મુંબઈ સહિત લોકસભાની ચૂંટણીનું આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

 ૧૧૭ બેઠકો, ૨૦૭૬ ઉમેદવારો, ૧૮ કરોડથી વધુ મતદારો


લોકસભાની ચૂંટણીમાં ૧૧૭ બેઠકો માટે આજે યોજાનારા મતદાનના છઠ્ઠા તબક્કામાં કૉન્ગ્રેસ અને BJP ઉપરાંત AIDMK, DMK, NCP અને શિવસેના જેવા પ્રાદેશિક પક્ષોની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ૧૮ કરોડથી વધુ મતદારો કુલ ૨૦૭૬ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

મતદાનના આ તબક્કાના સ્ટાર ઉમેદવારોમાં કૉન્ગ્રેસના સલમાન ખુરશીદ (ફરુખાબાદ) તથા મોહમ્મદ અઝહરુદ્દીન (ટોંક-માધોપુર); BJPનાં સુષમા સ્વરાજ (વિદિશા), હેમા માલિની (મથુરા), સુમિત્રા મહાજન (ઇન્દોર) તથા શાહનવાઝ હુસેન (ભાગલપુર); SPના મુલાયમસિંહ યાદવ (મૈનપુરી) અને ડિમ્પલ યાદવ (કનૌજ); RLD ના અમરસિંહ (ફતેહપુર); DMKના દયાનિધિ મારન (ચેન્નઈ સેન્ટ્રલ) અને PDPનાં પ્રમુખ મેહબૂબા મુફ્તિ (અનંતનાગ)નો સમાવેશ છે.

તામિલનાડુની તમામ ૩૯ બેઠકો માટે અને પુડુચેરીની એકમાત્ર બેઠક માટે આજે એકસાથે મતદાન થવાનું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કુલ ૪૮ પૈકીની બાકીની ૧૯ બેઠકો માટે, આસામની કુલ ૧૪ પૈકીની ૬ બેઠકો માટે, બિહારની કુલ ૪૦ પૈકીની ૭ બેઠકો માટે, છત્તીસગઢની કુલ ૧૧ પૈકીની ૮ બેઠકો માટે, જમ્મુ-કાશ્મીરની ૬ પૈકીની અનંતનાગ બેઠક માટે, ઝારખંડની કુલ ૧૪ પૈકીની ૪ બેઠકો માટે, મધ્ય પ્રદેશની કુલ ૨૯ પૈકીની ૧૦ બેઠકો માટે, રાજસ્થાનની કુલ ૨૫ પૈકીની પાંચ બેઠકો માટે, પશ્ચિમ બંગની કુલ ૪૨ પૈકીની ૬ બેઠકો માટે અને ઉત્તર પ્રદેશની કુલ ૮૦ પૈકીની ૧૨ બેઠકો માટે પણ આજે મતદાન થવાનું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK