ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના પરિવારે મોદીના પ્રસ્તાવક બનવાનો પ્રસ્તાવ નકારી દીધો

શહનાઈવાદકના પરિવારે કહ્યું કે ચૂંટણી આવે ત્યારે જ રાજકીય પાર્ટીઓને ઉસ્તાદ યાદ આવે છે : આઠ વર્ષ પહેલાં ગુજરી ગયેલા ઉસ્તાદનો મકબરો પણ બનાવવામાં નથી આવ્યો


ખ્યાતનામ શહનાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના પરિવારે વારાણસી સીટ પરથી લડી રહેલા નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક બનવાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો છે. નવ તબક્કામાં થનારી લોકસભાની ચૂંટણીમાં આ સીટ પર ૧૨ મેના રોજ મતદાન થવાનું છે અને એ માટે ૨૪ એપ્રિલે નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવાના છે. તેમના બે પ્રસ્તાવકોમાં પંડિત મદન મોહન માલવિયાના ગ્રૅન્ડસન અને બિસ્મિલ્લા ખાનના ગ્રૅન્ડસન અફાક હૈદરનું નામ હતું.

લોકસભાની ચૂંટણીમાં વારાણસીની સીટ હૉટ સીટ છે અને અહીં નરેન્દ્ર મોદી સામે કૉન્ગ્રેસના અજય રાય અને AAPના અરવિંદ કેજરીવાલ વચ્ચે રોચક મુકાબલો છે. મોદી વારાણસી સાથે વડોદરામાંથી પણ ચૂંટણી લડે છે અને ત્યાં તેમણે એક ચા વેચનારને તેમનો પ્રસ્તાવક બનાવ્યો હતો.

અફાક હૈદરે કહ્યું હતું કે ‘અમને વારાણસીના BJPના મેયર રામગોપાલ મોહાલેનો ૧૬ એપ્રિલે ફોન આવ્યો હતો અને તેઓ અમને મળવા માગતા હતા. એથી મારા પપ્પા ઉસ્તાદ ઝમીન હુસેન અને અમારા પરિવારના મિત્ર શકીલ અહમદ તેમને મળવા માટે તેમના ઘરે ગયા હતા. અમને એમ હતું કે કોઈ કલ્ચરલ પ્રોગ્રામ માટે વાત કરવી હશે, પણ તેમણે અમારી સામે પ્રસ્તાવ મૂક્યો કે ગુજરાતથી નરેન્દ્ર મોદીએ કેટલાક માણસો મોકલ્યા છે અને તેઓ ઝમીન હુસેનને મોદીના પ્રસ્તાવક બનાવવા માગે છે. અમે તેમને કહ્યું હતું કે પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ અમે નિર્ણય જણાવીશું અને એ માટે અમને એક દિવસનો સમય આપો. એક દિવસ પછી અમે તેમને ખૂબ જ શાંતિથી કહ્યું કે અમે મોદીના પ્રસ્તાવક બની શકીએ એમ નથી, કારણ કે બિસ્મિલ્લા ખાન કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા નહોતા અને અમે પણ એમાં જોડાવા નથી માગતા. બિસ્મિલ્લા ખાન કલાકો સુધી સંગીત પર ચર્ચા કરવા તૈયાર રહેતા, પણ રાજકારણથી તેઓ દૂર રહેતા હતા. અમે રાજકીય પાર્ટીઓ માટે પણ કાર્યક્રમો કરતા હતા, પણ રાજકારણથી દૂર રહેતા હતા. ચૂંટણી આવે ત્યારે જ પાર્ટીઓ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને યાદ કરે છે, પછી ભૂલી જાય છે. ઉસ્તાદને ગુજરી ગયાને આઠ વર્ષ થયાં, તેમની યાદમાં વિશાળ મકબરો બાંધવાની જાહેરાતો થઈ હતી, પણ કંઈ જ કામ થયું નથી.’

જોકે મેયર રામગોપાલ મોહાલેનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના પરિવાર સાથે મારે સારા સંબંધો છે, પણ મોદીના સપોર્ટર બનવા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો નથી. ઉસ્તાદનો પરિવાર અમારા ઘરે આવે છે.’

નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવાના દિવસે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની મજાર પર જવાના છે. તેઓ આ પરિવારને પણ મળવાના છે.

પપ્પુ ચાવાળો મોદીનો પ્રસ્તાવક?

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના પરિવારે પ્રસ્તાવક બનવાનો પ્રસ્તાવ ફગાવતાં હવે વારાણસીમાં નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક બનવા માટે પપ્પુ ચાવાળાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેણે હા પણ પાડી દીધી છે. આ સિવાય વારાણસીના પ્રખ્યાત ગાયક છન્નુલાલ મિશ્રને પણ પ્રસ્તાવક બનાવવામાં આવે એવી શક્યતા છે.

મોદી સામે વીરપ્પનનો ભાણેજ


વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે હવે કુખ્યાત ચંદનચોર વીરપ્પનનો ભાણેજ પી. એન. શ્રીરામ ચંદિરન ચૂંટણી લડવાનો છે. તેણે ગઈ કાલે વારાણસીમાં ફૉર્મ ભર્યું હતું. આ પહેલાં અમેઠી જઈને તેણે રાહુલ ગાંધી સામે પણ ફૉર્મ ભર્યું છે. આમ બે હાઈ-પ્રોફાઇલ ઉમેદવારો સામે લડી રહેલો તે એકલો ઉમેદવાર છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK