ઍક્સિડન્ટમાં માથામાં ૪ સ્ટિચ હોવા છતાં ઘાયલ યુવાન વોટિંગ કરવા આવ્યો

ગઈ કાલે ગુજરાતમાં યોજાયેલા લોકસભાની ચૂંટણીના મતદાનમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સાણંદ, વિરમગામ અને ધોળકામાં સવારે મતદાનનો જોશ રહ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને ફ્રેશ વોટર્સ વોટિંગ માટે બહાર આવ્યા હતા.

સાણંદમાં આવેલી ન્યુ એરા હાઈ સ્કૂલમાં મતદાન-કેન્દ્રમાં સુરેશ ચુનારા નામનો ૧૯ વર્ષનો વોટર ઍક્સિડન્ટ થવાથી માથામાં ચાર ટાંકા લીધા હોવા છતાં પણ પહેલી વાર મતદાન કરવા ઉત્સાહભેર આવ્યો હતો.

લોકસભાની સુરેન્દ્રનગર બેઠક માટે વિરમગામમાં પશુ દવાખાનામાં મતદાન-કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિબંધિત વસ્તુઓ પર કોઈ રોકટોક જોવા મળી નહોતી.

સાણંદ અને વિરમગામમાં મતદાન-કેન્દ્રમાં મોબાઇલ પર વાત કરવી કે પછી વિરમગામમાં પશુ-દવાખાનામાં મતદાન-કેન્દ્રમાં ગ્થ્ભ્ના પેજ-પ્રમુખ તેમનાં આઇ-કાર્ડ ભરાવીને મતદાન-કેન્દ્રમાં બિન્ધાસ્ત ફરતા જોવા મળ્યા હતા. તેમને કોઈ સુરક્ષાકર્મી અટકાવતા નહોતા.

મતદાન-કેન્દ્રમાં મતદાર સિવાય કોઈ આવી ન શકે, પરંતુ વિરમગામમાં શેઠ એમ. જે. હાઈ સ્કૂલમાં મતદાન-મથકમાં નાનાં બાળકો તેમ જ કિશોરીઓ તેમના પેરન્ટ્સ સાથે મતદાન-કેન્દ્રની અંદર જોવા મળતાં હતાં.

મતદાન-કેન્દ્રોમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદ, વિરમગામ અને સાણંદનાં મતદાન-મથકોમાં લોકો મોબાઇલ સાથે જોવા મળ્યા હતા.

વિરમગામ પાસે સુવાણા ગામમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથેની સ્લિપોનું સવારે વિતરણ થતું હોવાની ફરિયાદ વિરમગામના કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય ડૉ. તેજશ્રી પટેલે દેત્રોજના મામલતદારને કરતાં મામલતદારે સ્લિપોનુ વિતરણ અટકાવ્યું હોવાનું ડૉ. તેજશ્રી પટેલે પત્રકારોને કહ્યું હતું.

અમદાવાદમાં ૨૧ EVM ટેક્નિકલ કારણોસર ખોટકાઈ જતાં બદલવાં પડ્યાં હતાં તો ગાંધીનગર બેઠક પર ઉપયોગમાં લેવામાં આવેલાં VVPAT મશીનમાં એરર આવી જતાં બદલવાં પડ્યાં હતાં.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં સવારે વોટિંગ કર્યું હતું જ્યારે તેમનાં પત્ની જશોદાબહેને ઊંઝામાંથી અને નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ ગાંધીનગરમાંથી વોટિંગ કર્યું હતું.

EVM = ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન, VVPAT = વોટર-વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેલ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK