નરેન્દ્ર મોદી બાદ કોણ હશે ગુજરાતના મુખ્યમંત્રી? ચાર નામો પર ચર્ચા

16મી લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શાંત થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફના પ્રયાણની શક્યતાઓ વધી જવા પામી છે. હવે નરેન્દ્ર મોદી બાદ ગુજરાતમાં ગાદી કોણ સંભાળશે મુદ્દો ચારેકોર ચર્ચાઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ કૌર ગ્રુપની બેઠકમાં ચાર નામોની ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળે છે.અમદાવાદ : તા. 13 મે

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોતાના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે નરેન્દ્ર મોદીએ મંગળવારે સાજે પાટનગર ગાંધીનગર ખાતે પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જોકે ઉત્તરાધિકારીના નામની જાહેરાત કેન્દ્રમાં નવી સરકાર રચાયા પછી જ કરવામાં આવશે તેમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણી પુરી થતાની સાથે જ હાલ રાષ્ટ્રિય રાજનીતિનું એપી સેન્ટર બનેલા ગાંધીનગરમાં ભાજપની એક પછી એક મીટિંગોનો ધમધમાટ શરૂ થયો છે. ગઈ કાલે સોમવારે ભાજપની કૌર ગ્રુપની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ આજે મંગળવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક રાજ્યના ભાવિ મુખ્યમંત્રીની પસંદગીને લઈને બોલાવવામાં આવી રહી હોવાની ચારેબાજુ ચર્ચા છે. જોકે ગુજરાત ભાજપના મીડિયા પ્રભારી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ કૌર ગ્રુપની બેઠક નિયમિત જ હતી. લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં છેલ્લા ત્રણ મહિનાથી કોઈ બેઠક યોજાઈ શકી ન હતી. બેઠકમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભાની ચૂંટણી પછીની આગામી રણનીતિ વિષે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જ્યારે આજે મંગળવારે મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં આગામી એજંડા કેન્દ્રસ્થાને રહેશે તેમ હર્ષદ પટેલે જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે ગુજરાતના ટોચના ત્રણ નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં હતાં. જેમાં વર્તમાન મહેસુલ મંત્રી આનંદી બેન પટેલ, નીતીન પટેલ અને સૌરભ પટેલનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બને તો મહેસૂલ મંત્રી આનંદી બેન પટેલનું માન સૌથી મોખરે છે. પરંતુ સંઘના નેતાઓ સાથેની મોદીની મુલાકાત બાદ ગુજરાતના સંભવિત મુખ્યમંત્રીપદના દાવેદારોમાં વધુ એક નામ બહાર આવ્યું છે. આ નામ છે ભીખુભાઈ દલસાણિયાનું. જેઓ હાલ પ્રદેશ સંગઠનના મહાસચિવ છે.

આગામી મુખ્યમંત્રી તરીકે હાલ ચર્ચાઈ રહેલા ચાર નામોમાંથી મોદી કોના પર મંજૂરીની મહોર મારે છે તો જોવાનું રહેશે. પરંતુ આ નવા પદાધિકારીના નામની જાહેરાત તો કેન્દ્રમાં નવી સરકાર રચાયા બાદ જ કરવામાં આવશે તેમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK