કૉન્ગી નેતા મોદીનાં માતાની સારસંભાળ રાખવા તૈયારી

રાશિદ અલ્વીએ મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે તમારા ઉજ્જવળ ભવિષ્યને માટે જીવન ન્યોછાવર કરી દેનારાં તમારાં માતાને તમે આરામદાયક જિંદગી કેમ આપી શક્યા નથી એ હું સમજી શકતો નથી
નરેન્દ્ર મોદીનાં માતા ઑટોરિક્ષામાં પ્રવાસ કરે છે અને એક નાના ઓરડામાં રહે છે એ જાણીને દુ:ખી થયેલા એક કૉન્ગ્રેસી નેતાએ BJPના વડા પ્રધાનપદના ઉમેદવારને ગઈ કાલે એક પત્ર લખીને માતાની સંભાળ લેવાની તૈયારી દેખાડી છે, કારણ કે સંપત્તિ અને સફળતા મળવા છતાં મોદી તેમનાં માતાને આરામદાયક જિંદગી આપી શક્યા નથી.

કૉન્ગ્રેસના નેતા રાશિદ અલ્વીએ મોદીને એક પત્ર લખીને જણાવ્યું હતું કે ‘તમારા ઉજ્જવળ ભવિષ્યને સુનિિત કરવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દેનારાં તમારાં માતાને તમે આરામદાયક જિંદગી કેમ આપી શક્યા નથી, એ હું સમજી શકતો નથી.’

આ પત્રમાં અલ્વીએ આગળ જણાવ્યું છે કે ‘તમારાં માતા એ મારાં માતા છે. હું તેમના માટે પારાવાર આદર ધરાવું છું. મારી પાસે તમારા જેટલી સમૃદ્ધિ તો નથી, પણ મારી ક્ષમતા અનુસાર તમારાં માતાને આરામદાયક જીવનની તમામ સુવિધા પૂરી પાડવાની છૂટ મને આપવાની વિનંતી તમને કરું છું.’

મોદી તેમના ચૂંટણીપ્રચારમાં એવું જણાવતા ફરે છે કે તેમનાં માતાએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં એકલા હાથે તેમનો ઉછેર કર્યો હતો, એ બાબતનું દુ:ખ વ્યક્ત કરતાં અલ્વીએ એમ પણ લખ્યું છે કે ‘તમારી યોગ્ય રીતે સંભાળ લઈ શકાય એટલા માટે તમારાં માતા પાડોશીઓનાં કામ કરતાં હતાં એનો ઉલ્લેખ તમે કરો છો. નિષ્ઠા અને આકરા પરિશ્રમ વડે તમારાં માતાએ તમારો એવો ઉછેર કર્યો કે તમે ગુજરાત જેવા રાજ્યના મુખ્ય પ્રધાન બની શક્યા, એટલું જ નહીં, પરંતુ BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર પણ બન્યા.’

મોદીનાં માતા હજી પણ આઠ-બાય-આઠની ઓરડીમાં રહે છે, એ હકીકતથી પોતે દુ:ખી થયાનું જણાવતાં અલ્વીએ લખ્યું છે કે ‘તમારાં માતા ઑટોરિક્ષામાં બેસીને મતદાન કરવા ગયાં હતાં એ જાણીને પણ હું સંતપ્ત થયો હતો.’

‘દીકરો સારી રીતે સ્થાયી થઈ જાય પછી તેની સફળતાનો પહેલો લાભ તેનાં માતા-પિતાને મળે એ ભારતીય સંસ્કૃતિ છે,’ એવું નોંધતાં અલ્વીએ લખ્યું છે કે ‘ઉમેદવારી નોંધાવતી વખતે તમે ૧.૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આટલી સંપતિ હોવા છતાં તમે તમારાં માતાને આરામદાયક જીવન કેમ આપી શક્યા નથી, એ હું સમજી શકતો નથી.’ 

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK