત યાદ રાખજો.’

આ સમયે ત્યાં હાજર સંદીપ ઠોંબરે નામના આર્મીના ભૂતપૂર્વ જવાને આ ધમકીને મોબાઇલ ફોનમાં રેકૉર્ડ કરી લીધી હતી જેને પુરાવા તરીકે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

પરિણામે ચૂંટણીપંચે સમગ્ર મામલાની તપાસના આદેશ આપતા નિમ્બાળકર પોલીસ-સ્ટેશનમાં અજિત પવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK