અમિત શાહ પરથી ચૂંટણી પંચે પ્રતિબંધ હટાવ્યો, આઝમ ખાન પર યથાવત

ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ, ઉત્તર પ્રદેશના પ્રભારી અને નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અમિત શાહને મોટી રાહત બક્ષતા ચૂંટણી પંચે તેમના પર લગાવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. આ સાથે જ અમિત શાહને ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરવાની છૂટ મળી ગઈ છે. જોકે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને ચૂંટણી પંચે કોઈ જ રાહત ન આપતા તેમના પર લગાવવામાં આવેલા પ્રચારલક્ષી પ્રતિબંધ યથાવત રાખ્યા છે.
નવી દિલ્હી : તા. 18, એપ્રિલ

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે અમિત શાહે શાંતિ, કાયદો તથા વ્યવસ્થાનો ભંગ નહીં કરવાનું આશ્વાસન આપ્યું છે. શાહના આ આશ્વાસન પર વિચાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવેથી અમિત શાહ ઉત્તર પ્રદેશમાં રેલીઓ યોજી શકશે, સભાઓ ગજવી શકશે અને રોડ શો પણ કરી શકશે. જાહેર છે કે ચૂંટણી પંચનો આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહ બંને માટે રાહતજનક છે.

અમિત શાહે ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે મુઝફ્ફરનગરના રમખાણોનો બદલો લેવાનો સમય આવી ગયો છે. શાહના આ નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવીને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. તેવી જ રીતે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર પણ વિવિધ વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી ચૂંટણી પંચે 11 એપ્રિલના રોજ અમિત શાહ અને આઝમ ખાન પર ચૂંટણી રેલીઓ અને જનસભાઓ સંબોધવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ચૂંટણી પંચે આજે જારી કરેલા પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે તમે (અમિત શાહ) ચૂંટણી અભિયાન દરમિયાન અપશબ્દો અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ અને આચાર સંહિતાનું ઉલ્લંધન નહીં કરવાનું આશ્વાસન આપ્યું છે. આ બાબત ઘણો લાંબો વિચાર કર્યા બાદ પંચે પોતાના 11 એપ્રિલના નિર્ણય પર સંશોધન હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. જેને અંતર્ગત સંબંધિત જીલ્લા પ્રાધિકરણની મંજુરી બાદ શાહ જનસભા, રેલી અને રોડ શોનું આયોજન કરી શકશે તેમ ઠેરવવામાં આવ્યું છે. જોકે શાહને વધુ એક તક આપતા ચૂંટણી પંચે એ પણ ટાંક્યુ હતું કે તેઓ અમિત શાહના ચૂંટણી અભિયાન પર ચાંપતી નજર જરૂર રાખશે.

જોકે ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર લગાવેલો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચની ટીકા કરતા કહ્યું હતું કે જો અમિત શાહને રાહત બક્ષમાં આવી તો આઝમ ખાનને કેમ નહીં? હવે ચૂંટણી પંચ આ બાબતે શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK