AAP ભી ઐસે?

મયંક ગાંધીએ હકીકતો છુપાવી હોવાની ફરિયાદ સાચી સાબિત થઈ

મતદારો સામે ક્લીન ઇમેજ ધરાવતા ઉમેદવારોનું મહત્વ તમામ પાર્ટીઓ જાણે છે ત્યારે મુંબઈમાં લોકસભાની ચૂંટણીના મતદાનની પૂર્વસંધ્યાએ મુંબઈ નૉર્થ-વેસ્ટની બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર મયંક ગાંધીએ પોતાની સામે કેસ થયેલો હોવાની હકીકત ચૂંટણીપંચને આપેલા સોગંદનામામાં છુપાવી હોવાનું સામે આવ્યું છે. મંગળવારે ચૂંટણીપંચને આ બાબતે ફરિયાદ મળી હતી અને ગઈ કાલે એ સામે આવ્યું હતું કે અન્ય ઉમેદવારોની જેમ મયંક ગાંધી સામે પણ એક કેસ પેન્ડિંગ છે.

લગભગ ચાર વર્ષ પહેલાં મયંક ગાંધી એક કન્સ્ટ્રક્શન કંપનીમાં ડિરેક્ટરપદે હતા ત્યારે એક ટેનન્ટે આ કંપની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. જોકે મયંક ગાંધીએ આ હકીકત છુપાવી હોવાનો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ અગાઉ નોંધાયેલો ન હોવાથી ચૂંટણીપંચ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર એક કાઉન્ટર ઍફિડેવિટ પબ્લિશ કરીને નૉર્થ-વેસ્ટ સીટના રિટર્નિંગ ઑફિસરની ઑફિસના નોટિસ બોર્ડ પર એ મૂકશે. આ સીટના રિટર્નિંગ ઑફિસર કુમાર ખૈરેએ કહ્યું હતું કે ‘મયંક ગાંધીએ રજૂ કરેલા સોગંદનામા વિશે એક ફરિયાદ મળી હતી. એની તપાસમાં જાણવા મળ્યું હતું કે મયંક ગાંધી જેમાં ડિરેક્ટર હતા એ કંપની સામે એક કેસ થયેલો હતો. એથી અમે અમારી વેબસાઇટ પર તેમની તમામ હકીકતો સાથેનું કાઉન્ટર ઍફિડેવિટ પોસ્ટ કરીને મારી ઑફિસની બહાર પણ એની કૉપી મૂકવામાં આવશે.’

મયંક ગાંધીએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મને જાણવા મળ્યું છે કે મારી સામે એક ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ મારી વિરુદ્ધ નહોતો, પરંતુ જે કંપનીમાં હું ૨૦૧૦માં ડિરેક્ટર હતો એ કંપની સામે હતો. મેં ૨૦૧૧માં આ કંપની છોડી દીધી હતી અને હવે એની સાથે મારે કોઈ જ લેવા-દેવા નથી. જોકે આ ફરિયાદનો જવાબ મારો વકીલ આપશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK