શરદ પવારને લૅન્ડ કરાવવા વપરાયેલું પાણી ગયું પાણીમાં

તેમના માટે કામચલાઉ હેલિપૅડ પર ૫૦,૦૦૦ લિટર પાણીનો છંટકાવ થયો, પણ તેઓ આવ્યા જ નહીં : પાણીના પૈસા પણ નથી ચૂકવાયા


બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના MMRDA ગ્રાઉન્ડમાં રવિવારે કૉન્ગ્રેસ-NCPની સંયુક્ત રૅલીમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે મંચ પર NCPના અધ્યક્ષ શરદ પવાર પણ હાજર રહેવાના હોવાથી શરદ પવારના હેલિકૉપ્ટરનું લૅન્ડિંગ થવાની શક્યતાને ધ્યાનમાં લઈને ત્યાં બનાવવામાં આવેલા કામચલાઉ હેલિપૅડ પર પાંચ વૉટર-ટૅન્કરોનું મળીને કુલ ૫૦,૦૦૦ લિટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

જોકે સોનિયા ગાંધીને બદલે રાહુલ ગાંધી આવ્યા અને રાહુલ ગાંધી પ્રત્યે અણગમો ધરાવતા શરદ પવારે પણ રૅલીમાં આવવાનું ટાળ્યું હતું અને આખરે આ પાણી વેડફાયું હતું. કૉન્ટ્રૅક્ટરોના જણાવ્યા પ્રમાણે કામચલાઉ હેલિપૅડ પર હેલિકૉપ્ટરનું લૅન્ડિંગ થાય એ પહેલાં ખૂબ જ ધૂળ ઊડતી હોવાથી આવું ન બને એ માટે બે દિવસ અગાઉથી ત્યાં પાણીનો છંટકાવ કરવાની કામગીરી પણ કરવી પડે છે.

દસ હજાર લિટર પાણી સમાવવાની ક્ષમતાવાળાં પાંચ વૉટર-ટૅન્કર આ માટે મગાવવામાં આવ્યાં હતાં અને આ માટે ટૅન્કરો પૂરા પાડનારા ટ્રાન્સપોર્ટરોને હજી સુધી પૈસા પણ આપવામાં નથી આવ્યા. કુર્લાના સિદ્ધેશ વૉટર સપ્લાયર્સના સિદ્ધેશ સાળુંકેના જણાવ્યા પ્રમાણે ‘એક વૉટર-ટૅન્કર માટે કૉન્ટ્રૅક્ટરે ૮૦૦ રૂપિયા આપવાનું ઠેરવ્યું હતું. અમે સતત બે દિવસ ટૅન્કર આપ્યું હતું, પરંતુ હજી સુધી એના પૈસા નથી મળ્યા. આખરે અમને એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં કોઈ હેલિકૉપ્ટર લૅન્ડ થયું જ નહોતું.’

કૉન્ટ્રૅક્ટરોમાંના એક ઇરફાન શેખે કહ્યું હતું કે હું ગ્રાઉન્ડની સાફસફાઈ અને પાણી છાંટવાનું કામ કરતો હતો અને બે દિવસથી આ બધી ધમાલ ચાલતી હતી.

રૅલીમાં શરદ પવાર શા માટે હાજર ન રહ્યા એ વિશે રાજકીય તર્કવિતર્ક વચ્ચે ગઈ કાલે પાર્ટીના સ્પોક્સપર્સન અતુલ લોંઢેએ કહ્યું હતું કે શરદ પવાર રવિવારે આ રૅલીમાં હાજર રહેવાના જ હતા, પરંતુ મારી જાણકારી પ્રમાણે કોઈક ટેક્નિકલ કારણોસર તેમનું હેલિકૉપ્ટર આવી નહોતું શક્યું એથી આ રૅલીમાં તેઓ હાજરી નહોતા આપી શક્યા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK