નરેન્દ્ર મોદી પહેલાં ભારતમાં કોઈ માતાની હયાતીમાં વડા પ્રધાન નથી બન્યું

જનતા જનાર્દનના આર્શીવાદથી ભારતના ૧૪મા વડા પ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદી દેશના એવા પહેલા વડા પ્રધાન બનશે જેમને જનેતાના પણ આર્શીવાદ મળ્યા અને ફળ્યા છે.
(જિતેન્દ્ર ભટ્ટ)

બે વખત વચગાળાના વડા પ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદાને પણ ગણીએ તો મોદી ભારતના ૧૫મા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. ભારતની ભાગ્યવિધાતા (વડા પ્રધાન) બનનારી નરેન્દ્ર મોદી સિવાયની કોઈ પણ વ્યક્તિ પોતાની માતાની હયાતીમાં દિલ્હીમાં સર્વેસર્વા બની શકી નથી, કેમ કે મોટા ભાગના વડા પ્રધાનો મોટી ઉંમરે જ વડા પ્રધાન બન્યા છે.

નરેન્દ્ર મોદીને પણ ગણીએ તો અત્યાર સુધીના તમામ વડા પ્રધાનોમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ સૌથી નાની ઉંમરના વડા પ્રધાન તરીકે  છે, પરંતુ રાજીવ ગાંધી માતા ઇન્દિરા ગાધીની હત્યા બાદ વડા પ્રધાન બન્યા હતા એટલે તેઓ માતાના આર્શીવાદથી તો વંચિત જ રહ્યા હતા. બાકીના તમામ વડા પ્રધાનો મોટી ઉંમરે આ પદ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં માતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. આમ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ વડા પ્રધાન બનવા દિલ્હી જતાં પહેલાં માતા હીરાબાના આર્શીવાદ સદેહે લેવાનું સદ્ભાગ્ય એકમાત્ર નરેન્દ્ર મોદીને મળ્યું છે.

જો કૉન્ગ્રેસ જીતી હોત તો કદાચ રાહુલ ગાંધીને પણ માતા સોનિયા ગાંધીના આર્શીવાદનું આવું સદ્ભાગ્ય મળ્યું હોત, પરંતુ દેશની જનતા જનાર્દને રાહુલ ગાંધીને આર્શીવાદ ન આપ્યા તેથી હવે બેટર લક નેક્સ્ટ ટાઇમ.

દરેક માનું સપનું હોય જ કે તેનો દીકરો દુનિયા પર રાજ કરે. હીરાબાએ પણ નરેન્દ્ર મોદી ચાર વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે શુભાશિષ આપી હતી, પરંતુ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી બાદ મોદીનું નામ પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ગુજરાતમાં કોઈક ખૂણામાં ગાજતું હતું અને ત્યારે યાદ કરો હીરાબાના શબ્દો. પત્રકારોના સવાલના જવાબમાં હીરાબાએ ત્યારે કહ્યું હતું કે ‘મારો દીકરો એક વખત વડા પ્રધાન બનશે જ. મારા તેને આર્શીવાદ છે.’

નરેન્દ્ર મોદીની જીતમાં જનતા જનાર્દન ઉપરાંત માતાના આર્શીવાદનો પણ ફાળો છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK