આજે મતગણતરી : મોદી સહિત ૮૨૫૧ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો, દુનિયાભરની નજર

BJP ૨૭૨ના આંકડો આંબશે કે કેમ એના પર આખી દુનિયાની નજર, આજે લોકસભાની ૫૪૩ બેઠકોના ૮૨૫૧ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો, પોસ્ટલ બૅલટના કાઉન્ટિંગ સાથે સવારે આઠ વાગ્યાથી દેશભરમાં મતગણતરી શરૂ થશે અને સાડાનવ વાગ્યાથી ટ્રેન્ડ મળવાના શરૂ થયા પછી સાંજે ચારેક વાગ્યા સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે


નવ તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં કોની સરકાર રચાશે એનો નિર્ણય આજે થશે. ચૂંટણીપંચે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘દેશભરમાં કુલ ૯૮૯ મતગણતરીમથકો પર યોજાનારી મતગણતરીની પ્રક્રિયા સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવાની આશા છે. ટ્રેન્ડ મળવાનો પ્રારંભ સવારે સાડા નવ વાગ્યાથી થશે.’

કુલ ૩૪૨૬ કરોડ રૂપિયાના સરકારી ખર્ચે યોજાયેલી ભારતીય ઇતિહાસમાંની સૌથી મોટી ચૂંટણીમાં દેશના કુલ ૮૧.૪ કરોડ મતદાતાઓ પૈકીના ૬૬.૩૮ ટકા વોટરોએ તેમના અધિકારનો ઉપયોગ કરીને ૮૨૫૧ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો હતો. આ વેળાની ચૂંટણીએ સૌથી વધુ મતદાનનો રેકૉર્ડ સરજ્યો હતો.

પોસ્ટલ બૅલટની ગણતરી સાથે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થશે. ચૂંટણીપંચની ગાઇડલાઇન્સ અનુસાર પોસ્ટલ બૅલટની ગણતરીના એકાદ કલાક પછી EVMમાંથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. સિનિયર ચૂંટણી-અધિકારીઓ તથા ઉમેદવારોના પોલિંગ એજન્ટ્સની હાજરીમાં બૅલટ યુનિટ સ્વિચ-ઑન કરવામાં આવશે. દરેક મશીનમાંથી રિઝલ્ટ મેળવવા માટે રિઝલ્ટ કમાન્ડ આપવામાં આવશે.

નન ઑફ ધ અબોવ (નોટા-NOTA) વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવી લોકસભાની આ સૌપ્રથમ ચૂંટણી હતી. નોટાનો ઉપયોગ કરનારા મતદાતાઓની ઓળખ ગુપ્ત રહે એ સુનિશ્ચિત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ પછી EVMમાં આ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

જે મતદાનમથકોમાં વોટર-વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાં વોટિંગ મશીન સાથે જોડાયેલા ડ્રૉપ બૉક્સમાં પડેલી પેપર-સ્લિપની ગણતરી કાઉન્ટિંગ એજન્ટ કરી શકતા હતા, પરંતુ આખરી આંકડો રિટર્નિંગ ઑફિસરે નક્કી કરવાનો હતો.This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK