વારાણસીમાં નરેન્દ્ર મોદી સહિત કુલ ૪૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા

વારાણસીની હાઈ-પ્રોફાઇલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારા કુલ ૭૮ ઉમેદવારોમાંથી ૩૪નાં નૉમિનેશન-પેપર્સ ચૂંટણીપંચે નકારી કાઢ્યાં છે. હવે અહીં ૪૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમાં નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ મુખ્ય છે. આ ઉપરાંત કૉન્ગ્રેસના અજય રાય અને સમાજવાદી પાર્ટીના કૈલાસનાથ ચૌરસિયા છે.

રાષ્ટ્રીય પક્ષોના પાંચ અને પ્રાદેશિક કે નાના પક્ષોના ૧૯ ઉમેદવારો તેમ જ ૨૦ અપક્ષ ઉમેદવારો હવે બાકી રહ્યા છે. નરેન્દ્ર મોદી ઉપરાંત બીજા બે નરેન્દ્ર જંગમાં છે, પરંતુ ત્રીજા નરેન્દ્ર શર્માનું નૉમિનેશન રદ કરવામાં આવ્યું છે.

વારાણસી બેઠક માટે ૧૨ મેના રોજ મતદાન થવાનું છે અને એ માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ ગુરુવાર હતો. ઉમેદવારીપત્રો ગઈ કાલે ચકાસ્યા પછી ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ચંદનચોર વીરપ્પનના ભત્રીજા પી. એન. રામચંદ્રન સહિત કુલ ૩૪નાં ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યાં છે. અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનના હમશકલ મેરાજ ખાલિદ નૂરનું નૉમિનેશન ફૉર્મ પણ રદ કરવામાં આવ્યું છે.

એક બેઠક પરથી સૌથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હોય એવા મતવિસ્તારમાં વારાણસીનું નામ પણ આ ૪૪ કૅન્ડિડેટ્સ સાથે જોડાઈ ગયું છે. ચેન્નઈ સાઉથની બેઠક પરથી ૪૨ અને ઔરંગાબાદની બેઠક પરથી ૨૭ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

જોકે વારાણસીમાં ઉમેદવારોની સંખ્યા ઘટી શકે છે, કારણ કે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ સોમવાર છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK