આ વરરાજા લગ્ન પહેલા આખી જાન લઈને વોટિંગ કરવા પહોંચ્યો

ગુજરાતના જામનગર તાલુકાના નાજેડી ગામના દેવશી કાળાવદરા નામના મેર યુવકે ગઈ કાલના મતદાનને કારણે પોતાનાં લગ્નની જાનનો સમય બદલાવ્યો હતો અને જાન સવારે નવ વાગ્યે ભાણવડ ગામે જવાની હતી એને બદલે સાંજે પાંચ વાગ્યે લઈ જવાનું નક્કી કરાવ્યું હતું.વિચારવંત વરરાજા : જામનગરના નાજેડી ગામના દેવસી કાળાવદરાએ મતદાન કરી શકાય એટલા માટે ખુદનાં લગ્નનો સમય બદલાવ્યો હતો એટલું જ નહીં, જાનની આખી બસ લઈને વોટિંગ કરવા ગયો હતો અને બધા પાસે મતદાન કરાવ્યું હતું.


દેવશી મતદાન માટે આખી બસને લઈને મતદાન-કેન્દ્ર પાસે ગયો હતો અને બધાએ એકસાથે વોટિંગ કર્યું હતું. દેવશીએ લગ્ન સમયના દાગીના પર્હેયા હતા જેનું વજન સાડાચાર કિલો જેટલું થતું હોવાથી બે-ચાર લોકોએ તેની સાથે રહેવું પડતું હતું. દેવશીને મતદાન કરતાં રોકડી પાંચ મિનિટ લાગી હતી, પણ ત્યાં હાજર રહેલા લોકોએ દેવશીના દાગીના જોવામાં તેનો અડધો કલાક બગાડ્યો હતો.રાજકોટનાં ૧૦૭ વર્ષનાં આ દાદી મોદી માટે મતદાન કરવા ઘરની બહાર આવ્યાં

રાજકોટમાં રહેતાં ૧૦૭ વર્ષનાં દાદી વનિતા ઠક્કર છેલ્લાં ચારેક વર્ષથી ઘરની બહાર નીકળવાનું અવસ્થાને કારણે ટાળે છે, પણ ગઈ કાલે મતદાન માટે તે ઘરની બહાર નીકળ્યાં હતાં અને વોટિંગ કરવા માટે પહોંચ્યાં હતાં. મતદાન ગુપ્ત રાખવાનું હોય છે, પણ વનિતાબહેન કોઈ જાતના સંકોચ વિના બધા વચ્ચે કહેતાં હતાં કે તે મોદીને મત આપવા માટે બહાર આવ્યાં છે. વનિતાબહેને કહ્યું હતું કે ‘મેં તેને ટીવીમાં હાંભળ્યો છે, બહુ સાચો મા’ણા છે. જો તેની માટે બા’ર નો આવું તો દેશ માટે ખોટું કે’વાય.’


સાચા માણસને ટેકો : છેલ્લાં ચારેક વર્ષથી ઘરની ચાર દીવાલો વચ્ચે જીવન વિતાવતાં વનિતા ઠક્કર વ્હીલચૅરમાં બેસીને મતદાન કરવા પહોંચ્યાં હતાં.


વનિતાબહેન પોતે જ ઘરની બહાર નીકળ્યાં એટલું જ નહીં, તેમણે પોતાની સાથે ઘરના તમામ સભ્યોને પણ મતદાન કરવા માટે ઘરની બહાર ખેંચ્યા હતા. દાદીમા એકને કારણે ઘરના આઠેઆઠ સભ્યોએ વોટિંગ કર્યું હતું. વનિતાબહેનની જેમ જ મોરબીનાં ૧૦૪ વર્ષનાં રેવાબહેન પટેલ પણ માત્ર મોદીને મત આપવા માટે બહાર નીકળ્યાં હતાં. રેવાબહેને છેલ્લી ત્રણ ટર્મથી એક પણ ઇલેક્શનમાં વોટિંગ નહોતું કર્યું, પણ આ વખતે મોદીને વડા પ્રધાન બનાવવા માટે રેવાબહેને મતદાન કર્યું હતું. રેવાબહેને કહ્યું હતું, ‘મોદી ક્યે ઈ કરી દેખાડે છે. વડા પ્રધાન આવો જ હોવો જોઈ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK