ગુજરાતમાં અનોખી ઘટના : લોકસભાની તમામ ૨૬ બેઠકો પર બાવન ટકાથી વધુ મતદાન

સૌથી વધુ ૭૪.૫૯ ટકા બારડોલીમાં ને સૌથી ઓછું ૫૨.૩૧ ટકા મતદાન પોરબંદરમાં થયું

ગુજરાતમાં ૧૯૬૭ પછી અધધધ કહી શકાય એટલું ૬૩.૩૧ ટકા કુલ મતદાન નોંધાયું છે એટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં અનોખી ઘટના એ બની કે લોકસભાની તમામ ૨૬ બેઠકો પર બાવન ટકાથી વધુ મતદાન થયું છે.

ગુજરાતના ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ૧૯૬૭ પછી સેકન્ડ હાઇએસ્ટ વોટિંગ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં થયું છે. ૧૯૬૭માં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૬૩.૭૭ ટકા મતદાન થયું હતું જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૬૩.૩૧ ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતમાં સૌથી વધુ ૭૪.૫૯ ટકા બારડોલીમાં અને સૌથી ઓછું ૫૨.૩૧ ટકા મતદાન પોરબંદરમાં થયું હતું જ્યારે ગુજરાતમાં પાંચ બેઠકો પર ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૪૭.૮૯ ટકા મતદાન થયું હતું. આ વખતે એનાથી ૧૫.૪૨ ટકા વધુ મતદાન થયું છે. ગુજરાતમાં કુલ ૨,૫૬,૮૯,૮૮૭ મતદારોએ વોટિંગ કર્યું હતું જેમાં ૧,૪૧,૮૩,૪૩૦ પુરુષ મતદારોએ અને ૧,૧૫,૦૬,૪૫૭ સ્ત્રી મતદારોએ વોટિંગ કર્યું હતું.

ગુજરાતમાં ૧૯૬૭ પછી ૪૭ વર્ષ બાદ લોકસભાની ચૂંટણીમાં સેકન્ડ હાઇએસ્ટ વોટિંગ થતાં રાજકીય પંડિતો ગુજરાતમાં બેઠકોના નફા-નુકસાનની ગણતરી કરવા લાગી ગયા છે અને સૌથી વધુ વોટિંગને કારણે કયા પક્ષને ફાયદો થશે અને કોને નુકસાન એનું ગણિત માંડી રહ્યા છે અને આ ચર્ચા ટૉક ઑફ ધ ગુજરાત બની છે.

ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૮૫.૫૦ ટકા મતદાન

ગુજરાતમાં ચૂંટણીપંચે જાહેર કરેલી મતદાનની આંકડાકીય વિગતોમાં ગુજરાતમાં વિધાનસભા વાઇસ મતદાનમાં ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૮૫.૫૦ ટકા મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા વિસ્તારમાં ડેડિયાપાડા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બારડોલી લોકસભા બેઠકમાં આવતી નીઝર વિધાનસભા વિસ્તારમાં સેકન્ડ હાઇએસ્ટ ૮૦.૩૩ ટકા મતદાન નોંધાયું છે.

ક્યાં કેટલું મતદાન


બેઠક    ટકાવારી

કચ્છ    ૬૧.૪૪

બનાસકાંઠા    ૫૮.૨૯

પાટણ    ૫૮.૩૬

મહેસાણા    ૬૬.૬૩

સાબરકાંઠા    ૬૭.૩૦

ગાંધીનગર    ૬૫.૧૦

અમદાવાદ (ઈસ્ટ)    ૬૧.૨૬

અમદાવાદ (વેસ્ટ)    ૬૨.૬૪

સુરેન્દ્રનગર    ૫૬.૭૦

રાજકોટ    ૬૩.૫૯

પોરબંદર    ૫૨.૩૧

જામનગર    ૫૭.૮૦

જૂનાગઢ    ૬૩.૧૬

અમરેલી    ૫૪.૨૧

ભાવનગર    ૫૭.૨૭

આણંદ    ૬૪.૬૩

ખેડા    ૫૯.૫૦

પંચમહાલ    ૫૮.૮૪

દાહોદ    ૬૩.૩૮

વડોદરા    ૭૦.૫૭

છોટાઉદેપુર    ૭૧.૧૫

ભરૂચ    ૭૪.૫૪

બારડોલી    ૭૪.૫૯

સુરત    ૬૩.૭૬

નવસારી    ૬૫.૧૨

વલસાડ    ૭૪.૦૯

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK