નરેન્દ્ર મોદીને રોકવા ચવાણે જીભ કચરી

પહેલાં કહ્યું કે પ્રાદેશિક પાર્ટીઓને ચૂંટણી લડવાની છૂટ જ ન હોવી જોઈએ અને હવે કહે છે કે સરકાર રચવા માટે કૉન્ગ્રેસ ત્રીજા મોરચા સાથે પણ હાથ મિલાવશે(રવિકિરણ દેશમુખ)

કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની નજીક ગણાતા મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે તેમનાં બે નિવેદનો મારફત ગૂંચવાડો સરજ્યો છે.

બુધવારે તેમણે કહ્યું હતું કે પ્રાદેશિક પક્ષોને લોકસભાની ચૂંટણી લડવાની પરવાનગી જ ન આપવી જોઈએ અને શુક્રવારે તેમણે એમ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનતા રોકવા માટે કૉન્ગ્રેસ ત્રીજા મોરચાની મદદ લેશે.

ચવાણનાં આ બે નિવેદનો વિરોધાભાસી છે, કારણ કે ત્રીજો મોરચો પ્રાદેશિક પક્ષોનો બનેલો છે.

કૉન્ગ્રેસના સાથી પક્ષ NCPએ તેમના નિવેદનની ટીકા કરતાં જણાવ્યું હતું કે ચવાણના સૂચનનો અમલ થાય તો એના સૂચિતાર્થો જોખમી હોઈ શકે છે.

ચવાણે એક મીડિયા-ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘જર્મનીમાં પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય ચૂંટણી લડવાની પરવાનગી નથી. એવી જ રીતે આપણે પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની છૂટ પ્રાદેશિક પક્ષોને ન આપવી જોઈએ. અમેરિકાની માફક બે કે ત્રણ પક્ષની વ્યવસ્થા ભણી દેશનું રાજકારણ તો જ ગતિ કરશે.’

NCPના પ્રવક્તા નવાબ મલિકે આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘મારો પક્ષ આ પગલાનો વિરોધ કરશે. ચવાણે આ કહ્યું ત્યારે તેમના મનમાં શું હશે એ ખબર નથી; પણ એ તેમનો અંગત અભિપ્રાય હશે, કૉન્ગ્રેસ પક્ષનો નહીં. મુખ્ય પ્રધાને યાદ રાખવું જોઈએ કે પ્રાદેશિક પક્ષોની મદદ વડે જ કેન્દ્રમાં UPA સત્તા પર આવી શક્યું હતું. BJPના વડપણ હેઠળનું NDA પણ પ્રાદેશિક પક્ષોનું બનેલું છે. ચૂંટણી લડવાનો દરેક વ્યક્તિને અધિકાર છે.’

શુક્રવારે વિધાનભવન ખાતે પત્રકારો સાથે વાત કરતાં ચવાણે સ્પષ્ટતા કરી હતી કે ‘પ્રાદેશિક પક્ષોને લોકસભાની ચૂંટણી લડવાની છૂટ ન આપીએ તો રાજકીય અસ્થિરતા સર્જાવાની શક્યતા રહે છે. આ મુદ્દે ચર્ચા થઈ શકે. હું કે કૉન્ગ્રેસ એકલા આ કામ કરી શકીએ નહીં. આ કામ માટે બંધારણીય સુધારા ઉપરાંત રાજકીય સર્વસંમતિ પણ જરૂરી છે. તમામ રાજકીય પક્ષો સાથે મસલત કર્યા વિના આ કામ થઈ શકે નહીં.’

મોદીને રોકો

પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એવી શક્યતા ઓછી છે અને ત્રીજા મોરચા સાથે હાથ મિલાવીને કૉન્ગ્રેસ કેન્દ્રમાં આગામી સરકાર રચી શકે છે. BJPને કૉન્ગ્રેસ કરતાં વધારે બેઠકો મળશે તો પણ પ્રાદેશિક પક્ષો એમનાથી દૂર જ રહેશે. અમે ત્રીજા મોરચાની મદદથી સેક્યુલર સરકારની રચવાના પ્રયાસ કરીશું.’

NCP = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી,  BJP = ભારતીય જનતા પાર્ટી, UPA = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, NDA = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK