રામદેવ સામે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાંય ફરિયાદ, હિમાચલમાં પણ પ્રતિબંધ

કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી વિરુદ્ધની ‘હનીમૂન’ ટિપ્પણી સંબંધે ઉત્તર પ્રદેશના સત્તાવાળાઓએ પગલાં લીધાં એ પછી ગઈ કાલે યોગગુરુ બાબા રામદેવ પર હિમાચલ પ્રદેશમાં યોગના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રના નાગપુર તથા રાજસ્થાનના જયપુરમાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ફરિયાદો નોંધવામાં આવી હતી.
જોકે રામદેવે કહ્યું હતું કે તેઓ આ પ્રતિબંધોની સામે અદાલતના દરવાજા ખખડાવશે. પોતાની યોગશિબિરો પરના પ્રતિબંધને બિનલોકશાહીપૂર્ણ ગણાવતાં રામદેવે આક્ષેપ કર્યો હતો કે મારા પર અંકુશ મૂકવા સરકાર ચૂંટણીપંચ પર દબાણ લાવી રહી છે. રાહુલ વિરુદ્ધની ટિપ્પણીને કૉન્ગ્રેસે વિકૃત સ્વરૂપ આપ્યાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

હિમાચલ પ્રદેશના વડા ચૂંટણી-અધિકારી નરીન્દર ચૌહાણે કહ્યું હતું કે ‘રામદેવને કાંગડા, ચંબા અને રેહાનમાં યોગશિબિરો યોજવાની પરવાનગી ચૂંટણીપંચના આદેશ અનુસાર આપવામાં નથી આવી. અમે જિલ્લા વહીવટીતંત્ર સુધી પ્રસ્તુત આદેશને પહોંચાડ્યો છે. રામદેવની શિબિરોમાં રાજકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોવાની નોંધ ચૂંટણીપંચે લીધી છે.’

ગઈ કાલે કાંગડા પહોંચેલા રામદેવે કહ્યું હતું કે ‘પ્રતિબંધના આદેશ સામે અમે ગુજરાતમાં ર્કોટમાં ગયા હતા અને ત્યાંથી અમને રાહત મળી હતી. હિમાચલમાં પણ એવું થવાની અમને આશા છે.’

અનેક દલિત સંગઠનોએ રજૂઆત કરી એ પછી નાગપુરના પાંચપાઓલી પોલીસથાણામાં રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જયપુરના ગાંધીનગર પોલીસ-સ્ટેશનમાં એક વિદ્યાર્થીએ ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો ઉપરાંત ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જયપુરમાં રામદેવનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું.

અમેઠીમાં ૩૦ એપ્રિલ તથા પહેલી મેના રોજ યોજાનારા રામદેવના કાર્યક્રમો પર પણ જિલ્લા વહીવટીતંત્રે પ્રતિબંધ મૂક્યો છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK