વડોદરા જિલ્લામાં મતદારોને વોટિંગ-બૂથમાં ઠંડું પાણી, છાશ ને ઠંડાં પીણાં મળશે

૯૦ ટકાથી વધુ મતદાન કરાવનારા બૂથ લેવલ ઑફિસરોનું સન્માન થશે


વડોદરા જિલ્લામાં વધુ મતદાન થાય એ માટે મતદારોને પ્રોત્સાહિત કરવાના એક પ્રયાસમાં ૧૦ વિધાનસભા મતવિસ્તારોમાં ફેલાયેલાં મતદાનમથકોમાં ૯૦ ટકાથી વધારે વોટિંગ કરાવનારા બૂથ લેવલ ઑફિસરોને ઇનામ આપવાનો નર્ણિય સ્થાનિક સત્તાવાળાઓએ કર્યો છે. ૧૦ વિધાનસભા મતવિસ્તારો પૈકીના ૭ વડોદરા સંસદીય મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યારે ૩ મતવિસ્તાર છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવે છે.

રિટર્નિંગ ઑફિસર વિનોદ રાવે જણાવ્યા અનુસાર ૧૦ વિધાનસભા મતવિસ્તારો હેઠળનાં મતદાનમથકોમાં ૯૦ ટકાથી વધુ મતદારો પાસે વોટિંગ કરાવી શકે એવા બૂથ લેવલ ઑફિસર્સનું સન્માન કરવામાં આવશે.

૨૦૧૨ના ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ મતવિસ્તારોમાં ૭૨ ટકા મતદાન નોંધાયું હતું.

આ ઑફિસરો ૨૨ લાખ મતદારોને આવરી લેતાં સાડાછ લાખ ઘરોનો સંપર્ક કરી ચૂક્યા છે અને મતદાનના દિવસે વોટિંગની ખાતરી આપતા સંકલ્પપત્રો તેમની પાસેથી મેળવી ચૂક્યા છે. એમ જણાવતાં વિનોદ રાવે ઉમેર્યું હતું કે ‘મતદારોને ફોટો આઇડેન્ટિટી સ્લિપ આપવાની કામગીરી આગામી ૩ દિવસમાં પૂરી થઈ જશે. એનાથી મતદારોને સંબંધિત બૂથ સુધી પહોંચીને મતદાન કરવામાં આસાની થશે.’

બળબળતી ગરમી પડી રહી છે અને ઉષ્ણતામાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને અમે મતદારોને વિવિધ સુવિધા આપવાનો ફેંસલો કર્યો છે એમ જણાવતા વિનોદ રાવે ઉમેર્યું હતું કે, ‘વોટિંગ-બૂથમાં મતદારોને ઠંડું પાણી, છાશ અને ઠંડાં પીણાં આપવામાં આવશે. વિવિધ બિનસરકારી સંગઠનો, સસ્તા અનાજની દુકાનના માલિકોનાં સંગઠન, પેટ્રોલ ડીલર્સ અસોસિએશન્સ અને અન્યો આ સુવિધા માટે સહકાર આપવા સહમત થયાં છે.’

ગુજરાતના ૨૬ લોકસભા મતવિસ્તારોમાં ૩૦ એપ્રિલે મતદાન થવાનું છે. આશરે ૧૭,૦૦૦ ચૂંટણી-કર્મચારીઓ અને ૮૦૦૦થી વધુ સલામતી-રક્ષકોને વડોદરા જિલ્લામાં ચૂંટણીપ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK