મુંબઈની છએ છ લોકસભાની સીટ પર BJP અને શિવસેનાનો કબજો

અન્ડરડૉગ જેવાં પૂનમ મહાજન અને અરવિંદ સાવંતના વિજયથી આર્ય : બન્ને દોઢ લાખથી વધુના માર્જિનથી જીત્યાં
૧૬મી લોકસભાની ચૂંટણીનાં ગઈ કાલે જાહેર થયેલાં રિઝલ્ટમાં આઘાડી સરકારનો ગઢ ગણાતી મુંબઈની તમામ લોકસભાની સીટ કૉન્ગ્રેસ-NCPએ ગુમાવી દીધી હતી અને છએછ સીટ પર BJP-શિવસેનાના ઉમેદવારો બહુમતીથી વિજયી થયા હતા. ગઈ લોકસભાની ચૂંટણીમાં પાંચ કૉન્ગ્રેસ અને NCP એક બેઠક મેળવીને મુંબઈને પોતાના કબજામાં રાખવામાં સફળ થઈ હતી, પણ આ વખતે વિનિંગ હૉર્સ કહેવાતા ઉમેદવારો પણ હારી ગયા હતા, જેમાં સૌથી મોટો અપસેટ સાઉથ મુંબઈની અને મુંબઈ નૉર્થ સેન્ટ્રલની બેઠક પર સર્જાયો હતો. એમાં સાઉથ મુંબઈથી શિવસેનાના અરવિંદ સાવંતે ૧,૫૦,૩૪૮ મતોની સરસાઈ મેળવીને કૉન્ગ્રેસના મિલિંદ દેવરાને હરાવ્યા હતા, તો મુંબઈ નૉર્થ સેન્ટ્રલની બેઠક પર BJPનાં પૂનમ મહાજને ૧,૮૬,૭૭૧ વોટની સરસાઈથી કૉન્ગ્રેસનાં પ્રિયા દત્તને હરાવ્યાં હતાં.

મુંબઈ નૉર્થની બેઠક પરથી BJPના ગોપાલ શેટ્ટીએ ૪,૪૬,૫૮૨ જેટલા મતોની સરસાઈથી કૉન્ગ્રેસના ઉમેદવાર સંજય નિરુપમને હરાવ્યા હતા.

મુંબઈ નૉર્થ-વેસ્ટમાંથી શિવસેનાના ગજાનન કીર્તિકરે કૉન્ગ્રેસના ગુરુદાસ કામતને ૧,૮૨,૮૩૯ મતોથી હરાવ્યા હતા.

મુંબઈ નૉર્થ-ઈસ્ટની બેઠક પરથી NCPના સંજય દીના પાટીલને BJPના કિરીટ સોમૈયાએ ૩,૧૭,૧૨૨ મતોથી હરાવ્યા હતા.

મુંબઈ સાઉથ સેન્ટ્રલમાંથી શિવસેનાના રાહુલ શેવાળેએ કૉન્ગ્રેસના પીઢ નેતા એકનાથ ગાયકવાડને ૧,૩૮,૨૦૮ મતોથી હરાવ્યા હતા.

મુંબઈના પાડોશમાં આવેલા થાણે જિલ્લાની બેઠક જે NCPના સિનિયર નેતા ગણેશ નાઈકનો ગઢ ગણાતી હતી એના પર તેમના દીકરા સંજય નાઈકે કારમો પરાજય સહન કરવો પડ્યો છે. તેમની સામે શિવસેનાના રાજન વિચારે ૨,૮૧,૨૯૯ મતોથી જીત્યા હતા.

કલ્યાણની બેઠક પર શિવસેનાના ડૉ. શ્રીકાંત શિંદેએ NCPના આનંદ પરાંજપેને ૨,૫૦,૭૪૯ મતોથી હરાવ્યા હતા.

પાલઘરની બેઠક પર BJPના ચિંતામણ વાંગાએ બહુજન વિકાસ આઘાડીના બલિરામ જાધવને ૨,૩૯,૮૮૧ મતોથી હરાવ્યા હતા. આ બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારીપત્રક પાછું ખેંચી લીધું હતું એટલે અહીં BJP અને બહુજન વિકાસ આઘાડી વચ્ચે લડત હતી.

ભિવંડીની બેઠક પરથી BJPના કપિલ પાટીલે કૉન્ગ્રસના વિશ્વનાથ પાટીલને ૧,૦૯,૪૫૦ મતોથી હરાવ્યા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK