BJPને ચૂંટણીપંચનો સણસણતો જવાબ

BJPના જોરદાર આક્રમણથી વિચલિત થયા વિના ચૂંટણીપંચે વારાણસીમાં નરેન્દ્ર મોદીની સભાને પરવાનગી નહીં આપવામાં પક્ષપાત કર્યાના આક્ષેપને ગઈ કાલે ફગાવી દીધો હતો. પંચે ચોખવટ કરી હતી કે અમે અમારું કામ કરવામાં કોઈ પક્ષ, વ્યક્તિ કે બીજા કોઈથી ડરતા નથી.

ઉતાવળે બોલાવવામાં આવેલી પત્રકાર-પરિષદમાં વડા ચૂંટણી-કમિશનર વી. એસ. સંપથે વારાણસીના રિટર્નિંગ ઑફિસર પ્રાંજલ યાદવના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે યાદવનો નિર્ણય પ્રોફેશનલ સલાહ પર આધારિત હતો. BJPએ કરેલી માગણી અનુસાર યાદવને તેમના પદ પરથી હટાવવાનો સંપથે ઇનકાર કર્યો હતો.

BJPએ કરેલી ટીકા વિશે નિરાશા વ્યક્ત કરતાં સંપથે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ કેટલાંક આકરાં અને ઉતાવળિયાં નિવેદનો કરીને તેમની અપરિપક્વતા દર્શાવી હતી.

પ્રાંજલ યાદવના નિર્ણય વિશે સંપથે કહ્યું હતું કે ‘સલામતી અને યોગ્યતાના મુદ્દા સંકળાયેલા હોય ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચે જિલ્લા સ્તરેથી લેવાયેલી પ્રોફેશનલ સલાહને જ અનુસરવાનું હોય છે. ખાસ કરીને સલામતી તથા જીવનનો મુદ્દો સંકળાયેલો હોય ત્યારે એ સલાહથી વિપરીત જવાનું કોઈ કારણ હોતું નથી.’

પ્રાંજલ યાદવને પદ પરથી હટાવવાની BJPની માગણી બાબતે સંપથે કહ્યું હતું કે આજની તારીખે મને યાદવના નિર્ણયમાં કશું ખોટું જણાયું નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK