આ હરકત બદલ મોદી સામે બે ફરિયાદ, બે વર્ષની સજા થઈ શકે

અમદાવાદના રાણીપની એક સ્કૂલમાં મતદાન કર્યા પછી મોદીએ સેલ્ફી ઝડપી અને પત્રકારોને સંબોધ્યા અને એનું પ્રસારણ ટીવી-ચૅનલોએ કર્યું એ પછી સર્જાયો જોરદાર વિવાદ
ગાંધીનગરમાં મતદાન કર્યા પછી BJPનું ચૂંટણીચિહ્ન કમળ પ્રદર્શિત કરીને અને ભાષણ આપીને નરેન્દ્ર મોદી ગઈ કાલે વધુ એક વિવાદમાં ફસાયા હતા. ચૂંટણીપંચે મોદી સામે કેસ નોંધવાનો આદેશ ગુજરાતના વહીવટીતંત્રને આપ્યો હતો.

ગુજરાતના પોલીસ ચીફ પી. સી. ઠાકુરે જણાવ્યું હતું કે મોદી સામે કુલ બે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોદી ઉપરાંત તેમના ભાષણનું જીવંત પ્રસારણ કરનાર ટીવી-ચૅનલો સામે પણ એક ફરિયાદ નોંધવામાં આવી છે.

ચૂંટણીપંચે એક આદેશમાં જણાવ્યું હતું કે ‘દેશના વિવિધ ભાગોમાં તેમ જ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે સભા યોજીને તથા એને સંબોધીને નરેન્દ્ર મોદીએ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ક્રમાંક ૧૨૬(૧)(એ) અને ૧૨૬(૧)(બી)નું ઉલ્લંઘન કર્યું છે. એથી નરેન્દ્ર મોદી અને પ્રસ્તુત સભા યોજનારા તમામ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવે છે.’

ગાંધીનગરમાં ગઈ કાલે મતદાન કર્યા પછી તરત મોદીએ BJPનું ચૂંટણીચિહ્ન કમળ દર્શાવ્યું હતું અને BJPને મત આપવાની હાકલ કરી હતી એના પગલે વિવાદ શરૂ થયો હતો. કૉન્ગ્રેસે આચારસંહિતાના સરેઆમ ઉલ્લંઘનના મુદ્દે તરત જ ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી હતી.
BJPનાં પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે ‘મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી અને પત્રકાર-પરિષદ તેમણે યોજી નહોતી. જોકે ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે અને અમે એનો આદર કરીએ છીએ. અમે પંચના આદેશને માન આપીશું.’

ચૂંટણીપંચે એમ પણ જણાવ્યું હતું કે જે ટીવી-ચૅનલો અને અન્ય ઇલેક્ટ્રૉનિક મીડિયાએ મોદીની એ પત્રકાર-પરિષદનું પ્રસારણ દર્શાવ્યું હતું એમની સામે પણ કલમ ક્રમાંક ૧૨૬(૧)(બી) હેઠળ ફરિયાદ નોંધવી જોઈએ.

મતદાન કર્યા પછી ટોચના નેતાઓ મીડિયાને સામાન્ય રીતે સંબોધન કરતા હોય છે, પરંતુ BJPના પ્રતિસ્પર્ધીઓને પેટમાં એ વાતનું દુખ્યું હતું કે મોદીએ પત્રકાર-પરિષદ યોજી એટલું જ નહીં, પરંતુ એમાં BJP માટે મતદાન કરવાની અપીલ લોકોને કરી અને કૉન્ગ્રેસની ઝાટકણી પણ કાઢી હતી. ટેક્નૉલૉજીપ્રેમી મોદી તેમના પક્ષનું ચૂંટણીચિહ્ન કમળ દર્શાવીને મોબાઇલ ફોન મારફતે પોતાની તસવીર ખેંચતાં પણ જોવા મળ્યા હતા.

કૉન્ગ્રેસના લીગલ સેલના સેક્રેટરી કે. સી. મિત્તલે તરત જ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી હતી. મોદીએ પત્રકાર-પરિષદમાં કરેલા સંબોધનનો વીડિયો નિહાળ્યા બાદ ચૂંટણીપંચે ઉપરોક્ત નર્ણિય લીધો હતો.

મતદાન કર્યા બાદ મોદીએ એવું તે શું કર્યું?

ગઈ કાલે અમદાવાદના રાણીપ વિસ્તારની સ્કૂલમાં મતદાન કરીને નરેન્દ્ર મોદી બહાર આવ્યા ત્યારે બહાર એકઠા થયેલા લોકો ‘મોદી... મોદી’ પોકારતા હતા. રાહ જોઈને ઊભેલા પત્રકારોના સવાલોના જવાબ આપવા મોદી ખુરસીમાં ગોઠવાયા હતા. અચાનક તેમણે તેમના સિક્યૉરિટી સ્ટાફના એક સભ્યને બોલાવ્યો હતો. તે માણસે એક હાઈ-એન્ડ મોબાઇલ ફોન પોતાના ખિસ્સામાંથી કાઢીને મોદીને આપ્યો હતો. બધાના આર્યની વચ્ચે મોદીએ મોબાઇલનો કૅમેરા પોતાના તરફ ધરીને સેલ્ફી ઝડપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કૅમેરા ઓપન કરી શક્યા નહીં હોય કે સૂર્યપ્રકાશને લીધે મોબાઇલની સ્ક્રીન યોગ્ય રીતે જોઈ શક્યા નહીં હોય. એથી તેમણે ફરી એ વ્યક્તિને મોબાઇલ કૅમેરા ઓપન કરવા બોલાવી હતી અને પોતાની સેલ્ફી ઝડપી હતી. એમાં BJPના ચૂંટણીચિહ્ન કમળની પાદ્ભૂમાં તેમણે શાહીના ટપકાવાળી આંગળી આગળ ધરી હતી. તેમણે એ સેલ્ફી તેમના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે ‘મેં મતદાન કર્યું. આ રહી મારી સેલ્ફી.’ એ પછી તેમણે પત્રકારોને સંબોધન કર્યું હતું અને વિવાદ શરૂ થયો હતો.

મોદીને બે વર્ષની સજા થઈ શકે

લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ક્રમાંક ૧૨૬(૧)(બી)ની જોગવાઈ અનુસાર મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાંના સમયમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણી વિશેની કોઈ સભાને સંબોધી નથી શકતી કે સરઘસ પણ કાઢી નથી શકતી. સિનેમૅટોગ્રાફી, ટીવી કે આવા કોઈ અન્ય માધ્યમ મારફતે ચૂંટણી વિશેની કોઈ સામગ્રીનું પ્રસારણ કરી શકાતું નથી. આ કલમના ઉલ્લંઘન બદલ બે વર્ષની જેલ સજા અથવા દંડ અથવા તો બન્ને થઈ શકે છે.

મોદીએ કાયદો તોડ્યો નથી : BJPનો દાવો

BJPએ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ ચૂંટણીના કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી, કારણ કે તેમણે મીડિયા સાથે વાત કરી ત્યારે તેઓ મતદાન મથકથી ૧૦૦ મીટર દૂર હતા.

BJP = ભારતીય જનતા પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK