પેઇડ ન્યુઝ માટે ચૂંટણીપંચ કોઈ પણ ઉમેદવારને ગેરલાયક ઠરાવી શકશે

સુપ્રીમ કોર્ટનો ગંભીર સૂચિતાર્થો ધરાવતો ચુકાદો, સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે ઠરાવ્યા અનુસાર ચૂંટણીના હિસાબની ખરાઈ કરવાની સત્તા ઇલેક્શન કમિશનને છે ને ખોટાં અકાઉન્ટ્સ રજૂ કરનાર ઉમેદવાર ડિસ્ક્વૉલિફાય થઈ શકે


પેઇડ ન્યુઝ બાબતે ગંભીર સૂચિતાર્થો ધરાવતો એક ચુકાદો સુપ્રીમ કોર્ટે સોમવારે આપ્યો હતો એ અનુસાર ચૂંટણીખર્ચના ખોટા હિસાબ રજૂ કરનાર ઉમેદવારને ચૂંટણીપંચ ગેરલાયક ઠરાવી શકશે.

ન્યાયમૂર્તિ એ. કે. પટનાઈક અને ન્યાયમૂર્તિ એ. એમ. આઇ. ખલીફુલ્લાની બનેલી ખંડપીઠે ઠરાવ્યું હતું કે હિસાબની ખરાઈ કરવાની સત્તા ચૂંટણીપંચને છે અને કોઈ પણ ઉમેદવાર પેઇડ ન્યુઝના દૂષણમાં સંડોવાયેલો પુરવાર થાય તો તેને ગેરલાયક ઠરાવવાની સત્તા પણ ચૂંટણીપંચને છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણ, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા અને ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય ઉમલેશ યાદવની અપીલોની બાબતમાં કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ચવાણ અને કોડા સામેની તપાસ ૪૫ દિવસમાં પૂરી કરવા અને યોગ્ય પગલાં લેવાનો આદેશ કોર્ટે પંચને આપ્યો હતો.

સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે એવું વલણ લીધું હતું કે ખોટા હિસાબ રજૂ કરવા બદલ કોઈ પણ ઉમેદવારને ગેરલાયક ઠરાવવાની સત્તા ચૂંટણીપંચને નથી.

અશોક ચવાણનો કેસ શું હતો?

પેઇડ ન્યુઝ કૌભાંડ તરીકે કુખ્યાત થયેલો અશોક ચવાણ કેસ તેમના દ્વારા ચૂંટણીખર્ચની ખોટી રજૂઆત વિશેનો છે. નાંદેડ જિલ્લાની ભોકર વિધાનસભા બેઠક પરથી ૨૦૦૯માં વિજેતા થયા પછી ચવાણ સામે ચૂંટણીપંચે કેસ કર્યો હતો. ચવાણે તેમના ચૂંટણીપ્રચારના ખર્ચનો ખોટો હિસાબ રજૂ કર્યો હતો અને તેઓ પેઇડ ન્યુઝમાં પણ સંડોવાયેલા હતા એવો ચૂંટણીપંચનો આરોપ હતો. આ મામલે દિલ્હી હાઈ કોર્ટે આપેલા ચુકાદા સામે ચવાણે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી.

કોઈ પણ ઉમેદવારે ફાઇલ કરેલા ચૂંટણીખર્ચના હિસાબની ખરાઈ કરવા માટે ચૂંટણીપંચ તેની વિગત ચકાસી શકે નહીં અને આવી સત્તા માત્ર હાઈ કોર્ટને જ છે એવી ચવાણની દલીલને હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.

મધુ કોડા સામે પણ ચૂંટણીપંચે આવો જ કેસ કર્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય ઉમલેશ યાદવને સમાન કારણોસર ૨૦૧૧ના ઑક્ટોબરમાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા.

પેઇડ ન્યુઝનું ચોમેર પ્રસરેલું દૂષણ

ચૂંટણીપંચે છેલ્લાં ચાર વર્ષમાં ૧૭ વિધાનસભાની ચૂંટણીમાં પેઇડ ન્યુઝના ૧૪૦૦થી વધુ કિસ્સા શોધી કાઢ્યા છે. પેઇડ ન્યુઝનું દૂષણ કેટલા મોટા પ્રમાણમાં ફેલાયેલું છે એનો તાગ આ હકીકત પરથી મેળવી શકાય છે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આ દૂષણ પર અંકુશ રાખવા માટે પંચે ઇલેક્શન એક્સપેન્સ મૉનિટરિંગ કમિટીની રચના પણ કરી છે. હાલની શ્ભ્ખ્ સરકારે પ્રેસ ઍન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ ઍક્ટ-૧૮૬૭માં આ બાબતના સુધારાનો એક મુસદ્દો પણ ઘડ્યો છે. એ મુસદ્દામાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રકાશન પેઇડ ન્યુઝની પ્રવૃત્તિમાં સંડોવાયેલું સાબિત થશે એનું પ્રકાશન અનિશ્ચિત કાળ માટે સસ્પેન્ડ થઈ શકે છે અથવા તો એનું રજિસ્ટ્રેશન જ કૅન્સલ થઈ શકે છે. જોકે આ ખરડો હજી કાયદો બન્યો નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK