ગોવાલિયા ટૅન્કના દેરાસરમાં જૈન મુનિનાં દર્શન કરવા આવેલા ચીફ મિનિસ્ટર સામે શિવસેનાનો વિરોધ ને ધમાલ

ઑગસ્ટ ક્રાન્તિ મેદાન પાસે આવેલા ગોવાલિયા ટૅન્ક જૈન દેરાસરમાં રવિવારે રાતે જૈન મુનિના પ્રવચન દરમ્યાન તેમને મળવા ગયેલા મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સામે શિવસૈનિકોએ વિરોધ દર્શાવીને દેરાસરની બહાર ધમાલ મચાવી હતી. એની સામે જૈનોએ ભારે નારાજગી દર્શાવી છે.

ગોવાલિયા ટૅન્ક જૈન દેરાસર સાથે સંકળાયેલા એક પદાધિકારીએ કહ્યું હતું કે ‘રવિવારે રાતે દેરાસરમાં  પૂજ્ય મુનિ નયપદ્મસાગરજી મહારાજસાહેબનું પ્રવચન ચાલી રહ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હીરાબજાર, મેટલ અને સ્ટીલ જેવી બજારોના વેપારીઓ હાજર રહ્યા હતા. એ દરમ્યાન વેપારીઓની વિનંતીને માન આપીને અને અગાઉથી મહારાજસાહેબ સાથે થયેલી ચર્ચા મુજબ પૃથ્વીરાજ ચવાણે પાંચ મિનિટ પૂરતી આ પ્રવચનમાં હાજરી આપી હતી. એની સામે રવિવારે રાતે શિવસૈનિકો મોટી સંખ્યામાં દેરાસર સામે દોડી આવ્યા હતા અને પૃથ્વીરાજ ચવાણે આચારસંહિતાનો ભંગ કયોર્ હોવાની ફરિયાદ કરીને ધમાલ મચાવી હતી.’

આ બાબતે નગરસેવક અને કૉન્ગ્રેસી કાર્યકર પ્રમોદ માંદ્રેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ મુખ્ય પ્રધાનની રૂટીન વિઝિટ હતી. તેઓ ચૂંટણીને લગતું કોઈ ભાષણ આપવા કે પ્રચાર માટે નહોતા આવ્યા એટલું જ નહીં, આ વિસ્તારનો કૉન્ગ્રેસનો કોઈ ઉમેદવાર પણ અહીં આવ્યો નહોતો. તેઓ ફક્ત વેપારીઓની વિનંતીને માન આપીને અને મુનિસાહેબનાં દર્શન માટે આવ્યા હતા. શિવસૈનિકોએ તદ્દન ખોટી રીતે તેમની સામે આચારસંહિતાનો ભંગ કયોર્ હોવાની ફરિયાદ કરીને ધમાલ મચાવી હતી અને દેરાસરની બહાર ખોટેખોટું ટેન્શન ઊભું કર્યું હતું. તેમની સામે ગાંવદેવી પોલીસ-સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.’

મુંબઈના પોલીસ-કમિશનર રાકેશ મારિયાએ આ બાબતે કહ્યું હતું કે ‘આ બાબતે હજી સુધી પોલીસમાં FIR નોંધાયો નથી, પણ અમે અમારી રીતે તપાસ ચલાવી રહ્યા છીએ. એ સિવાય ચૂંટણીપંચે પણ આ બાબતે નોંધ લીધી છે અને તેઓ તેમની રીતે તપાસ કરી રહ્યા છે.’

FIR - ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK