સંજય નિરુપમની પ્રચારસભામાં નારાયણ રાણેના મોદી પર પ્રહારો

પહેલાં 'ફીલ ગુડ'માં અને પછી 'ઇન્ડિયા શાઇનિંગ'માં હારવા છતાંય BJPવાળા કહે છે કે અચ્છે દિન આનેવાલે હૈં

નૉર્થ મુંબઈ લોકસભા મતદારસંઘના કૉન્ગ્રેસ અને NCP આઘાડીના ઉમેદવાર સંજય નિરુપમ માટે કાંદિવલી (વેસ્ટ)ના ચારકોપમાં એક પ્રચારસભાને સંબોધતાં મહારાષ્ટ્રના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘ટીવી પર BJPવાળા આખો દિવસ ‘અચ્છે દિન આનેવાલે હૈ’ની જાહેરાતોનો મારો ચલાવે છે, પણ પહેલાં તેઓ ‘ફીલ ગુડ’ની વાત કરતા હાર્યા હતા. એ પછી ‘ઇન્ડિયા શાઇનિંગ’ના નારામાં પણ હાર્યા હતા અને એમ છતાં આજકાલ તેઓ સારા દિવસ આવવાની વાત કરે છે.’

નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર કરતાં ગુજરાત આગળ છે એવું બોગસ ચિત્ર નરેન્દ્ર મોદી ઊભું કરી રહ્યા છે. વિકાસની દોડમાં મહારાષ્ટ્ર નંબર વન સ્થાન પર છે અને એમ છતાં દેશના વડા પ્રધાન બનવાનું સપનાં જોનારી વ્યક્તિ આસાનીથી જુઠ્ઠું બોલે છે. આવું કરનારને દેશની ગાદી સોંપવામાં આવે ખરી? તેમનાથી સાવધાન રહેજો અને ૨૪ એપ્રિલે કૉન્ગ્રેસના ઉમેદવાર સંજય નિરુપમને મત આપજો. કૉન્ગ્રેસે ફૂડ સિક્યૉરિટી બિલ મંજૂર કર્યું જેથી લોકોને ભૂખ્યા સૂવું ન પડે.’

આ પ્રચારસભામાં સંજય નિરુપમ, બહુજન વિકાસ આઘાડીના પ્રદીપ કબરે, ઍડ્વોકેટ અશોક સુત્રાળે, મુંબઈ કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંત, જિલ્લા પ્રતિનિધિ ભૂષણ પાટીલ, નગરસેવક શિવા શેટ્ટી, નગરસેવિકા શીતલ મ્હાત્રે, સંધ્યા દોશી, બ્લૉક અધ્યક્ષ રશ્મિ મેસ્ત્રી, રાજેશ ખેંગાર, લાલજી દુબે, યોગેશ દુબે અને સેંકડો કાર્યકરો હાજર રહ્યા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK