વારાણસીમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર નેતાઓના રોડ-શો, કિસમેં હૈ કિતના દમ?

આ વખતની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ હૉટ ગણાતી વારાણસીની બેઠક માટે છેલ્લા બે દિવસ સેલિબ્રિટી ઉમેદવારોના રોડ-શોના રહ્યા હતા.નરેન્દ્ર મોદીનો રોડ-શોરાહુલ ગાંધીનો રોડ-શો


નરેન્દ્ર મોદીએ તેમને જાહેર સભા યોજવાની પરવાનગી ન આપવામાં આવી એ પછી અહીં ગુરુવારે અઘોષિત રોડ-શો યોજ્યો હતો. અરવિંદ કેજરીવાલે શુક્રવારે રોડ-શો યોજ્યો હતો, જ્યારે રાહુલ ગાંધીએ પ્રચાર સમાપ્ત થવાના છેલ્લા દિવસે શનિવારે જબરજસ્ત રોડ-શો યોજ્યો હતો. આ ત્રણ ઓછા હતા એમ શનિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પણ વારાણસીમાં રોડ-શો યોજ્યો હતો. આ રોડ શોઝમાં ખરા સમર્થકોની ભીડ હતી કે લોકો તાશેરો જોવા એકઠા થયા હતા એ નક્કી કરી શકાય એમ નહોતું, પણ એક વાત નક્કી છે કે વારાણસીવાળાઓને રોડ-શોને કારણે ટ્રાફિક અટકી જતાં ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હશે. હવે ચર્ચા એ ચાલી છે કે કોનો રોડ-શો સૌથી વધારે ઝમકદાર હતો? 

વારાણસીમાં ગુજરાત ગૌરવ ફૅન ક્લબે મોદીનાં ૩૦૦ પુસ્તકોનું પ્રદર્શન યોજ્યું

નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગુજરાત ગૌરવ ફૅન ક્લબે નરેન્દ્ર મોદીનાં ૩૦૦ પુસ્તકોનું વારાણસીમાં પ્રદર્શન યોજ્યું હતું.

નરેન્દ્ર મોદીએ લખેલાં તેમ જ તેમના પર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત જુદી-જુદી ભાષાઓમાં લખાયેલાં ૩૦૦ પુસ્તકોનું પ્રદર્શન વારાણસીમાં શુભ લૉન, મહમૂરગંજ ખાતે યોજ્યું હતું. આ પ્રદર્શનમાં ‘જ્યોતિપુંજ’, ‘સામાજિક સમરસતા’, ‘શ્રી ગુરુજી-એક સ્વયંસેવક’ સહિત ખુદ નરેન્દ્ર મોદીએ લખેલાં પુસ્તકો પણ આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે. આ પ્રદર્શનમાં BJPના વરિષ્ઠ નેતા રવિશંકરપ્રસાદ, રામલાલ અગ્રવાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જ ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીના પ્રચાર માટે વારાણસી ગયેલા સંખ્યાબંધ કાર્યકરો, નાગરિકો તેમ જ વારાણસીના સ્થાનિક રહેવાસીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌરવ ફૅન ક્લબ દ્વારા ગુજરાતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદમાં પણ નરેન્દ્ર મોદીનાં પુસ્તકોનું પ્રદર્શન યોજ્યું હતું જેમાં નરેન્દ્ર મોદીના આકારની અનોખી પેનડ્રાઇવ પણ લૉન્ચ કરવામાં આવી હતી. વારાણસીમાં પણ નરેન્દ્ર મોદીના આકારની પેનડ્રાઇવે આકર્ષણ ઊભું કર્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK