મુંબઈના બે લાખ મતદારોનાં નામ યાદીમાં નહોતાં એ સામે જનહિતની અરજી

મુંબઈ સિટી અને સબબ્ર્સની મતદારયાદીઓમાંથી બે લાખ વોટર્સનાં નામ રદ કરાયાં એને પડકારતી જનહિતની એક અરજી બૉમ્બે હાઈ ર્કોટમાં બુધવારે દાખલ કરવામાં આવી હતી.


ઍક્શન ફૉર ગુડ ગવર્નન્સ ઍન્ડ નેટવર્કિંગ ઇન ઇન્ડિયા (AGNI-અગ્નિ) અને બર્થરાઇટ નામનાં બે બિનસરકારી સંગઠનોએ કરેલી આ અરજીની સુનાવણી બૉમ્બે હાઈ ર્કોટના ચીફ જસ્ટિસ મોહિત શાહના વડપણ હેઠળની ખંડપીઠે છ મેએ કરવાનું ઠેરવ્યું હતું.

વોટર્સ-લિસ્ટમાંથી નામ રદ કરવાની વાતને પડકારતી આ બીજી અરજી છે. પહેલી અરજી પુણેના વોટર્સ દ્વારા કરવામાં આવી હતી, જે હાઈ ર્કોટમાં હજી પેન્ડિંગ છે. બુધવારે થયેલી અરજીમાં સંગઠનોએ દાવો કર્યો હતો કે ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પર નામ હોવા છતાં મુંબઈના વોટર્સ-લિસ્ટમાં નામ ન હોય એવા ૨,૧૦,૧૨૩ વોટર્સ છે, જેમનાં નામ વોટર્સ-લિસ્ટમાંથી ગાયબ છે એવા લોકો હયાત છે અને અન્યત્ર રહેવા પણ નથી ગયા છતાં તેમનાં નામ ગાયબ થઈ જવાં એ ગેરકાયદે કહેવાય.

અરજીમાં દાવો કરાયો હતો કે આવી ગેરકાયદે રીતે નામ રદ કરાયાં છે એવા ૬૫૦૦ લોકોએ અમારો સંપર્ક કરીને પોતાની વિગતો આપી હતી. આમાંના મોટા ભાગના લોકોએ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી અને ૨૦૧૧માં મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં પણ મતદાન કરેલું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં મત આપવાના અધિકારથી વંચિત કરી દેવાયા એવા નાગરિકો વતી આ અરજી કરવામાં આવી છે.

આ જનહિતની અરજીમાં દલીલ કરાઈ હતી કે લોકસભાની ચૂંટણીની મતદારયાદીમાંથી આટલી મોટી સંખ્યામાં મતદારોનાં નામ આડેધડ રદ કરાયાં હોવાથી એમાં કોઈક ગરબડ-ગોટાળાની શંકા છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK