પ્રિયંકાને દીકરી કહી જ નથી : મોદીનો દાવો

ગુજરાતના મુખ્ય પ્રધાનના કાર્યાલયે ગઈ કાલે દૂરદર્શનના ઇન્ટરવ્યુનો એ હિસ્સો પ્રકાશિત કર્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીને પ્રિયંકા વિશે સવાલ પુછાયા હતા.




એમાં મોદીએ પ્રિયંકાને ક્યાંય દીકરી નહોતી કહી. પ્રિયંકા દ્વારા વારંવાર કરાતી કૉમેન્ટ્સ વિશેના એક સવાલના જવાબમાં મોદીએ એ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું આવી વાતોને ગંભીર નથી ગણતો, કારણ કે કોઈ પણ દીકરી તેની માતા તથા ભાઈ માટેના પ્રચારમાં કાંઈ પણ કહી શકે. પ્રિયંકા એક દીકરી હોવાને નાતે મને તેની કૉમેન્ટ્સથી ખરાબ નહીં લાગે.’


હું રાજીવ ગાંધીની દીકરી છું: પ્રિયંકાએ મોદીને ટોણો માર્યો

નરેન્દ્ર મોદીએ કરેલી ટિપ્પણીને ફગાવી દેતાં પ્રિયંકા ગાંધીએ ગઈ કાલે ભારપૂર્વક કહ્યું હતું કે ‘હું રાજીવ ગાંધીની દીકરી છું. મારા પિતા સાથે કોઈની સરખામણી થાય એ મને પસંદ નથી.’

નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં દૂરદર્શનને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે પ્રિયંકા તો મારી દીકરી જેવી છે. મોદીની આ કમેન્ટ મીડિયામાં છવાઈ ગઈ હતી એના અનુસંધાનમાં પ્રિયંકાનું નિવેદન આવી પડ્યું છે.

અમેઠીમાં મોદીના ઉપરોક્ત નિવેદન સંદર્ભે પ્રતિભાવ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે મૈં રાજીવ ગાંધી કી બેટી હૂં. બીજી એક જગ્યાએ પ્રિયંકાએ એમ કહ્યું હતું કે ‘મારા પિતા આ દેશ માટે ૨૦ વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. મારા જીવનમાં બીજા કોઈ પણ કરતાં મારા પિતાને હું સૌથી વધુ પ્રેમ કરું છું. તેમની સરખામણી કોઈની સાથે થાય એ મને પસંદ નથી.’

પ્રિયંકાએ ઉમેર્યું હતું કે ‘મારા પિતા શહીદ થયા હતા. તેમણે દેશ માટે જીવન કુરબાન કર્યું હતું. તેમની સરખામણી અન્ય કોઈ વ્યક્તિ સાથે થઈ જ શકે નહીં.’

મોદીની કમેન્ટથી તમે નારાજ કે ગુસ્સે થયાં છો એવું પૂછવામાં આવ્યું ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘ના, મને ગુસ્સો નથી આવતો, પણ ઇનફ ઇઝ ઇનફ. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે એનાથી હું નારાજ નથી થતી.’

નરેન્દ્ર મોદીએ આવું નિવેદન શા માટે કર્યું હશે એમ પૂછવામાં આવતાં પ્રિયંકાએ વળતો ફટકો માર્યો હતો કે એની તો મોદીને જ વધારે ખબર હશે.



This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK