મોદી પછાત જાતિમાં જન્મેલા ને OBC છે એ સદંતર જુઠ્ઠાણું : કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદી પછાત જાતિમાં જન્મેલા છે અને OBC છે એ સદંતર જુઠ્ઠાણું છે.


ગુજરાત સરકારના પરિપત્રને ટાંકીને શક્તિસિંહ ગોહિલે કહ્યું, ‘નરેન્દ્ર મોદી મોઢ ઘાંચી જ્ઞાતિના છે અને આ જ્ઞાતિ પછાત વર્ગ કે OBCમાં આવતી જ નથી. તેમણે આક્ષેપ કર્યો કે નરેન્દ્ર મોદી રાજકારણમાં સક્રિય બન્યા ત્યારે પોતાના રાજકીય લાભ તથા પોતાની જ્ઞાતિ તથા પરિવારના આર્થિક લાભ માટે પોતાની જાતિ મોઢ ઘાંચીને OBCમાં ખોટી રીતે દાખલ કરી દીધી છે.’

શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના પહેલી જાન્યુઆરી ૨૦૦૨ના પરિપત્રની નકલ રજૂ કરીને દાવો કરતાં કહ્યું કે ‘નરેન્દ્ર મોદી મોઢ ઘાંચી જ્ઞાતિના છે અને આ જ્ઞાતિ પછાત વર્ગ કે OBCમાં આવતી જ નહોતી. આઝાદી આવ્યા બાદ દેશમાં અને ગુજરાતમાં ક્યારેય પણ કોઈ પણ મોઢને પછાત જ્ઞાતિ કે બક્ષીપંચમાં સમાવવામાં આવેલી નહોતી.

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતાં કહ્યું કે કેન્દ્રમાં ૨૦૦૦માં NDAની સરકાર હતી અને ગુજરાતમાં BJPની સરકાર હતી, તેમ જ નરેન્દ્ર મોદી રાજકારણમાં સક્રિય અગ્રેસર બન્યા ત્યારે પોતાના રાજકીય લાભ અને પોતાની જ્ઞાતિના તથા પરિવારના આર્થિક લાભ માટે પોતાની જાતિ મોઢ ઘાંચીને OBCમાં સદંતર ખોટી રીતે દાખલ કરી દીધેલી છે.

૧૯૯૪માં જ મોઢ ઘાંચી જ્ઞાતિને બક્ષીપંચમાં સમાવવામાં આવી હતી : ગુજરાત સરકારનો ખુલાસો

ગુજરાત સરકારના પ્રવક્તા અને નાણાપ્રધાન નીતિન પટેલે કૉન્ગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલના દાવાને વખોડી કાઢતાં કહ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી બક્ષીપંચ જાતિના (પછાત) જ્ઞાતિના નથી અને એક સુખી, સમૃદ્ધ જ્ઞાતિના સભ્ય છે એ પ્રમાણે પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેના કૉન્ગ્રેસના નેતાઓના જે સતત પ્રયત્નો છે એ પૈકીનું આ જુઠ્ઠાણું છે.

નીતિન પટેલે ગુજરાતના સમાજકલ્યાણ વિભાગના ૨૫ જુલાઈ ૧૯૯૪ના ઠરાવને ટાંકીને કહ્યું કે શક્તિસિંહનો આક્ષેપ નર્યું જુઠ્ઠાણું છે. હકીકતમાં તો ૧૯૯૪માં જ મોઢ ઘાંચી જ્ઞાતિને બક્ષીપંચમાં સમાવેલી હતી. અત્યારે જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીની અપ્રતિમ લોકચાહના અને પ્રજાનો વિશ્વાસ છે ત્યારે ગુજરાતની અને દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવા કૉન્ગ્રેસ આવું જુઠ્ઠાણું ફેલાવે છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK