NDAને DMK ટેકો નહીં આપે, પણ TRSએ વિકલ્પો ખુલ્લા રાખ્યા

પ્રાદેશિક સેક્યુલર પક્ષો મમતા બૅનરજીના વડપણ હેઠળ એકત્ર થઈને BJPને સત્તાથી વંચિત રાખે એવું કૉન્ગ્રેસી નેતા રાશિદ અલ્વીનું સૂચન



કેન્દ્રમાં સરકાર રચવા નવા સાથીઓને આવકારવા BJP તૈયાર છે ત્યારે TRSએ ગઈ કાલે તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા હતા જ્યારે નરેન્દ્ર મોદીના વડપણ તળેની NDA સરકારને ૨૦૦૨નાં રમખાણના ‘કલંક’ને કારણે ટેકો આપવાની શક્યતાને DMKએ નકારી કાઢી હતી.

બીજી તરફ કૉન્ગ્રેસના નેતા રાશિદ અલ્વીએ સૂચવ્યું હતું કે પ્રાદેશિક સેક્યુલર પક્ષોએ તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મમતા બૅનરજીના વડપણ હેઠળ એકત્ર થઈને BJPને સત્તાથી વંચિત રાખવી જોઈએ. 

BJD અને AIADMKએ નવી સરકારને ટેકો આપવાના મુદ્દે વિકલ્પો ખુલ્લા રાખ્યા હોવાનું સ્પષ્ટ કર્યા બાદ TRSએ પણ આવો જ સંકેત આપ્યો હતો. TRSના વડા કે. ચંદ્રશેખર રાવના પુત્ર અને પક્ષના સિનિયર નેતા કે. ટી. રામારાવે કહ્યું હતું કે ‘નવરચિત રાજ્યનો સૌથી મોટો પક્ષ હોવાને નાતે અમને કેન્દ્રની સરકારનો મજબૂત ટેકો મળી રહેવો જોઈએ. કાલે શું થશે એ હું કહી શકું એમ નથી.’

TRS NDAને ટેકો આપશે કે નહીં એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે અમારી સંસદીય તથા વિધાનસભા સમિતિની બેઠકમાં શુક્રવારે બપોરે બાર વાગ્યા સુધીમાં આ વિશેનો નિર્ણય લેવામાં આવશે.

મોદીના વડપણ હેઠળની સરકારને ટેકો આપવાની ઘસીને ના પાડતાં DMKએ જણાવ્યું હતું કે ‘લઘુમતીઓ અમારા પક્ષમાં છે અને મોદી પર ૨૦૦૨નાં રમખાણનું કલંક લાગેલું છે. એથી રાજ્યમાં અમારા હિતને ધ્યાનમાં રાખીને અમે NDAને ટેકો આપી શકીએ નહીં.’

BJPને ઈશાન ભારતના દસ રાજકીય પક્ષોનો ટેકો સાંપડ્યો

કેન્દ્રમાં સરકાર રચવાની સંભાવના વચ્ચે BJPને ગઈ કાલે નૉર્થ-ઈસ્ટ રીજનલ પૉલિટિકલ ફ્રન્ટનો ટેકો સાંપડ્યો હતો. ઈશાન ભારતના દસ રાજકીય પક્ષોના બનેલા આ સંગઠનના ટેકાની જાહેરાત કરતાં નાગાલૅન્ડના મુખ્ય પ્રધાન નેઇફિઉ રિઓએ કહ્યું હતું કે કેન્દ્રમાં સ્થિર સરકાર રચાય એ માટે અમે BJPને ટેકો આપી રહ્યા છીએ.

BJPના પ્રમુખ રાજનાથ સિંહે ટ્વિટર પર જણાવ્યું હતું કે નાગાલૅન્ડના મુખ્ય પ્રધાને ટેકા વિશેનો સંદેશો મને એક પત્ર મારફતે આપ્યો હતો એ માટે હું તેમનો આભારી છું.

લોકસભાની ચૂંટણી પહેલાં ગયા ઑક્ટોબરમાં ઈશાન ભારતના દસ રાજકીય પક્ષો એક છત્ર તળે આવ્યા હતા અને તેમણે આ સંગઠનની રચના કરી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK