મારો દીકરો દેશને વિકાસના રસ્તે આગળ દોરી જાય એવા આર્શીવાદ

નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં નાના ભાઈના ઘરે જઈને સૌપ્રથમ હીરાબાના આર્શીવાદ લીધાપોતાનો દીકરો દેશનો વડા પ્રધાન બને એ માટે ભગવાનને પ્રાર્થના કરનાર નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ પુત્રના ભવ્ય વિજય બાદ કહ્યું હતું કે ભગવાને મારી ઇચ્છા પૂરી કરી.

પોતાના વિજય બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં તેમનાં માતાના આર્શીવાદ લેવા ગાંધીનગરના તેમના ઘરે ગયા હતા અને માતાના ચરણસ્પર્શ કરીને તેમણે શુભ આશિષ મેળવ્યા હતા. હીરાબાએ મોદીના માથે તિલક કરી, બન્ને હાથ મૂકીને આર્શીવાદ આપતાં કહ્યું હતું કે મારો દીકરો દેશને વિકાસના રસ્તે આગળ દોરી જાય એવા મારા આર્શીવાદ.

પોતાના બીજા પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહેતાં હીરાબા અને પરિવારના અન્ય સભ્યો સાથે મોદી થોડી વાર બેઠા હતા તથા તેમની સાથે વાતચીત કરી હતી. મોદીએ તેમના ભાઈનાં સંતાનો સાથે પણ ગોઠડી કરી હતી.

ગઈ કાલે લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં દીકરાના વિજયના સમાચાર જાણવા હીરાબા ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને સવારથી જ પરિવારના અન્ય સભ્યો સાથે ટીવી-ચૅનલમાં સમાચાર જેવા બેસી ગયાં હતાં અને ચૂંટણીનાં પરિણામોનાં અપડેટ જોઈ રહ્યાં હતાં. આ પહેલાં હીરાબાએ સવારે ભગવાનની પૂજા કરી હતી અને સવારથી જ સતત માળા કરતાં-કરતાં ભગવાનને પ્રાર્થના કરતાં હતાં.

ગઈ કાલે બપોરે સવાબાર વાગ્યે નરેન્દ્ર મોદી તેમનાં માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મોદીએ હીરાબાને પગે પડીને ચરણસ્પર્શ કર્યા હતા અને હીરાબાએ દીકરાને ગળે વળગાડીને, માથે હાથ ફેરવીને, હેતથી માથું ચૂમીને દીકરાને આર્શીવાદ આપ્યા હતા એટલું જ નહીં; હીરાબાએ ભારતીય પ્રાચીન પરંપરા પ્રમાણે નરેન્દ્ર મોદીના કપાળમાં ચાંલ્લો કરીને, ગોળ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.
હીરાબા સાથે નરેન્દ્ર મોદી એક સામાન્ય નાગરિકની જેમ ઘરની બહાર ઓટલા પર પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હતા. ચૂંટણીનાં પરિણામોમાં પોતાની અને પક્ષની જીત થયા બાદ રિલૅક્સ્ડ મૂડમાં હોય એમ નરેન્દ્ર મોદી હીરાબા સાથે વાતે વળગીને હળવા થયા હતા. વાતો કરતાં-કરતાં મા-દીકરો કોઈક વાતે હસતાં પણ હતાં.

ખાસ કરીને હીરાબાએ તેમના અને મોદીના હાથમાં પહેરેલો કાળો દોરો બતાવીને કામ ફતેહ થયું છે એમ જણાવ્યું હતું. હીરાબાને ખબર છે કે દીકરો દેશનું સુકાન સંભાળવા હવે દિલ્હી જવાનો છે ત્યારે દીકરાને પોતાની પાસે બેસાડીને શિખામણ અને શુભ કામના આપી હતી.

નરેન્દ્ર મોદી અને હીરાબાએ પરિવારના અન્ય સભ્યો સાથે જીતની ખુશી મનાવી હતી અને બહાર ટોળે વળેલા નાગરિકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK