જમીનગોટાળાના આરોપીના રૂપમાં રૉબર્ટ વાડ્રાને દામાદ શ્રી બુકલેટ અને ફિલ્મમાં રજૂ કર્યો

કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા પર BJPએ ગઈ કાલે જોરદાર હુમલો કર્યો હતો અને રૉબર્ટ વાડ્રા પર ‘દામાદ શ્રી’ નામની એક ફિલ્મ અને બુકલેટ તૈયાર કરી છે. આ ફિલ્મમાં રૉબર્ટ વાડ્રાને જમીનગોટાળાના આરોપીના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે.



રૉબર્ટ વાડ્રા વિકાસ મૉડલ

ગઈ કાલે BJPએ પત્રકાર-પરિષદમાં આ વિડિયો બતાવ્યો હતો અને પછી ‘દામાદ શ્રી’ બુકલેટ બહાર પાડી હતી. BJPના જનરલ સેક્રેટરી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘શા માટે રૉબર્ટ વાડ્રાએ માત્ર હરિયાણા અને રાજસ્થાનમાં જ જમીન ખરીદી હતી. હવે હું સોનિયા ગાંધીને સવાલ પૂછવા માગું છું કે રૉબર્ટ વાડ્રાનું વિકાસ મૉડલ શું છે? કૉન્ગ્રેસ મોટા દિલની વાત કરે છે, પણ કૉન્ગ્રેસે કયા મોટા દિલથી રૉબર્ટ વાડ્રાની મદદ કરી અને આટલું મોટું એમ્પાયર ઊભું કરવામાં મદદ કરી? રાજસ્થાનમાં અશોક ગેહલોટ સરકારે રૉબર્ટ વાડ્રાને હજારો એકર જમીન સસ્તામાં આપી દીધી જેથી પછી ઊંચા દામે વેચીને એમાંથી નફો રળી શકાય. જો તેઓ બિઝનેસમૅન હોય તો શા માટે તેમણે બીજાં રાજ્યોમાં જમીન ખરીદી નહીં? અમારી બુકલેટના અંતમાં અમે લખ્યું છે કે જનતા માફ નહીં કરે.’

કૉન્ગ્રેસનો પલટવાર

કૉન્ગ્રેસે ગઈ કાલે આ વિડિયો જારી થયા બાદ કહ્યું હતું કે ‘રૉબર્ટ વાડ્રાએ સરકાર પાસેથી જમીન લીધી નહોતી અને BJP પાસે મુદ્દા ખૂટી ગયા છે એથી આ રીતે અમારી સામે પાયાવિહોણા આરોપ મૂકી રહી છે. અદાણીને ગુજરાત સરકારે મફતના ભાવે જમીન આપી હતી એનો કોઈ ઉલ્લેખ BJP નથી કરતી.’

હું ચૂપ નહીં રહું : પ્રિયંકા

આ વિડિયો જાહેર થયા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘BJPને જે કહેવું હોય એ કહે, પણ હું ચૂપ નહીં બેસું. હું નરેન્દ્ર મોદીના ડિસ્ટ્રક્ટિવ, નેગેટિવ અને શરમજનક પ્રચાર સામે બોલતી રહીશ. તેઓ ગભરાઈ ગયા છે અને એથી ઉંદરની જેમ દોડી રહ્યા છે. મને ખબર છે કે તેઓ હજી પણ જુઠ્ઠાણાં ફેલાવશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK