નામમાં શું રાખ્યું છે? આજે ૨૫૦૦ નરેન્દ્ર અને ૩૬૦૦ અરવિંદ મત આપશે

વારાણસીમાં આજે મતદાન છે ત્યારે આ સીટ પર ઊભા રહેલા ૪૨ ઉમેદવારોમાંથી કેટલાક ઉમેદવારોનાં ફક્ત નામ કે પછી નામ અને અટક પણ ધરાવતા મતદારો આજે વોટિંગ કરવા જશે. BJPએ નરેન્દ્ર મોદીને ટિકિટ આપી છે અને તેઓ વડા પ્રધાનપદના ઉમેદવાર છે. વારાણસીની લોકસભા સીટ પર નરેન્દ્ર મોદી એવું નામ ધરાવતો એક પણ મતદાર નથી, પણ માત્ર નરેન્દ્ર નામ હોય એવા આશરે ૨૫૦૦ મતદાર છે.

AAPના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ છે અને અરવિંદ નામ ધરાવતા આશરે ૩૬૦૦ મતદાર છે.

કૉન્ગ્રેસના ઉમેદવાર અજય રાય છે અને તેમનું આખું નામ ધરાવતા આશરે ૧૫ મતદાર છે, જ્યારે માત્ર અજય નામ ધરાવતા ૧૬,૦૦૦ મતદાર છે.

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કૈલાસ નાથ ચૌરસિયા છે અને આવું આખું નામ ધરાવતા ત્રણ મતદાર છે, જ્યારે કૈલાસ નામ ધરાવતા ૬૬૦૦ અને કૈલાસ નાથ નામ ધરાવતા આશરે ૬૦૦૦ મતદાર છે.

BSPના ઉમેદવાર વિજય પ્રકાશ જયસ્વાલ છે. માત્ર વિજય નામ ધરાવતા આશરે ૧૭,૦૦૦ મતદાર છે.

CPMએ હીરાલાલ યાદવને ટિકિટ આપી છે અને આવું આખું નામ ધરાવતા ૩૦ મતદાર છે. આશરે ૧૪,૦૦૦ મતદારોનું પહેલું નામ હીરા છે.

જોકે મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસે અહીં ઇન્દિરા ત્રિપાઠીને ટિકિટ આપી છે અને તેઓ એકમાત્ર મહિલા ઉમેદવાર છે. ૧૯૮૦માં આ સીટ પર જીતનારા કૉન્ગ્રેસના સંસદસભ્ય કમલાપતિ ત્રિપાઠીના પરિવાર સાથે તેઓ સંબંધ ધરાવે છે. આશરે ૨૦૦ મતદારો ઇન્દિરા નામ ધરાવે છે.

આ સીટ પર એક વ્યંડળ બશીર કિન્નર પણ મેદાનમાં છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK