હવે અહમદ પટેલ બગડ્યા : મોદી જુઠ્ઠાડા, મારે તેમની સાથે ક્યારેય દોસ્તી નહોતી

ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે ક્યારેય કોઈ કામ કરાવ્યાનો પુરાવો મળે તો જાહેર જીવન છોડી દેવાની સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની ઑફર
નરેન્દ્ર મોદીએ દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યુનો વિવાદ ગઈ કાલે વધુ ઘેરો બન્યો હતો. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે તેમની અને મોદીની વચ્ચે દોસ્તી હોવાના દાવાને આધારવિહોણો અને સંપૂર્ણ જુઠ્ઠો ગણાવ્યો હતો.

પટેલે જણાવ્યું હતું કે અમારી વચ્ચે દોસ્તી હોવાનો અને અગાઉ અમે મળતા હોવાનો મોદીનો હાસ્યાસ્પદ દાવો ચૂંટણીના માહોલમાં ગૂંચવાડો સર્જવાનો પ્રયાસ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે ક્યારેય કોઈ કામ કરાવ્યાનો પુરાવો મળે તો જાહેર જીવન છોડી દેવાની ઑફર પણ પટેલે કરી હતી.

પટેલે ભારપૂર્વક કહ્યું હતું કે ‘આ તો મતદારોના મનમાં ગૂંચવાડો સર્જવાની ચાલ છે. મોદી તેમના ખુદના પક્ષમાં મિત્રો બનાવી શક્યા નથી ત્યારે મારી સાથે મૈત્રી કઈ રીતે કરી શકે? મોદીની વાતો સાંભળીને મને હસવું આવે છે. એંસીના દાયકામાં મોદી BJPના મહામંત્રી હતા ત્યારે મારા નિવાસસ્થાને જમવા જરૂર આવ્યા હતા, પણ ગુજરાતમાં ૨૦૦૨માં કોમી રમખાણ થયાં ત્યાર પછી મારી મોદી સાથે વન-ટુ-વન મુલાકાત ક્યારેય નથી થઈ.’

તેમણે ઉમેર્યું હતું કે ‘ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પછી વારતહેવારે મોદી મને ફોન કરતા અને હું તેમને સૌજન્ય સ્વરૂપે જવાબ આપતો હતો. એ પછી મોદીની ઑફિસમાં કે તેમના નિવાસસ્થાને અમારી ક્યારેય મુલાકાત થઈ નથી કે ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે ક્યારેય કોઈ કામ પણ કરાવ્યું નથી.’

મોદીએ શું કહ્યું હતું?

દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યુમાં મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસમાં અહમદભાઈ મારા બહુ સારા મિત્ર હતા, પણ હવે નથી. હવે તેઓ મારા ફોનકૉલ પણ નથી લેતા. અહમદભાઈને અમે વર્ષો સુધી બાબુભાઈ કહેતા હતા. હું તેમના નિવાસસ્થાને જમવા જતો હતો. સારી મૈત્રી હતી. હું માનું છું કે અંગત દોસ્તી જળવાઈ રહેવી જોઈએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK