મુસ્લિમ ભાઈઓ સહિત બધા લોકો સુધી પહોંચીશ : મોદી

રામ મંદિર તથા યુનિફૉર્મ સિવિલ કોડ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને બંધારણની મર્યાદામાં રહીને ઉકેલવાનું વચન




નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે દેશના અન્ય નાગરિકોની માફક તેઓ મુસ્લિમ ભાઈઓ સુધી પણ પહોંચશે. મોદીએ સ્પષ્ટતા કરી હતી કે રામ મંદિર તથા યુનિફૉર્મ સિવિલ કોડ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને બંધારણની મર્યાદામાં રહીને ઉકેલવામાં આવશે.

પોતે તમામ ભારતીયોને સમાન ગણે છે અને મુસ્લિમો સહિતના સમાજના તમામ વર્ગ સુધી પહોંચવાને પોતાની જવાબદારી સમજે છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મેં રાજ્યના છ કરોડ લોકો સુધી પહોંચવાના મહત્તમ પ્રયાસ કર્યા છે. હવે મને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે. એથી હું દેશના ૧૨૫ કરોડ લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરીશ. એ મારી જવાબદારીનો એક ભાગ છે.’

એક ટીવી-ચૅનલના કાર્યક્રમમાં એવું પૂછવામાં આવ્યું કે તમે મુસ્લિમો સહિતના દેશના દરેક નાગરિક સુધી પહોંચવાના પ્રયાસ કરો છો કે કેમ, ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘તમારી આ ટર્મિનોલૉજી સાથે હું ક્યારેય સહમત નહીં થાઉં. હું દેશના દરેક નાગરિકને મળીશ. હું દેશબાંધવોની એક જ ભાષા સમજું છું. તેઓ મારા ભાઈઓ છે. હું ચૂંટણી હારી જાઉં તો પણ એમાં મને કોઈ વાંધો નથી; પરંતુ આ ભાષાથી, લોકોની આવી ધારણાથી દેશ ખતમ થવો ન જોઈએ.’

રામ મંદિર અને યુનિફૉર્મ સિવિલ કોડના મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘સરકાર માટે એક જ પુસ્તક પવિત્ર હોય છે અને એ છે બંધારણ. સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ’ સૂત્ર લઈને ચાલવું પડે છે.’

BJP = ભારતીય જનતા પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK