મુંબઈના મતદારોની ચૂંટણીપંચે માફી માગી

વોટર્સ-લિસ્ટના છબરડાના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું. મતદારોનાં નામો રદ થયાના પ્રકરણને કાવતરું ગણાવતો વિપક્ષ : ફેરમતદાનની MNSની માગણી : ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણ કહે છે કે મતદારો જ જવાબદાર

મત અહીં સલામત : ગોરેગામ (ઈસ્ટ)ના નેસ્કો હૉલમાં નૉર્થ-વેસ્ટ મતદારસંઘના કાઉન્ટિંગ હૉલની બહાર જડબેસલાક પોલીસ-બંદોબસ્ત. તસવીર : નિમેશ દવે


મતદારયાદીમાંથી નામ રદ થવાના પ્રશ્ને મોટો વિવાદ થયો છે. એક તરફ રાજ્યના ચૂંટણીપંચે આ મામલે ડિસ્ટિÿક્ટ ઑથોરિટી તરફ આંગળી ચીંધી છે તો બીજી તરફ રાજ્યના ચૂંટણીપંચને વિશ્વાસમાં લીધા વગર જ ચૂંટણી-કમિશનરે મુંબઈના મતદારોની માફી માગી છે. શાસક પક્ષે કાવતરું રચ્યાનો આક્ષેપ વિરોધ પક્ષોએ કર્યો છે. છ મહિના પહેલાં નવી મતદારયાદી તમામ રાજકીય પક્ષોને આપવામાં આવી હતી ત્યારે વિરોધ કેમ નહોતો કરવામાં આવ્યો એવો બચાવ પણ રાજ્યના ચૂંટણીપંચે કર્યો છે.

મતદાન જનજાગૃતિ માટે ચૂંટણીપંચે પાણીની જેમ પૈસા ખચ્ર્યા, પરંતુ મતદારયાદીમાં નામ ન હોવાનો ઝાટકો ગુરુવારે ઘણા મુંબઈગરાઓએ સહન કરવો પડ્યો હતો. વિપક્ષોને પણ આ મુદ્દાની ગંભીરતાનો ખ્યાલ બહુ મોડો-મોડો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ ૫૦.૩૨ લાખ મતદારોનાં નામો રદ થયાં હતાં, જે પૈકી મુંબઈ તથા થાણેના ૧૨.૯૮ લાખ મતદારોનાં નામ રદ થયાં હતાં; જેમાં ણ્Dજ્ઘ્ના ચૅરમૅન દીપક પારેખ, જાણીતા વકીલ રામ જેઠમલાણી તથા બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણ જેવી જાણીતી વ્યક્તિઓનાં નામનો પણ સમાવેશ થાય છે.

મતદારયાદીમાં રહેલી ખામી બદલ ચૂંટણી-કમિશનર એચ. એસ. બ્રહ્યાએ મુંબઈના મતદારોની માફી માગી છે. તેમણે કહ્યું હતું કે ‘આટલી મોટી સંખ્યામાં મતદારોનાં નામ મતદારયાદીમાં નહોતાં એ બદલ હું માફી માગું છું. તમામ ભારતીયો મતદાન કરી શકે એ અમારી જવાબદારી છે. તમામનાં નામો મતદારયાદીમાં આવે, તેઓ મતદાન કરી શકે એ અમારી જવાબદારી હતી; પરંતુ સમન્વયના અભાવે કેટલાંક નામો રહી ગયાં. પ્રથમ વખત આવી ભૂલ થઈ, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં અમે ભૂલ સુધારીશું. જ્યાં ગંભીર ખામીઓ રહી ગઈ છે એ શોધીને જવાબદારો સામે ગંભીર કાર્યવાહી પણ કરવામાં આવશે.’

તમામ પક્ષોની બેઠક

મતદારયાદીમાંથી મતદારોના નામો રદ થવાના મામલે તમામ પક્ષોની બેઠક બોલાવવાનું સૂચન મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (પ્ભ્ઘ્ઘ્)ના અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ કર્યું છે. તેમણે કહ્યું હતું કે ‘આ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ, જેથી વિધાનસભા ચૂંટણીમાં આ પ્રકારની ખામી ન રહી જાય. એક તરફ મતદાન માટે જાગૃતિ આવી છે ત્યારે મતદારયાદીમાં ખામી સર્જાય એ એક સારી વાત નથી.’

મતદારો જ જવાબદાર : પૃથ્વીરાજ ચવાણ

ઝૂંપડપટ્ટીમાં રહેતો મતદાર મતદારયાદીમાં રહેલી ખામી સામે ફરિયાદ કરે એ વાત સમજી શકાય, પરંતુ કૉર્પોરેટ્સે આવી ફરિયાદ કરવી નહીં એવો મત વ્યક્ત કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘મુંબઈગરાઓએ આવી વાત કરવી જોઈએ નહીં, કારણ કે એમાં તેમની ઉદાસીનતા હતી. આ વખતે નામ વેબસાઇટ પર હતાં. એક જાણીતા કૉર્પોરેટ અધિકારીનું નામ રદ થયાની વિગતો મેં સાંભળી. જો એક ઇન્ટરનૅશનલ ફ્લાઇટ પકડવી હોય તો ૨૪ કલાક પહેલાં રિઝર્વેશન છે કે નહીં એની ખાતરી કરીએ છીએ તો મતદારયાદીમાં નામ છે કે નહીં એ ચકાસવા માટે તમારી સેક્રેટરીને કેમ ન કહ્યું. ઝૂંપડપટ્ટીમાં રહેનારે ફરિયાદ કરી તો સમજી શકાય, પરંતુ કૉર્પોરેટ્સ પોતાનું નામ ન હોવાની ફરિયાદ કરે એ યાગ્ય નથી. આ તેમની નિષ્કાળજી હતી.’

એક નામ રદ કરવાના ૩૦૦ રૂપિયા : ફડણવીસ

મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મોટા ભાગના લોકોએ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું તેઓ પોતાનું વૉટર ત્D પણ સાથે લઈને ગયા હતા. શિવસેના તથા BJPતરફી રહેલા ૯૦ ટકા મતદારોનાં નામો રદ કરવામાં આવ્યાં હતા. અગાઉ મત આપી ચૂક્યા હોય એવા દીપક પારેખ જેવી જાણીતી વ્યક્તિનાં નામ કઈ રીતે રદ થઈ શકે. નામો રદ કરવા માટેની જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવ્યું. વળી તે વ્યક્તિને આ વિશે માહિતી પણ નથી આપવામાં આવી. મતદારયાદી બનાવવાનું કામ કરતી કંપનીના એક કર્મચારી વિશે મેં એવું સાંભળ્યું છે કે એક નામ રદ કરવાના ૩૦૦ રૂપિયા તે લેતો હતો. ચૂંટણી-અધિકારીઓ એવું કહે છે કે મતદારયાદીમાં નામ છે કે નહીં એ જોવાની જવાબદારી જો મતદારની હોય તો ચૂંટણીપંચની જવાબદારી શું છે.’

ગુનાહિત બેદરકારી તથા કાવતરું : કિરીટ સોમૈયા

મુંબઈ નૉર્થ-ઈસ્ટ લોકસભા બેઠક માટે BJPના ઉમેદવાર કિરીટ સોમૈયાએ આ મામલે ગુનાહિત બેદરકારી તથા કાવતરાની પોલીસ-ફરિયાદ કરી છે. તેમણે કહ્યું હતું કે ‘મારા મતવિસ્તારમાં આવતાં ઘાટકોપર, મુલુંડ તથા ભાંડુપના એક લાખ કરતાં વધુ મતદારોનાં નામો રદ કરવામાં આવ્યાં છે. મતદારયાદીમાં નામો રદ કરવાના મામલે રાજ્યના ચૂંટણીપંચનું ધ્યાન દોરવા ઉદ્ધવ ઠાકરે, ગોપીનાથ મુંડે તથા રામદાસ આઠવલે મળશે.’

કૉન્ગ્રેસ તથા NCPનું કાવતરું : બાળા નાંદગાંવકર

મુંબઈ સાઉથ લોકસભા બેઠકના MNSના ઉમેદવાર બાળા નાંદગાંવકરે ફેરમતદાનની માગણી કરતાં કહ્યું હતું, ‘કૉન્ગ્રેસ તથા NCP દ્વારા કાવતરું કરી મતદારયાદીમાંથી નામો રદ કરાયાં છે. આ મામલે અમે CBI તપાસની માગણી કરીશું.’ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી-અધિકારી નીતિન ગદરેને મળીને તેમણે રજૂઆત પણ કરી હતી તેમ જ મતદારયાદીમાં સુધારણા કરવાની માગણી કરી હતી.

મુંબઈ સાઉથ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર મીરા સાન્યાલે ૨૧ હજાર કરતાં વધુ મતદારોનાં નામ રદ થયા હોવાનો આરોપ કર્યો હતો.

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા વિનોદ તાવડેએ કહ્યું હતું કે કાયદેસર મતદારો પોતાના હકથી વિમુખ ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી ચૂંટણીપંચ તથા મુખ્ય પ્રધાનની છે.

NCP = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, BJP = ભારતીય જનતા પાર્ટી, MNS = મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના, CBI = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, ણ્Dજ્ઘ્=  હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન, ત્D = આઇડેન્ટિફિકેશન

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK