આસામની કોમી હિંસાની આગમાં રાજકીય રોટલા શેકવાનો ખેલ શરૂ

બોડોલૅન્ડ ટેરિટોરિયલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ એરિયાની હિંસામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૩૨ થઈ, કૉન્ગ્રેસે મોદી પર હિંસા ભડકાવવાનો આક્ષેપ કર્યો એટલે BJPએ દુર્ઘટનાને સરકારની નિષ્ફળતા ગણાવીલોકસભાની ચૂંટણીમાં મતદાનના છેલ્લા બે તબક્કા માટે આસામની કોમી હિંસાની આગમાં રાજકીય રોટલા શેકવાનો ખેલ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષો હિંસા કરાવવાના અને કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં નિષ્ફળતાના આક્ષેપો એકમેક પર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ હિંસામાં BJPનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે BJPએ આ ઘટનાને કેન્દ્ર તથા રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી છે.

બક્સા જિલ્લામાંના એક ગામમાંથી ગઈ કાલે વધુ નવ મૃતદેહ મળી આવવાની સાથે બોડોલૅન્ડ ટેરિટોરિયલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ એરિયાની હિંસામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૩૨ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માનસ નૅશનલ પાર્ક નજીકના સાલબારી સબ-ડિવિઝન હેઠળના ખાગ્રાબારી ગામમાંથી ચાર બાળકો અને બે મહિલાઓ સહિત કુલ નવ શબ મળી આવ્યાં હતાં.

આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈએ આ હિંસાની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી મારફતે કરાવવાની માગણી કરી છે. બોડો લોકોના બાહુલ્યવાળા ત્રણ જિલ્લાઓમાં કરફ્યુ અમલમાં છે. ગુરુવારે રાત્રે હિંસા ભડકી એ પછી કોકરાઝાર, બક્સા અને ચિરાંગ જિલ્લાઓમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. હિંસા પર કાબૂ મેળવવા માટે શૂટ ઍટ સાઇટના આદેશ પણ આપવામાં આવ્યા હતા. બેકી નદીના કિનારા પરના જંગલમાં છુપાઈ રહેલાં સાતથી દસ વર્ષની વયનાં અન્ય ત્રણ બાળકોને ઉગારી લેવામાં આવ્યાં હતાં.

આસામના ગૃહસચિવ જી. ડી. ત્રિપાઠીએ કહ્યું હતું કે શુક્રવારે સાંજથી હિંસાની કોઈ નવી ઘટના બની નથી એટલે પરિસ્થિતિ સામાન્ય છે એમ કહી શકાય.

કાયદો તથા વ્યવસ્થા વિભાગના પોલીસ-ચીફ એ. પી. રાઉતે કહ્યું હતું કે ‘આ હિંસામાં નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ સંડોવાયેલો હોવાના પુરાવા તપાસમાં મળ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે મોકલેલી અર્ધલશ્કરી દળોની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપની આસામ પહોંચી ગઈ છે.’

કૉન્ગ્રેસે આ હિંસા માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠરાવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે મોદીને કારણે દેશનો માહોલ બગડી રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે નવી દિલ્હીમાં કહ્યું હતું કે મોદી કોમવાદી રાજકારણ સાથે આગળ વધી રહ્યા છે અને તેમના કારણે દેશમાં નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

સિબલે એમ પણ કહ્યું હતું કે લોકોને ઉશ્કેરવા માટે BJPના સમર્થકો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર બનાવટી તસવીરો પણ શૅર કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે મોદીએ આસામમાં એક રૅલી કરી હતી અને એમાં આસામના તમામ મુસલમાનોને બંગલાદેશી ગણાવ્યા હતા એને કારણે આ હિંસા થઈ છે અને એમાં નિર્દોષ મુસ્લિમો માર્યા ગયા છે.

BJPના નેતા રવિશંકર પ્રસાદે વળતો ફટકો મારતાં જણાવ્યું હતું કે ‘વોટ-બૅન્કના રાજકારણને લીધે આસામની તરુણ ગોગોઈ સરકાર જરૂરી પગલાં નથી લેતી. એ કારણે જ આસામમાં વારંવાર હિંસા થઈ રહી છે. કૉન્ગ્રેસના સંરક્ષણ હેઠળ હુલ્લડ થઈ રહ્યાં છે. આસામથી ચૂંટાઈને આવેલા વડા પ્રધાન શું કરી રહ્યા છે?’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK