માત્ર મતદાન કરવા આવ્યો આ ગુજરાતી છેક અમેરિકાથી

દરેક ચૂંટણીમાં મત આપવા આવે છે : હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ આવશે
(સપના દેસાઈ)

દરેક ભારતીય નાગરિક પોતાના મતાધિકારની ફરજ બજાવે એ માટે ગવર્નમેન્ટ ખાસ હૉલિડે ડિક્લેર કરતી હોય છે, પણ એ રજામાં ઘરની બહાર નીકળીને લોકો વોટ આપવા જવાનો કંટાળો કરતા હોય છે ત્યારે અમેરિકાના ટેક્સસ રાજ્યના હ્યુસ્ટનમાં રહેતો ૩૬ વર્ષનો મેકૅનિકલ એન્જિનિયર નિર્મલ ગણાત્રા વોટિંગ કરવા માટે ખાસ ચાર દિવસની રજા લઈને મુલુંડ પોતાના ઘરે આવ્યો હતો અને વોટ આપીને એક જવાબદાર ભારતીય નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવીને તેણે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વિધાનસભાની ચૂંટણી માટે પણ આવીશ

મુલુંડ (વેસ્ટ)માં મુરાર રોડ પર આવેલા રામેશ્વર અપાર્ટમેન્ટમાં રહેતો ૩૫ વર્ષનો નિર્મલ ગણાત્રા ગુરુવારે સવારે અમેરિકાથી આવ્યો હતો અને ઘરે આવીને ફ્રેશ થઈને સૌથી પહેલાં તે વોટ આપવા ગયો હતો. ખાસ વોટિંગ માટે આવેલા નિર્મલે કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૧૪ વર્ષથી અમેરિકામાં રહું છું, પણ મેં મારું ભારતીય નાગરિકત્વ જાળવી રાખ્યું છે અને જ્યારે-જ્યારે આપણે ત્યાં ચૂંટણી યોજાતી હોય છે ત્યારે-ત્યારે આવીને મેં મારો વોટ આપ્યો છે અને હવે બહુ જલદી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે પણ હું અચૂક આવીશ અને મારો વોટ આપીશ.’

ખાસ નરેન્દ્ર મોદી માટે આવ્યો

લોકશાહી માટે એક-એક વોટ કીમતી હોવાનું બોલતાં નિર્મલે કહ્યું હતું કે ‘ભારતીય નાગરિક તરીકે હું એક-એક વોટનું મહત્વ સમજું છું. એક વોટ પણ ઘણો ફરક પાડી શકે છે એટલે તો જ્યારે-જ્યારે આપણે ત્યાં ચૂંટણી યોજાતી હોય છે ત્યારે-ત્યારે અચૂક ભારત આવીને વોટ આપી જાઉં છું, પણ આ વખતની ચૂંટણી ફક્ત BJP માટે જ નહીં; મારા માટે પણ ખાસ હતી. હું નરેન્દ્ર મોદીનો બહુ મોટો ચાહક છું અને તેમને માટે એક-એક વોટ મહત્વનો છે એટલે આ વખતે હું ખાસ તેમના માટે આવ્યો છું એમ કહીશ તો ખોટું નહીં કહેવાય. મેં તો મારે ત્યાં રહેતા તમામ ભારતીય મિત્રોને પણ અહીં આવીને વોટ આપવાની વિનંતી કરી હતી.’     

મમ્મીને સરપ્રાઇઝ

અમેરિકામાં સેટલ થઈ ગયેલા મેકૅનિકલ એન્જિનિયર નિર્મલનાં મમ્મી કલ્પના ગણાત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણા દિવસ પહેલાં જ્યારે ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ ત્યારે નિર્મલે મને ફોન કરીને ઇલેક્શન કાર્ડ શોધીને તૈયાર રાખવાનું કહીને તે વોટ આપવા આવશે એવું કહ્યું હતું. ત્યારે મને એમ કે તે મજાક કરતો હશે, કારણ કે હજી ડિસેમ્બરમાં જ તે મુંબઈ આવ્યો હતો અને મહિના બાદ જાન્યુઆરીમાં પાછો ગયો હતો. એટલે

બે-અઢી મહિનાની અંદર ફરીથી કંપની તેને રજા આપે અને તે આટલે લાંબેથી ખાસ વોટ આપવા પાછો આવે એવી શક્યતા ઓછી જણાતી હતી. એથી મેં તેની વાતને બહુ ગંભીરતાથી નહોતી લીધી, પણ ગુરુવારે સવારે પોણાછ વાગ્યે દરવાજાની બેલ વગાડી તો હું તો એકદમ શૉક થઈ ગઈ હતી. તેણે અમને બધાને અચાનક જ સરપ્રાઇઝ આપી હતી.’

BJP = ભારતીય જનતા પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK